ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો નવા તળિયે પહોંચી ગયાં છે. 9મી ડિસેમ્બર 2022ના રોજ ચીની સેનાએ અરૂણાચલપ્રદેશના તવાંગ નજીકના યાંગત્સે ખાતે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાના જવાનોએ એલએસીની અંદર ઘૂસી આવેલા 300 કરતાં વધુ સૈનિકોને બહાદૂરીપુર્વક ખદેડી મૂક્યાં હતાં. આ ઘટનાએ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં વધુ કડવાશ લાવી દીધી હોવાનો દાવો રાજકીય નિષ્ણાતો કરી રહ્યાં છે પરંતુ શું આ પહેલાં ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં કોઇ કડવાશ નહોતી? 2013-14માં ચીની પ્રમુખ શિ જિનપિંગ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે જ ચીની સેનાએ લદ્દાખમાં મોટી ઘૂસણખોરી કરી હતી. 2016-17માં ડોકલામ ખાતે ચીની સેનાએ ઘૂસણખોરી કરતાં 73 દિવસ સુધી બંને દેશની સેનાઓ સામસામે રહી હતી. એપ્રિલ 2020માં લદ્દાખમાં ચીની સેનાએ મોટાપાયે ઘૂસણખોરી કરી અને ગાલવાનમાં બંને દેશના જવાનો વચ્ચે ભયાનક અથડામણ સર્જાઇ હતી. જોકે હવે ભારતે મોદી સરકારના નેતૃત્વમાં ચીની ઘૂસણખોરીને સજ્જડ પડકાર આપવાનું શરૂ કર્યું છે. ગાલવાન અને તવાંગના સંઘર્ષ તેના તાજા ઉદાહરણ છે. ચીની સેના દ્વારા ઊભા કરાતા પડકારોને તાત્કાલિક પહોંચી વળવા માટે ભારત સરકાર અને સેના દ્વારા સરહદી વિસ્તારોમાં જરૂરી તમામ માળખાકીય સુવિધાઓની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા પણ એલએસીને પેલે પાર લશ્કરી સુવિધાઓ વિકસાવવાની સાથે ગામડાઓ વસાવવામાં આવી રહ્યાં છે. આવી સ્થિતિમાં શું બંને દેશ વચ્ચે યુદ્ધની કોઇ સંભાવના છે ખરી? ભારત અને ચીન વચ્ચે ફક્ત એક પૂર્ણકક્ષાનું યુદ્ધ 1962માં થયું હતું. ત્યારપછી અત્યાર સુધીમાં એલએસી પર નાના-મોટા છમકલા સિવાય બંને દેશ ક્યારેય સીધા સંઘર્ષમાં સંડોવાયા નથી. 1962માં ચીન કરતાં ભારતની સ્થિતિ અત્યંત નબળી હતી જેનો લાભ ચીની શાસકોએ ઉઠાવ્યો હતો પરંતુ હવે 21મી સદીના ભારત સામે ટકરાતાં કોઇપણ દેશ 100 વાર વિચાર કરશે. ભારતે પરમાણુ શક્તિ બનવાની સાથે સાથે તેના મિસાઇલના ભાથામાં સમગ્ર ચીનને પોતાના હુમલાના દાયરામાં સામેલ કરે તેવા મિસાઇલો વિકસાવી લીધાં છે. તે ઉપરાંત ભારતીય સેના અમેરિકા, ફ્રાન્સ, ઇઝરાયેલની મિલિટરી ટેકનોલોજીથી વધુ શક્તિશાળી બની છે. બીજીતરફ ચીની સેના તેના પોતાના દ્વારા વિકસાવાયેલી ટેકનોલોજીઓ પર ભરોસો રાખે છે જે અત્યાર સુધી કોઇપણ પૂર્ણકક્ષાના યુદ્ધમાં ચકાસાઇ નથી. આવી સ્થિતિમાં ભારત સામે યુદ્ધ કરવાના બદલે ચીની શાસકો નાના-મોટા છમકલા દ્વારા એલએસી પર પોતાનું પ્રભુત્વ સિદ્ધ કરવાના પ્રયાસો કરતા રહે છે. ભારત અને અમેરિકા સહિતના પશ્ચિમના દેશો અને સાઉથ ચાઇના સીમાં જાપાન સહિતના દેશો સાથે ભારતના ગઠબંધનથી ચીન અકળાયેલો છે.
ભારત ચીનને મચક આપતો ન હોવાથી તે એલએસી પર છમકલાં સહિત પાકિસ્તાની આતંકવાદીઓને સમર્થન સહિતના કૂટનીતિક પ્રયત્નો કરતો રહે છે પરંતુ ભારતે અપનાવેલી નવી વિદેશનીતિ તેની કૂટનીતિની દાળ ગળવા દેતી નથી.
