• શ્રી નવયુગ જૈનપ્રગતિ મંડળના ઉપક્રમે કેનન્સ હાઇસ્કુલમાં પર્યુષણ પર્વની આરાધના આઠેય દિવસ ભક્તિભેર કરવામાં આવી. ભારતથી જાણીતા ભક્તિ સંગીત કલાકાર શ્રી વિકી પારેખે ભાવિકોને ભક્તિમાં તરબોળ કરી દીધાં હતાં. બાળકોને આકર્ષવા માટે શીબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ મંડળનું સુકાન યુવાન પ્રેસિડેન્ટ ગિરિશભાઇ જૈન અને કમિટીએ સંભાળી સંસ્થાની પ્રવૃત્તિઓમાં વધારો કરી ટેકનોલોજીના ઉપયોગથી નાના-મોટા સૌને રસ લેતા કર્યા એ માટે ધન્યવાદ. રોહિતભાઇ શાહ જેવા વડિલોનું માર્ગદર્શન અને પીઠબળ ધન્યવાદને પાત્ર છે. દરેક સંસ્થાઓમાં આ રીતે પરિવર્તન આવે તો નવી ચેતનાનો સંચાર થાય.
• સાઉથ ઇસ્ટ જૈન એસોસિએશનના ચેર શ્રી પ્રકાશભાઇએ ક્રોલી ખાતે રવિવાર ૪ સપ્ટેમ્બરના રોજ શાસન પ્રભાવક પૂ.નમ્ર મુનિજીના શિષ્યો દર્શનાદીદી, પૂર્વીદીદી અને જીનિતભાઇના પ્રવચનનો કાર્યક્રમ યોજ્યો હતો. તેઓએ નકારાત્મક વિચારોમાથી મુક્તિ કઇ રીતે મેળવવી વિષે પ્રેરક પ્રવચન પ્રસ્તુત કર્યું હતું. "કોઇને તમે ખોટા છો એવું કહેવાને બદલે , હું ખોટો હોઇ શકું, તમે કદાચ સાચા હોઇ શકો એવું કહેતા શીખવાની જરૂર છે.”
ત્યારબાદ ક્રોલીમાં પાંજરાપોળ ચલાવતા પૂનમબહેન દોશીએ એમના પ્રાણીઓ પ્રત્યેના કરૂણાભાવ અને કમિટમેન્ટની રજુઆત કરી ત્યારે સભાજનો મુગ્ધ બની ગયા હતા. (અહેવાલ: નીતિન મહેતા)
• જૈન નેટવર્કના ઉપક્રમે કોલીન્ડલના સેન્ટર ખાતે શ્રી વિજયભાઇ શેઠ, બીનાબહેન હોલ્ડન, જયશ્રીબહેન મોદી વગેરેની આગેવાની હેઠળ ભક્તિભાવ પૂર્વક પર્વાધિરાજ પર્યુષણની ઉજવણી થઇ. સેન્ટરમાં આઠેય દિવસ એકાસણા તેમજ એક ટંક ભોજનની વ્યવસ્થા, અલગ-અલગ વક્તાઓના પ્રવચનો, સામાયિક, પ્રતિક્રમણમાં સારી એવી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો. મહાવીર જન્મની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને પર્વની આરાધના કરી.
• ગુજરાતીઓનો ગઢ મનાતા લેસ્ટર નગરીમાં જૈન સેન્ટર ખાતે તપસ્યા અને ક્ષમાપનાના પર્વ પર્યુષણ નાના-મોટા સૌ કોઇએ ભક્તિભાવભેર ઉજવ્યા. ધાર્મિક ગ્રંથ બારસા સૂત્ર અને કલ્પસૂત્રના વાંચન તેમજ વ્યાખ્યાનનો લાભ મોટી સંખ્યામાં સૌ કોઇએ લીધો. આઠેય દિવસ સેન્ટરમાં એકાસણા કરવાની વ્યવસ્થાને કારણે નાની-મોટી ૧૦૦ તપસ્યા થઇ હતી. ૧૬ ઉપવાસની તપશ્ચર્યા ડો.અતુલભાઇ બાબુભાઇએ કરી હતી. પાંચમા દિવસે રવિવારના રોજ મહાવીર જન્મની ઉજવણીમાં હોલ ચિક્કાર ભરચક થઇ ગયો હતો. આ દિવસો દરમિયાન તન-મન-ધનને નિર્મળ બનાવી ક્ષમાપનાની આપ-લે કરી. હિતેશભાઇએ દરરોજ પ્રતિક્રમણ બાદ સ્તવનોની રમઝટ જમાવી ભક્તિના રંગમાં સૌને રંગી દીધાં. સૌથી મંગળકારી ઘટના એ બની કે લક્ષ્મી માતા પર અમી છાંટણા થયા.
૨૦૨૨ના પર્યુષણની સફળતામાં સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રીમતી ઉષાબહેન રજનીભાઇ મહેતા અને વોલઁટીયર્સે ભારે જહેમત
ઉઠાવી હતી. (સ્મિતાબહેન શાહના અહેવાલના આધારે)
• મહાવીર ફાઉન્ડેશનના નેજા હેઠળ કિંગ્સબરીની જ્યુઇસ સ્કુલમાં હજારથી વધુ સંખ્યામાં અબાલવૃધ્ધોએ ભાગ લઇ પર્વાધિરાજની ભવ્ય આરાધના કરી હતી. ભારતથી પધારેલ હર્ષિતભાઇ અને મોક્ષિતભાઇએ આઠેય દિવસ ૫૫૫ કેન્ટન રોડના સંસ્થાના મકાનમાં પ્રવચનમાળા અને સાંજના પ્રતિક્રમણ બાદ સંગીત સભર ભાવનામાં સૌને ભક્તિ રંગ લગાડ્યો હતો.
પાંચમા દિવસે મહાવીર જન્મની શાનદાર ઉજવણી અને રવિવાર ૪ સપ્ટેમ્બરના રોજ લક્ષ્મીપૂજનનું તેમજ સ્વામિ વાત્સલ્યનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો સામેલ થયા હતા.
શ્રી રાધા માધવ કલ્યાણ મહોત્સવ યુ.કે. ૨૦૨૨ની શાનદાર ઉજવણી
શનિવાર તા ૧૭ અને રવિવાર તા.૧૮ સપ્ટેમ્બરના રોજ સત્તાવીસ ગામ પાટીદાર હોલ, વેમ્બલીમાં "શ્રી રાધા માધવ કલ્યાણ મહોત્સવ ૨૦૨૨ની ઉજવણીનો શાનદાર કાર્યક્રમ સાઉથ ઇન્ડીયન ભારતીય સમાજે યોજ્યો હતો. યુ.કે.માં આવો ઉત્સવ ત્રીજી વખત ઉજવાયો. રાધા-મોહનની પ્રેમલીલા અને શાદીનો રંગેચંગે ઉજવાયેલ આ મહોત્સવમાં યુવાનો પણ સામેલ થયા હતા. વિના મૂલ્યે પ્રવેશ, ભજન, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભાવપૂર્વક પીરસાયેલ મહાપ્રસાદનો આનંદ ઉપસ્થિત સૌ કોઇએ માણ્યો હતો. વિશેષતા એ હતી કે, અલગ-અલગ ડાન્સ ગૃપોને પણ આમંત્રાયા હતા. ભાગ લેનાર કલાકારોને કદર રૂપે ખાસ સર્ટિફિકેટ એનાયત કરાયાં હતાં.

