“ગુજરાત સમાચાર”ના કન્સલટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહના પુસ્તકોની લાગણીસભર અને પ્રેરણાદાયી લોકાર્પણ વિધિ

- મહેશ લિલોરિયા Wednesday 21st September 2022 06:39 EDT
 
 

- મહેશ લિલોરિયા
"ગુજરાત સમાચાર"ના કન્સલટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહના "જીવન એક સૂર અનેક" અને "તમારા વિના" પુસ્તકોની અત્યંત લાગણીસભર અને પ્રેરણાદાયી લોકાર્પણ વિધિ રવિવાર ૪ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ નવનાત સેન્ટર, હેઝ લંડન ખાતે સંપન્ન થઈ. લોર્ડ ડોલર પોપટના વરદ્ હસ્તે અને નવનાત વણિક એસોસિએશનના પ્રેસિડેન્ટ દિલિપભાઇ મિઠાણી, “ગુજરાત સમાચાર" અને "એશિયન વોઇસ"ના તંત્રી સી.બી. પટેલ, કાન્તીભાઇ નાગડા MBE, નેમુભાઇ ચંદરીયા OBEની ખાસ ઉપસ્થિતિમાં વિમોચન વિધિ થઇ. લોર્ડ ભીખુ પારેખ અને લોર્ડ જીતેશ ગઢિઆએ ખાસ વિડિયો સંદેશો પાઠ્વ્યો. “ગુજરાત સમાચાર", એશિયન વોઇસ" અને નવનાત સેન્ટરના સહયોગથી ખૂબ જ સફળ રીતે યોજાયેલ આ કાર્યક્રમ ઉપસ્થિત ચારસો જેટલા ભાઇ-બહેનોએ મન ભરી માણ્યો.
 લોર્ડ ડોલર પોપટનો પરિચય બ્લેકસ્ટોન ફ્રેન્કના પૂર્વ ભાગીદાર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી સુભાષ ઠકરારે એમની આગવી શૈલીમાં આપ્યો.
લોકાર્પણ વિધિ પછી લોર્ડ પોપટે જણાવ્યું કે, “સ્વભાવની સાલસતા, સરળતા તેમજ કલમની તાકાત જ્યોત્સનાબહેનની ઓળખ છે. જ્યોત્સનાબહેને એમના પુસ્તકોના ટાઇટલ ખૂબ સુંદર આપ્યા છે. “જીવન એક સૂર અનેક". આમ તો જીવન સંઘર્ષો અને સમસ્યાઓથી ભરેલું હોય છે. એમણે જીવન એક, સમસ્યા અનેક નામ અપવાને બદલે સૂર અનેક કહ્યાં. એમાં જ એમના સ્વભાવની વિશેષતા પ્રગટે છે. જીવનને જોવાનો અને મૂલવવાનો સકારાત્મક અભિગમ આ ટાઇટલમાં છતો થાય છે. આ પુસ્તકમાં પોતાની જીવન કથા સાથે જન્મભૂમિ ડભોઇ (પ્રાચીન ઐતિતહાસિક નગરી દર્ભાવતી)નો પણ ઇતિહાસ છે. જયોત્સનાબહેને એમાં માત્ર પોતાના જીવન વિષે જ નહિં પરંતુ એમના ચિંતનાત્મક લેખો, પ્રવાસ વર્ણનો, વિવિધ સંતો, રાજકારણીઓ, બોલીવુ્ડ કલાકારો, સાહિત્યકારો વગેરેના ઇન્ટરવ્યુ, વિવિધ સમાજના તેમજ કાર્યક્રમોના અહેવાલો આદી આવરી લઇ બ્રિટનના સમગ્ર સમાજની ઝાંખી કરાવી છે. પત્રકારત્વના અભ્યાસુ માટે, બ્રિટનના સમાજ વિષે જાણવા ઇચ્છતા હોય તો એમના આ દળદાર પુસ્તકમાંથી અઢળક ભાથું મળી રહે એમ છે.”
લોર્ડ પોપટે કહ્યું કે, “બીજા પુસ્તકનું શીર્ષક પણ હ્દય સ્પર્શી છે. “તમારા વિના". જેમાં એમણે એમના હદયસ્થ પતિ શ્રી ડી.આર.ને ભાવસભર અંજિલ આપી છે. એમના એક એક શબ્દમાં ટપકતી લાગણી આપણને ભીંજવી દે એવી છે. ભાષા અને ભાવનો અસ્ખલિત પ્રવાહ વાચકને વાંચવા પ્રેરે તેવો છે. એમના આ પુસ્તકો અનેકો માટે પ્રેરણાદાયી બની રહેશે.”
લોર્ડ પારેખનો પરિચય શ્રી દીપકભાઇ પટેલ, NCGO અને સરદાર મેમોરિયલ સમિતિના ખજાનચીએ આપ્યો. એમણે ખાસ જણાવ્યુંકે, લોર્ડ ભીખુ પારેખ આ પુસ્તકોની લોકાર્પણ વિધિ કરવાના હતા પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે સ્વદેશ જવું પડ્યું એથી એમણે પોતાનો પ્રતિભાવ અને પુસ્તકોના અવલોકન વિષે વીડીયો સંદેશ મોકલી આપ્યો છે..
લોર્ડ ભીખુ પારેખે પોતાના વિડિયો સંદેશામાં કહ્યું કે, “પુસ્તક વિમોચન પ્રસંગે આનંદની સાથે...-સાથે અભિમાન અને ગૌરવ પણ થાય છે. જ્યોત્સનાબહેન સાથે અમારા ડભોઇ અને વડોદરાના સંબંધો છે. પુસ્તકોમાં જ્યોત્સનાબહેને પોતાની જિંદગી વિશે લખ્યું છે, મહત્વના ઇંટરવ્યુ છે, કેરેક્ટર સ્કેચીસ છે અને મહત્વના પ્રસંગોને પણ આવરી લેવાયા છે. આવું પુસ્તક જેમાં પોતાની જીવનકથા હોય અને સાથે આ બધું પણ હોય, મેં આજ સુધી વાંચ્યુ નથી. જ્યોત્સનાબહેને એક નવો ચીલો ચીતર્યો છે જેનાથી બીજાને પણ પ્રેરણા મળશે. આ કોઇ પણ જાતના પૂર્વગ્રહ વિના લખાયેલી આત્મકથા છે. કોઇ પ્રત્યે દ્વેષ નહિં, કોઇની પ્રત્યે વધારે લાગણી પણ નહિં, બેલેંસ વ્યુ સાથે પોતાની મર્યાદાઓ પણ જાળવી છે. જ્યોત્સનાબહેને પોતાના જીવનના પ્રયોગોની વાત લખી છે, જીવન કઈ રીતે જીવવું એની વાત છે. “જીવન એક સૂર અનેક”માં જીવનનો ઉત્સાહ, ઉલ્લાસ જોવા મળે છે તો “તમારા વિના”માં જીવનની મર્યાદા જોવા મળે છે. શબ્દોમાં દુ:ખ છે, દર્દ છે પણ તિરસ્કાર નથી આ બહુ જ મોટી વાત છે. શબ્દે શબ્દ આંસુથી ભરેલા છે, ભાષા જ જુદી છે. આ પુસ્તક જે કોઇ વાંચશે એ બધાને એ ભાવનાઓ ઉંડે ઊંડેથી આવશે- એક તો દિનેશભાઇ કોણ છે અને બીજું એમના પત્ની કેટલા પ્રેમાળ છે, હિમંતવાળા છે, જીવનસાથી પ્રત્યે કેટલો પ્રેમ અને આસક્તિ છે. આ પુસ્તક સાહિત્યનું એક મહત્વનું ભાગ બની જાય છે. જીવન કઈ રીતે જીવવું અને મૃત્યુને કઈ રીતે સ્વીકારવું આ વાત બન્ને પુસ્તકો કહી જાય છે.”
 લોર્ડ ગઢિયાએ પોતાના વિડિયો સંદેશામાં કહ્યું કે, “મારું સદ્ ભાગ્ય છે કે હું જ્યોત્સનાબહેનના પરિચયમાં છેલ્લા ત્રણ દાયકાઓથી છું. હું એમને સૌથી પહેલા મળવાનો લહાવો મળ્યો શ્રી સી બી પટેલ, ગુજરાત સમાચાર અને અશિયન વોઇસ સાથેના મારા લામ્બા અને નજીકના સંબંધોને લીધે. યુનિવર્સિટીના સ્ટુડન્ટ તરીકે મેં મારા સમર હોલીડેમાં ન્યુ લાઇફ(જે હવે અશિયન વોઇસ છે)માં કામ કર્યું છે. હું મારી જાતને ગુજરાત સમાચાર પરિવારનો ઓનરરી મેમ્બર માનું છું. જ્યોત્સનાબહેન એક પત્રકાર જ નહિં, એમ્બેસેડર છે- ગુજરાત સમાચારના, ગુજરાતી ભાષા, ડાયસ્પોરા, સાહિત્ય અને સંસ્કૃતિના. ડીઆર શાહના પ્રોત્સાહનથી જ્યોત્સ્નાબહેન માત્ર પત્રકારિતામાં જ નહિં શિક્ષણ ક્ષેત્રે પણ ન્યાય આપી શક્યા. આવનારી પેઢીઓ માટે તેઓ પ્રભાવકારી રોલ મોડલ છે. આ પુસ્તકોથી બધાને માર્ગદર્શન મળશે.”
નવનાત વણિક એસોસિએશનના પ્રેસિડેન્ટ દિલિપભાઇ મિઠાણીએ જણાવ્યું કે, “આપણા સમાજના ગૌરવસમા જ્યોત્સનાબહેન ડી.આર. શાહના એક નહિ બે પુસ્તકો "જીવન એક, સૂર અનેક " અને "તમારા વિના" ની વિમોચન વિધિ નવનાત હોલમાં થઇ રહી છે. આજનો આ પ્રસંગ અનોખો છે. નવનાત હોલમાં લગ્નો, એંગેજમેન્ટ, સાંજી, નાટક, સંગીતની મહેફિલો, પ્રવચનો, ધાર્મિક-સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમો ઘણાં થતાં રહે છે પરંતુ પહેલી વખત ગુજરાતી પુસ્તકોનું લોકાર્પણ થઇ રહ્યું છે. એ માટે હું નવનાત સમાજ વતી આનંદ અને ગૌરવ અનુભવું છું. જ્યોત્સનાબહેનને ખૂબ ખુબ અભિનંદન. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ સાપ્તાહિકો અને એના તંત્રીશ્રી સી.બી.પટેલે આ પ્રસંગના અમને એમના સહભાગી બનાવ્યા એ માટે આભાર. જેના પરિણામે આપ સૌ અમારા આંગણે પધાર્યા. તંત્રીશ્રી સી.બી.પટેલના અખબારો સમાજની સેવા કરી વિવિધ સમાચારો વિશાળ કોમ્યુનિટી સુધી પહોંચાડી રહ્યા છે.”
 “ગુજરાત સમાચાર" અને "એશિયન વોઇસ"ના તંત્રી સી.બી. પટેલે કહ્યું કે, “ગુજરાતી સાહિત્યમાં પતિ-ભક્તિનું આવું પુસ્તક કોઇએ લખ્યું હોય મને યાદ નથી. આપણે ઉત્સવપ્રિય છીએ એટલે જ આપણે લાંબુ જીવીએ છીએ. આજે પતિભક્તિ પર્વની ઉજવણી થઈ રહી છે. વ્યક્તિએ કેવી રીતે જીવે એનું ઉત્તમ ઉદાહરણ પૂરો પાડી ગયા છે શ્રી ડી આર શાહ.

સખાવત જૈન સમાજની ઓળખ છે. નવનાત સમાજનું સેંટર એક એવી જગ્યા છે જ્યાં કૃષ્ણભક્તિ પણ થાય છે અને તીર્થંકરોને પણ માન અપાય છે. પૂજા થાય છે. આ સેંટર બ્રિટનમાં સૌથી વિશાળ છે કેમ કે વણિક સમુદાયનું હૃદય વિશાળ છે. કોવિદકાળમાં નવનાત સેંટરે જે સેવાઓ આપી એનાથી માનવતા મહેંકી ઉઠી છે. ૨ હજાર પરિવારોના નવનાત સેંટરનું ખાસ પરિબળ છે સંગઠન.
જ્યોત્સનાબેન 1983માં ગુજરાત સમાચારમાં જોડાયા. તેઓ અદ્ભુત શિક્ષક પણ છે. કોરોનાકાળમાં તેમની શિક્ષક તરીકે સેવાઓ અવિસ્મરણીય હતી. તેમને સાત પેઢીનું કામ કર્યુ. તેમની ત્રણેય પૌત્રીઓને ગુજરાતી બોલતા, લખતા કરી દીધી. જ્યોત્સ્નાબેને જે કેડી કંડારી છે તે મહિલાશક્તિ માટે પ્રેરણાદાયી બની રહેશે. આ વિમોચન હવે ઘણા બધાને પ્રેરણા આપશે. જીવનસાથી પ્રત્યે સમર્પણ, સ્નેહ અને સમ્માન કેવું હોવું જોઇયે એ જ્યોત્સનાબેન અને ડી આર શાહના જીવન પ્રસંગોમાંથી શીખવા મળે છે.”
 કાન્તીભાઇ નાગડા MBEએ કહ્યું કે," જ્યોત્સનાબહેન સાથેનો નાતો ગુજરાત સમાચારમાં જોડાયાં ત્યારથી. ડી.આર.નું પણ સમાજમાં અનુદાન નોંધપાત્ર. એમની પાસે કોઇપણ જાણીતી યા અનજાણ વ્યક્તિ અંગત સમસ્યા લઇને આવે ચાહે એ ઇમિગ્રેશન સંબંધી હોય કે બેનીફીટ ક્લેઇમ વિષયક હોય, પતિ-પત્ની વચ્ચેના પ્રશ્નો હોય કે નવા આગંતુક વિદ્યાર્થીને મૂંઝવતા સવાલ બધાંને મદદ કરવા તૈયાર. એ જ સીલસીલો જ્યોત્સનાબહેને પણ ચાલુ રાખ્યો છે.”
નેમુભાઇ ચંદરીયા OBEએ કહ્યું કે, "જ્યોત્સનાબહેન ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે જોડાયાં ત્યારથી જૈન સમાજના મોટાભાગના પ્રસંગોમાં હાજર રહી એના અહેવાલ કરતાં આવ્યા છે. સ્વભાવની સરળતા ને સાલસતાને કારણે સમાજમાં એમનું માન-સન્માન છે. ડી.આર. એ પણ એક બેન્કર અને પાછળથી ફાયનાન્સીયલ એડવાઇઝર તરીકે ઘણા બધાંને સેટલ થવામાં મદદ કરી છે. એમના કેરીંગ સ્વભાવને કારણે કેટલાય એમના ચાહક બની ગયા.”
અત્યંત ભાવુકતાભર્યાં પળોમાં પતિ શ્રી ડી આરના સ્મરણમાં વહેતી અશ્રુધારા પર શબ્દોનો આલેપન કરતાં જ્યોત્સનાબહેન શાહે કહ્યું કે, “આજનો દિવસ મારા માટે ખુશી અને ગમ મિશ્રિત છે. ખુશી એ વાતની છે કે, આજે મારા પતિ ડી.આર.નું લંડનમાં "જીવન એક સૂર અનેક"પુસ્તકની લોકાર્પણ વિધિ કરવાનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે. દુ:ખ એ વાતનું છે કે, એમની સદેહે હયાતિ નથી. મારા આ પુસ્તકના લોકાર્પણ સાથે એમને અંજલિ આપવાની થશે, એવું દુ:સ્વપ્ન ક્યારેય જોયું ન હતું.
વિધાતાના લેખમાં પામર માનવીનું ક્યાં કંઇ ચાલે છે? આશ્વાસન એ વાતનું છે કે તેઓ એમના જીવનની એક એક ક્ષણ જીવી ગયા. જીવનભર સક્રિય રહ્યા. પરદુ:ખને પોતાનું સમજી પોતાનાથી બનતું બધું કરી છૂટવા પ્રયત્નશીલ રહ્યા. સત્કર્મોની સુવાસ છોડી ગયા. સ્વમાનભેર જીવી ગયા. એમનું જીવન જ એમનો સંદેશ બની ગયો.
તેઓ સદેહે હાજર નથી પરંતુ સૂક્ષ્મદેહે સદાય હાજર રહી મને જીવવાની હિંમત અને પ્રેરણા આપતા રહ્યા છે. જેને કારણે "તમારા વિના" પુસ્તકના સર્જન થઇ શક્યું. એ માટે મેં મારી શક્તિને, મગજને કામે લગાડ્યા. મારી વેદનાને વાચા આપવાની સમર્થતા કેળવાઇ. નહિ તો એક ખૂણામાં લાચાર/બિચારી બની સબડતી હોત! ડીપ્રેશનનો ભોગ બની હોત!
આપણે બધાં જાણીએ છીએ કે, જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે. તેમછતાં એ કડવું સત્ય જીરવવું અઘરૂં છે. મારા સંતાનો, પૌત્ર-પૌત્રીઓનો પ્રેમ ના હોત તો જીવનમાંથી રસ ઉડી ગયો હોત. હું નસીબદાર છું કે, કુટુંબીજનો, પરિવાર અને મિત્રોનો મને સાથ મળ્યો છે. આપ સૌના પણ લાગણીના જળથી ભીંજાયેલી રહી હોવાથી મારા શૂષ્ક જીવનમાં અમી છાંટણા થયા કરે છે. આપ સૌની વિશાળ હાજરી એની સાક્ષી છે.
એક ડગલું આગળ વધી કહું તો અમારા ગુજરાત સમાચાર પરિવાર ABPLGROUPના વડા, વડિલ શ્રી સી.બી.પટેલ તરફથી મને લખવા માટે સતત પ્રેરણા અને પ્રોત્સાહન મળતા રહ્યા છે. અને ડી.આર.ના સપોર્ટ વિના તો હું જ્યાં છું ત્યાં પહોંચી શકી ન હોત! આજના કાર્યક્રમમાં આદરણીય સી.બી.નું યોગદાન નોંધનીય છે. મુ. સરોજબહેન અને પુષ્પાબહેને પણ બહેનની જેમ પ્રેમ આપી કુટુંબ ભાવનાને ઉજાગર કરી છે. મારા સાથીઓનો સહયોગ પણ મને સાંપડ્યો. આમ સોનામાં સુગંધ ભળતી ગઇ.
"જીવન એક સૂર અનેક" પુસ્તકમાં મારા સંઘર્ષમય જીવનની કથની સાથે જ પત્રકારત્વના અનુભવનું જે કાંઇ ભાથું મેળવ્યું એની ઝલક આપવાનો મેં પ્રયાસ કર્યો છે. એમાં મારી જીવન કથા સાથે સમગ્ર સમાજને સાથે લઇને ચાલવાનો એક પ્રયોગ છે. મારા આ પુસ્તકોને મુંબઇના ઉમંગ પબ્લિકેશન્સના શ્રી ચંદ્રકાન્તભાઇ ખત્રી અને એમના સુપુત્ર પુનિત ખત્રીએ એમના અનુભવ અને વિઝનથી સરસ સ્વરૂપ આપ્યું.”
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્યોત્સનાબહેનની પુત્રવધૂ નમીતા જીગર શાહે ખૂબ જ સરસ રીતે કરી સૌના મન મોહી લીધાં. પુત્રી હેમા મનિષ રાછોયાએ પ્રાર્થના રજુ કરી.જ્યોત્સનાબહેનના પૌત્રીઓ વિહાના અને વિરિના રાછોયાએ કથક નૃત્યની પ્રસ્તુતી ગણેશ વંદનાથી કરી. પૌત્રીઓ વિહાના, વિરિના અને કરિનાએ “મંદિર તારૂં વિશ્વ રૂપાળું” ગુજરાતી કવિતા/ભજન ગાન કર્યું. પૌત્ર ધ્યાન અને પુત્ર જીગર શાહે સ્મરણાંજલિ પ્રસ્તુત કરી. પૌત્રી માનસીએ અતિથિગણને પુસ્તકો અને પ્રતિક ચિન્હ ભેંટ કર્યા. પુત્ર હાર્દિક અને પુત્રવધુ હીરલ શાહે આભાર વ્યક્ત કર્યો.
સુંદર આયોજનની વ્યવસ્થા બદલ નવનાતના પ્રેસિડેન્ટ મીઠાણી અને હોલ સેક્રેટરી હસ્મિતાબહેન દોશીએ આપેલ સેવા બદલ, NCGOના સેક્રેટરી શ્રી જીતુભાઇ પટેલનો કેટરીંગની વ્યવસ્થા માટે, નવનાત વણિક વડિલ મંડળના સ્વયં-સેવક ભાઇ-બહેનોએ પીરસવામાં મદદ કરવા બદલ અને આ અમૂલ્ય ક્ષણો કેમેરામાં કેદ કરવા બદ્દલ ફોટોગ્રાફર રાજ ડી બકરાણીઆનો જ્યોત્સનાબહેન ડી.આર.શાહ પરિવાર તરફથીઆભાર માનતા એમના પુત્ર હાર્દિકે જણાવ્યું કે, આ પ્રસંગને સફળ બનાવવામાં આપ સૌએ પોતાનો કિંમતી સમય ફાળવ્યો એ માટે અમે આપ સૌના ઋણી છીએ. મારાથી જાણતાં-અજાણતાં કોઇના નામ લેવાના રહી ગયા હોય તે સૌનો અંત:કરણ પૂર્વક આભાર. મિચ્છામિ દુક્કડમ્.
સમગ્ર કાર્યક્રમની ઓવરઓલ દેખરેખ માટે પંકિલ શાહ, વિડીયો એડીટીંગ અને ફોટો પ્રેઝન્ટેશન માટે પૂજા અને નરેન કોંધિયાનો આભાર.

જ્યોત્સનાબહેન શાહની કલમે “તમારા વિના"....

“ડી.આર., તમે હોત તો આજની સભાની રંગત કંઇક ઓર હોત !
આનંદના ફૂવારા ઉડતા હોત, ખુશીઓની લહેરોં ઉઠતી હોત!
સૂરોનો સંગમ રચાયો હોત.
તમારા વિના....બધું જ ફિક્કુ ફિક્કું....
એકાંતને ઓગાળી ઓગાળી વ્યસ્ત રહું છું,
માણસ છું, મૂરઝાઉં છુ, મૂંઝાઉં છું,
તોય મસ્ત રહું છું.
એકલા ચાલવાની આદત પાડવાની કોશીષ તો કરી લઉં છું,
પણ..સાથે ચાલ્યા પછી એકલા ચાલવું આકરૂં લાગે છે....
તમારા વેણ મમળાવું છું...
જીંદગી હરકદમ જંગ હૈ,
હર જંગમેં જીત હૈ મેરી...
હારીને પણ જીત માની લઉં છું, “તમારા વિના"...

તમામ ફોટો સૌજન્ય: રાજ ડી. બકરાણીઆ PR MediaPix


comments powered by Disqus