બ્રિટનના દીર્ઘકાલીન શાસક ક્વીન એલિઝાબેથના નિધન સાથે મહાયુગની સમાપ્તિ થઈ અને કિંગ ચાર્લ્સના કેરોલિયન યુગનો આરંભ થયો છે. આ સાથે રાજાશાહીની પ્રસ્તુતતા વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. બ્રિટનમાં સદીઓથી રાજાશાહીનું અસ્તિત્વ છે. બ્રિટનમાં લિખિત બંધારણ નથી, પરંપરાથી રાજાશાહી, પ્રજા અને દેશ ચાલતો રહે છે. આમ છતાં, એક દસ્તાવેજ છે જે લિખિત છે અને તે ‘મેગ્ના કાર્ટા લિબરટેટમ’ તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. સામંતોના બળવા અને અસંતોષની ભીંસમાં આવેલા કિંગ જ્હોને મેગ્ના કાર્ટા ખાતે 15 જૂન 1215ના દિવસે રાજાની નિરંકુશ અને એકહથ્થુ સત્તાને અંકુશિત બનાવતા તેમજ સામાન્ય નાગરિકને વિશેષ સ્વતંત્રતા બક્ષતા મહાન દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવા પડ્યા હતા. આ સાથે રાજા દેશના બંધારણીય વડા બની રહે તેવી વ્યવસ્થાનો ઉદ્ભવ થયો હતો.
ક્વીનની અસામાન્ય સ્વસ્થતા, પોતાની ફરજોની સભાનતા અને ભૂમિકાની મર્યાદાની સમજ તથા ધીમેથી વિકસવાની ક્ષમતાએ રાજાશાહીના ભવિષ્ય વિશે ગંભીર ચિંતન કે ચર્ચાની જરૂરિયાતને ટાળી દીધી હતી. ક્વીન લોકોના રાણી અને બ્રિટિશ સમાજના મુખિયા બનીને રહ્યાં હતાં. તેઓ દેશ યોગ્ય માર્ગે આગળ વધતો રહે તેનું માર્ગદર્શન આપવામાં જરા પણ પીછેહઠ કરતાં ન હતાં. ક્વીને 70 વર્ષના દીર્ઘ શાસનમાં સામાન્ય નાગરિક અથવા મતદારની નજરે રાજાશાહીનું મૂલ્ય શું છે તે નિહાળ્યું છે. દેશ માટે રાજાશાહી સંપત્તિ બની રહે, જવાબદારી નહિ તેનું હરહંમેશ ધ્યાન રાખ્યું હતું. રાજાશાહી ભૂતકાળમાં રાચ્યા રહેવાં વિના જ જાહેર જીવનનો આદરપાત્ર હિસ્સો બની રહે તેની કાળજી ક્વીને લીધી હતી. ક્વીને યુનાઈટેડ કિંગ્ડમના દેશોને પણ એક બંધનમાં જોડી રાખવામાં મદદ કરી હતી.
ચાર્લ્સ ભૂતકાળમાં આર્કિટેક્ચરથી ડિફેન્સ સુધીની બાબતોમાં હસ્તક્ષેપ કરતા રહ્યા છે પરંતુ, ગાદીએ આવતા જ તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે સર્વોચ્ચ સ્થાન પર તેમનો અભિગમ અલગ રહેવો જોઈએ તેમ તેઓ સમજે છે. કિંગ તરીકેના પ્રથમ સપ્તાહમાં ચાર્લ્સે માતાને ગુમાવવાના દુઃખ સાથે રાજવી તરીકે કર્તવ્ય બજાવવા 1500 માઈલથી વધુનો પ્રવાસ ખેડી યોગ્યતા પુરવાર કરવાનો પ્રસંશનીય પ્રયાસ કર્યો છે. લોકો તરફથી પ્રતિભાવ પણ સારો મળ્યો. આમ છતાં, ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ જેવી ઘટના વેલ્સના પ્રવાસમાં બની ગઈ. કિંગ ચાર્લ્સને ક્વીનના શાસનકાળમાં દબાઈ રહેલા ચોક્કસ જનમતનો પરચો મળ્યો જ્યારે ભીડમાંથી કોઈ વ્યક્તિએ રાજાશાહીના વિરોધનો સૂર વ્યક્ત કર્યો.
મહારાણી એલિઝાબેથ કદી જાહેરમાં રોષે ભરાયાં હોય કે અણગમો દર્શાવતું વર્તન કર્યું હોય તેમ જોવાં મળ્યું નથી. ક્વીન જાહેરમાં હંમેશાં તટસ્થ રહેતાં અને અણગમો પ્રદર્શિત કરવા આંખોની ભ્રમર ઊંચી કરતા તેનાથી સામેની વ્યક્તિને પોતાની હેસિયત સમજાઈ જતી હતી. જ્યારે કિંગ ચાર્લ્સમાં ધીરજ નામનો ગુણ જોવા મળ્યો નથી. રાષ્ટ્રના વડા તરીકે મોનાર્કને જાળવી રાખનારા 14 સ્વતંત્ર દેશો પણ હાલ ‘તેલ જુઓ, તેલની ધાર જુઓ’ની નીતિ અપનાવી રહ્યા છે. બાર્બાડોસે ગયા વર્ષે જ પોતાને પ્રજાસત્તાક જાહેર કર્યું હતું અને તે સમયે મહેમાન બનીને ગયેલા પ્રિન્સ ચાર્લ્સે શુભેચ્છા પણ પાઠવી હતી. જમૈકા અને એન્ટીગુઆ પણ આ માર્ગે જશે તેવી અપેક્ષા છે. ‘વ્હાઈટ ડોમિનિઅન્સ’ તરીકે ઓળખાતા કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ પણ કતારમાં છે. આ દેશોની પ્રજાને બ્રિટન સાથે દિલના સંબંધો નથી. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન આલ્બેનીઝે હજુ બે-ત્રણ વર્ષ રાહ જોવાનો સંકેત પાઠવ્યો છે.
બ્રિટનમાં પણ રાજાશાહીના વિરોધીઓએ ચાર્લ્સે જેટલી રાહ કિંગ બનવામાં જોવી પડી છે તેવી પળ નજીક આવી હોવાનું અનુભવ્યું છે. આ વિરોધીઓ પણ કહે છે કે ચાર્લ્સ ક્વીન એલિઝાબેથ નથી. જો ક્વીન માટે કોઈ ભળતુંસળતું બોલે તો બ્રિટિશરોમાં ખળભળાટ મચી જતો હતો. ક્વીન અને રાજાશાહી એકબીજાનો પર્યાય બની રહ્યાં હતાં. લોકોને કિંગ ચાર્લ્સ માટે એવી લાગણી કે સદ્ભાવના નથી. હકીકત એ છે કે મે મહિનામાં પ્લેટિનમ જ્યુબિલીના ઉત્સાહના પ્રવાહ અગાઉYouGov ના પોલમાં રાજાશાહી માટે 70 ટકાની તરફેણ ઘટીને 60 ટકાએ જોવાઈ હતી પરંતુ, આ સમય ‘બ્લેક સપ્ટેમ્બર’નો છે. ક્વીનના નિધનથી આંખો ભીંજાઈ હોય તેવા લોકોની સંખ્યા વધુ છે.
પ્રાચીન સમયમાં રાજાઓ યુદ્ધભૂમિના કૌશલ્ય થકી સત્તા, આદર અને મહાનતા પ્રાપ્ત કરતા હતા. હવે એ સામંતશાહી સમય રહ્યો નથી. વર્તમાન રાજાશાહી તલવારની રમત રહી નથી પરંતુ, ‘વેલ્ફેર મોનાર્કી’ રહી છે. રાજા પાસે વિશેષ સત્તા નથી છતાં, દેશની દરેક સરકાર તેમની સરકાર રહે છે. નવાસવાં વડા પ્રધાનની માફક નવા કિંગ ચાર્લ્સ સામે દેશની એકતા જાળવી રાખવાનો મહા પડકાર ઉભો છે. સૌપહેલા તો સ્કોટલેન્ડના અસંતોષને નાથવાનો છે તેની સ્વતંત્રતાની માગણી સામે કડક હાથે કામ લેવું પડી શકે. બીજી તરફ, સંયુક્ત આયર્લેન્ડનું ભૂત ફરી ધૂણે તેવી શક્યતા છે. જો સ્કોટલેન્ડ સ્વતંત્ર થાય તો પણ રાજાશાહીને છોડશે નહિ પરંતુ, સંયુક્ત આયર્લેન્ડ બાબતે આમ કહી શકાય તેમ નથી. જો આમ થશે તો કિંગ ચાર્લ્સનું મુખ્ય ટાઈટલ ‘કિંગ ઓફ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ’ રહી જશે જે પ્રિન્સ વિલિયમને આપી જવાના વારસા તરીકે નિમ્ન રહેશે.
ક્વીન એલિઝાબેથ દ્વિતીયને ચાર્લ્સ સહિત સંતાનોથી સંતાપ સહન કરવો પડ્યો હતો અને કિંગ ચાર્લ્સને પણ પ્રિન્સ હેરીનો સંતાપ સહન કરવો પડે છે. જોકે, તેમના માટે આશ્વાસન એ હોઈ શકે કે રાજગાદીના વારસદાર પ્રિન્સ વિલિયમ ગુણ અને કર્મમાં પિતા નહિ પરંતુ, દાદીની નિકટ છે. પ્રિન્સ વિલિયમ ઘણા સમજદાર અને ધીરગંભીર જણાય છે. તેઓ પ્રિન્સ હેરીની માફક ઉછાંછળા જરા પણ નથી. હેરી અને મેગનની તો જાણે ‘રબને બનાઈ જોડી’ છે. બંનેની પ્રકૃતિ સમાન છે. આનાથી વિપરીત, પ્રિન્સ વિલિયમ રાજગાદીને શોભાવી શકશે અને પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટન આમાં તેમનો સાથ આપશે તેમાં જરા પણ શંકા જણાતી નથી. ‘પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના બારણાથી’
કહેવતને અનુરુપ પ્રિન્સ વિલિયમનું નામ પિતા અને ભાઈની માફક કદી રંગરેલિયા કે ઈશ્કબાજીમાં સંડોવાયું નથી.
આપણે જોયું છે કે ભારતના વડા પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીની હત્યા પછી પ્રસરેલા સહાનુભૂતિના મોજાંએ રાજીવ ગાંધીને સત્તાસ્થાને બેસાડી દીધા હતા. ક્વીનના નિધન પછી કિંગ ચાર્લ્સે શોક અને આઘાતની પળોમાં પણ મજબૂત છબી ઉપસાવી છે. ક્વીનના નિધન સાથે બ્રિટનમાં રાજાશાહીનું બંધ આવરણ ખુલ્લું પડી ગયું છે. હાલ બ્રિટને તો જાણે બંધારણીય રાજાશાહીની વ્યવસ્થા સાથે સંપૂર્ણ પ્રતિબદ્ધતા દર્શાવી છે. આમ છતાં, રાષ્ટ્રના વડા પાસેથી દેશ અને જનતા શું અપેક્ષા રાખે છે તેની સંવેદનશીલ અને ગંભીર ચર્ચા થાય તે આવશ્યક છે. રાજા તરીકે ચાર્લ્સે પણ સમયની સાથે તાલ મિલાવી વિકસવું પડશે અને રાજાશાહીને નવા આયામો સાથે સ્થિર બનાવવી પડશે. મધ્યયુગીન વ્યવસ્થા 21મી સદી સાથે કદમ મિલાવી ચાલે તે જોવું પડશે. માર્ગદર્શક માતાની અનુપસ્થિતિમાં કિંગ ચાર્લ્સે અંગત મહેચ્છાઓને કોરાણે રાખી બ્રિટન રાજાશાહીની નહિ પરંતુ, રાજાશાહી બ્રિટનની સેવામાં તત્પર રહે છે તે દર્શાવવા વધુ મહેનત કરવી પડશે.
