એલન મસ્કની ટ્રાન્સજેન્ડર પુત્રી હવે નામ બદલવા કોર્ટમાં પહોંચીઃ પિતા સાથેનો નાતો પણ તોડ્યો

Saturday 25th June 2022 05:11 EDT
 
 

ન્યૂ યોર્કઃ વિશ્વની સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ફરી એક વાર સમાચારમાં છે. જોકે આ વખતે ચર્ચાનું કારણ તેમની ટ્રાન્સજેન્ડર પુત્રી છે. તેમની પુત્રીએ કોર્ટમાં પોતાનું નામ બદલીને વિવિયન જેન્ના વિલ્સન રાખવા અને નવા જન્મ પ્રમાણપત્ર પર તેની નવી લિંગ ઓળખ દર્શાવવા અરજી કરી છે. પુત્રીનું કહેવું છે કે તે હવે તેના જૈવિક પિતા સાથે નથી રહેતી અને તેમની સાથે કોઈ સંબંધ પણ રાખવા માગતી નથી. તાજેતરમાં જ 18 વર્ષની થયેલી મસ્કની પુત્રીનું પ્રથમ નામ ઝેવિયર એલેક્ઝાન્ડર મસ્ક છે. જ્યારે તેની માતાનું નામ જસ્ટિન વિલ્સન છે, જેમણે 2008માં એલન મસ્ક સાથે છૂટાછેડા લીધા હતા. થોડા સમય પહેલાં જ ઝેવિયર સેક્સ ચેન્જ કરાવીને પુરુષમાંથી સ્ત્રી બન્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓનલાઈન ડોક્યુમેન્ટમાં ઝેવિયરનું નામ બદલી નાંખવામાં આવ્યું છે.
મસ્કની પુત્રીએ એપ્રિલમાં સાન્ટ મોનિકામાં લોસ એન્જલસ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં નામ બદલવા અને તેના નવા લિંગની ઓળખને પ્રતિબિંબિત કરતું નવું જન્મ પ્રમાણપત્ર બંને માટે અરજી કરી હતી. હાલમાં જ કેટલાક ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સમાં આ વાત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે પુત્રીના નામ અને લિંગ પરિવર્તનના દસ્તાવેજો કોર્ટમાં દાખલ થયાના લગભગ એક મહિના પછી મસ્કે મે મહિનામાં રિપબ્લિકન પાર્ટીને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. તેના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશભરના રાજ્યોમાં ટ્રાન્સજેન્ડર અધિકારોને મર્યાદિત કરતા કાયદાને સમર્થન આપે છે.
આ ક્ષણે, તે સ્પષ્ટ નથી કે વિવિયન દ્વારા તેના પિતાને જાહેરમાં નાપસંદ કરવા પાછળનું કારણ શું છે. મસ્કએ પણ હજુ સુધી આ મુદ્દે કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી અને તે વાત પણ સ્પષ્ટ નથી કે કોર્ટમાં દસ્તાવેજો રજૂ થયા તે પહેલા તેઓ વિવિયનની યોજનાથી વાકેફ હતા કે કેમ.


comments powered by Disqus