એસાઈલમ સીકર્સઃ રવાન્ડા પ્લાનનો ફિયાસ્કો

Monday 20th June 2022 10:19 EDT
 

આપણે ભલે કહીએ કે ‘ધાર્યું તો ધણીનું થાય’ પરંતુ, બ્રિટનના કાયદાઓની બાબતમાં તો ધાર્યું યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સનું જ થાય છે. ઈંગ્લિશ ચેનલમાંથી જીવના જોખમે યુકેમાં આશરો મેળવવા આવતા એસાઈલમ સીકર્સ અને માઈગ્રન્ટ્સને રવાન્ડા મોકલી આપવાનો બોરિસ જ્હોન્સન અને પ્રીતિ પટેલનો પ્લાન હાલ પૂરતો ધૂળમાં મળી ગયો છે.
યુકે ભલે ઈયુમાંથી નીકળી ગયું હોય પરંતુ, ECHR (યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઈટ્સ)નું સભ્ય હજુ પણ છે અને તેના ચુકાદા યુકેને લાગુ પડે છે. વિવાદાસ્પદ રવાન્ડા પોલિસી ઘડવાને યુકેની ત્રણ સર્વોચ્ચ કોર્ટની બહાલી મળ્યા પછી સ્ટ્રાસબોર્ગ કોર્ટના રુલિંગથી હોમ ઓફિસને ચક્કર આવી ગયા હોય તેમ જણાય છે. હવે યુકેમાં ગેરકાયદે આવનારા એસાઈલમ સીકર્સને રવાન્ડા ક્યારે અને કેવી રીતે મોકલવા તે મુદ્દે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે
આ ફ્લાઈટને અટકાવી દેવાયાથી બોરિસ સરકારને ભારે ફટકો પડ્યો છે. એક પણ વ્યક્તિ રહેશે તો પણ ફ્લાઈટ રવાન્ડા જશેની શેખી મારવી ભારે પડી છે. રવાન્ડા પ્લાનના ફિયાસ્કા પછી યુકે અને ઈયુ વચ્ચે નવા સંઘર્ષના મંડાણ થાય તો નવાઈ નહિ. જ્હોન્સને તો ECHR છોડવાનો સંકેત આપ્યો છે પરંતુ, તેમાં પણ વિવાદ સર્જાશે તે નિશ્ચિત છે. હવે જુલાઈ મહિનામાં હાઈ કોર્ટમાં એસાઈલમ સીકર્સને રવાન્ડા મોકલવાની નીતિની કાયદેસરતાની સમીક્ષા કરાય ત્યાં સુધી તો રાહ જોવી જ ઘટે.


comments powered by Disqus