ખુદ ‘અગ્નિપથ’ યોજનાની અગ્નિકસોટી

Wednesday 22nd June 2022 10:19 EDT
 

ભારતમાં અને આસપાસનો માહોલ ઝડપથી બદલાઈ રહ્યો છે ત્યારે દેશની સુરક્ષાને પ્રાથમિકતા આપતી ભારત સરકારની અગ્નિપથ યોજનાના વિરોધની જ્વાળા સમગ્ર દેશમાં ભડકી ઉઠી છે. ગેરમાર્ગે દોરવાયેલા યુવાનો માર્ગો પર ઉતરી આવી હિંસક પ્રદર્શનો કરી રહ્યા છે. આપણે વિચારવાની જરૂર છે છે કે અગ્નિપથ યોજનાની જરૂર શા માટે પડી છે. ભારતીય સેનામાં આધુનિકીકરણના પ્રયાસો સતત ચાલે છે. વિશ્વના ઘણા દેશોમાં ટૂંકા ગાળા માટે યુવાનોની ભરતી થાય છે તો ભારતે શા માટે બાકાત રહેવું જોઈએ.
એક બાબત ધ્યાનમાં રાખવી આવશ્યક છે કે ઘણા રાજકીય સ્થાપિત હિતોના ઈશારે દેશમાં છાસવારે તોફાનો અને રમખાણો થયાં કરતાં હોય છે. આવા સંજોગોમાં મિલિટરી અથવા પેરામિલિટરી દળોની મદદ લેવાની જરૂર પડે છે. દેશના જે જવાનોએ સીમાડાની રક્ષા કરવાની હોય તેઓ દેશની આંતરિક અશાંતિ ઠારવાના ઉપયોગમાં લેવાય છે. સરહદે આની ખરાબ અસર પડે છે. મોદી સરકારે શાસનસૂત્રો સંભાળ્યા પછી ભારતીય સેનાને વિશ્વસ્તરીય સેના બનાવવાની નેમ સાથે લશ્કરી દળોને તત્કાળ શસ્ત્રસરંજામ મળતો રહે તેવું વ્યવસ્થાતંત્ર કાર્ય કરતું થઈ ગયું છે. વિદેશમાંથી અત્યાધુનિક શસ્ત્રો અને તેની ટેકનોલોજી હાંસલ કરવા ત્વરિત નિર્ણયો લેવાઈ જાય છે. અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી પણ નવા પડકારોને ઝીલવા માટેની દિશામાં એક કદમ છે. દેશના બેરોજગાર યુવાનોને આર્થિક લાભ સાથે સારી અને શિસ્તબદ્ધ ફરજની નોકરી પ્રાપ્ત થાય તેમજ દેશને પણ તેમની સેવા મળે તે જ આ યોજનાનું મહત્ત્વનું પાસું છે.
મહત્ત્વાકાંક્ષી અગ્નિપથ યોજના સંદર્ભે ચાલતા વિવાદ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચક નિવેદન કર્યું છે કે સુધારાઓ શરૂઆતના તબક્કે ખરાબ કે ખોટા લાગતા હોય છે પરંતુ, સુધારાનો માર્ગ જ આપણને નવા લક્ષ્યો સુધી લઈ જાય છે. એક બાબત નિશ્ચિત છે કે મોદી સરકાર અગ્નિપથ યોજના બાબતે પીછેહઠ કરવાની નથી અને ભારતીય સેનાની ત્રણે પાંખ દ્વારા ચોક્કસ ‘અગ્નિવીર’ જવાનોની ભરતીનું નોટિફિકેશન પણ જાહેર કરી દેવાયું છે તે જોતા સરકાર અને સેના આ મુદ્દે ગંભીર છે તેનો ખ્યાલ આવી જાય છે.
લશ્કરમાં ભરતી થનારા મોટા ભાગના યુવાનો ઉત્તર ભારતથી આવે છે. હવે આ યુવાનોને ચિંતા પેઠી છે કે અગ્નિવીરના કારણે તેમની રોજીરોટી છીનવાઈ જશે. આ યોજના સામે બિહારથી શરૂ થયેલો વિરોધ ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ઝારખંડ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, કર્ણાટક સુધી ફેલાઈ ગયો તે ચિંતાનો વિષય છે. જે લોકોને લશ્કરમાં જોડાવું નથી તેઓ પણ આ હિંસક તોફાનોમાં સામેલ થઈ ગયા છે. ઘણા દેશદ્રોહી લોકો કોઈ પણ મુદ્દે તોફાનો કરવાનું ષડયંત્ર રચતા હોય છે અને કેન્દ્ર સરકારની ‘અગ્નિપથ’ યોજના તેમાંથી બાકાત નથી. ‘ઈન્કિલાબ-ઝિંદાબાદ’ નામના ‘વોટસ્-એપ’ ગ્રુપથી મેસેજીસ મારફત અલીગઢ, મથુરાની માફક આગ્રા સહિતના શહેરોમાં ભયંકર તોફાનો ફેલાવવાનું કાવતરું ઝડપાઈ જવાથી હાલ પૂરતા તો આ પ્રદેશોને હિંસા અને અગ્નિકાંડમાંથી બચાવી લેવાયાં છે. આવા ભાંગફોડિયા તત્વો સામે પણ દેશના નાગરિકોએ લડવાનું છે.
અગ્નિવીરનો ખયાલ લશ્કરની ટુંકી સેવામાંથી આવે છે. અગ્નિવીરની ભરતી ચાર વર્ષ માટે થવાની છે તે જાહેર થવાની સાથે જ ચાર વર્ષ પછી શુંનો પ્રશ્ન ઉભો કરી દેવાયો છે. એ સમજવું જોઈશે કે તાલીમ એકસરખી મળવાની હોવાં છતાં, અગ્નિવીર અને નિયત સૈન્યની ભરતી અલગ બાબત છે. આમ છતાં, સરકારે નિયત સૈનિકને મળતા પેન્શન સહિતના નિવૃત્તિના લાભ આપવા વિચારવું જોઈએ. લશ્કરમાં ભરતી હાલ ચાલતી નહિ હોવાથી ઘણા યુવાનોને લશ્કરમાં તક નહિ મળવાનો અંદેશો હતો તેને પણ સરકારે વયમર્યાદામાં સુધારો અને સૈન્યમાં 25 ટકા અગ્નિવીરોને મેરિટના ધોરણે ભરતી કરવાની જાહેરાત સાથે દૂર કર્યો છે. આ બધી જોગવાઈ યોજનામાં સમાવિષ્ટ છે પરંતુ, સ્થાપિત હિતોના દોરીસંચારથી યુવાનો ગેરમાર્ગે દોરાય છે. યુવાનોએ રાજકીય નેતાઓ નહિ પરંતુ, પીઢ લશ્કરી અધિકારીઓને સાંભળવાની જરૂર છે જેમણે આ યોજનાને સારી ગણાવી છે. આમ છતાં, સરકારે યુવાનોના મનની શંકાનું સમાધાન કરી તેનું સંતોષપ્રદ નિરાકરણ લાવવા આગળ વધવું જોઈએ. આ યોજનામાં નિમણૂકના ગાળાને ચાર વર્ષથી લંબાવવા, અગ્નિવીરોને તેમની સમયમર્યાદા પૂર્ણ થયા પછી પેરામિલિટરી દળો કે રાજ્યોના પોલીસ દળોમાં સીધી ભરતીની તક આપવા સહિત ઘણા સુધારાને અવકાશ છે. જો યોજનાને સારો આવકાર મળે તો આગામી સમયમાં તે પણ થઈ શકશે. ભારતમાં પણ ટેકનોલોજી સજ્જ યુવાનો થોડો સમય સેના જેવી તાલીમ મેળવે અને તેમાંથી ચોક્કસ ટકાવારીને સૈન્યમાં સમાવી લેવાય અને બાકીના જથ્થાને પોતાની કારકિર્દી પસંદ કરી શકે તેવો વિચાર જરા પણ ખોટો નથી. હા, દરેક યોજનાના લાભ અને ગેરલાભ હોય છે. જો ગેરલાભ કરતાં લાભ વધારે હોય તો તેને સ્વીકારવામાં નાનમ હોવી ન જોઈએ.


comments powered by Disqus