દુબઇ: દુબઈમાં મધ્યપૂર્વ એશિયાની સૌથી મોટી રાશિદ લાઈબ્રેરી જાહેર જનતા માટે ખુલ્લી મુકાઈ છે. આ લાઈબ્રેરીમાં 11 લાખ પુસ્તકોનો ભંડાર છે. સાથે જ અહીં 60 લાખ નિબંધ, 73 હજાર મ્યુઝિક નોટ્સ, 75 હજાર વીડિયો, 5 હજાર પાંડુલિપિઓ અને ન્યૂઝપેપર્સની 35 હજારથી વધુ કોપીઓ રખાઈ છે. આ લાઇબ્રેરીમાં સંગ્રહાયેલા પુસ્તકોમાં 325 વર્ષ જૂનાં પુસ્તકોનો પણ સમાવેશ થાય છે.
તો લાઇબ્રેરીમાં ડિજિટલ બુક્સનું પણ વિશાળ કલેક્શન છે. પરંપરાગત લાઇબ્રેરીથી અલગ આ લાઇબ્રેરી અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીનો પણ લાઈબ્રેરીમાં ઉપયોગ કરાયો છે. રોબોટિક ગાઈડની મદદથી વિઝિટર્સ તેમની પસંદગીનું પુસ્તક ગણતરીની મિનિટમાં મેળવી શકે છે. આ ઉપરાંત એઆઈ કિયોસ્ક પણ લગાવાયાં છે.
સૌથી ખાસ વાત એ છે કે આ લાઇબ્રેરીમાં બુકશેલ્ફ ઓટોમેટિક બનાવાયાં છે. વિઝિટર એક બટનના માધ્યમથી શેલ્ફમાં ઉપર રખાયેલાં પુસ્તકને નીચેવાળા શેલ્ફમાં લાવી શકે છે. આશરે 54 હજાર ચોરસફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી આ લાઈબ્રેરીમાં કુલ સાત માળ છે. પહેલા માળે માત્ર બાળકોનાં પુસ્તક છે. આશરે 2100 કરોડ રૂપિયાના ખર્ચે આ રાશિદ લાઇબ્રેરીનું નિર્માણ કરાયું છે.

