માનવ પુષ્પની મહેક

જીવંત પંથ-૨

સી.બી. પટેલ Wednesday 22nd June 2022 05:50 EDT
 
 

વડિલો સહિત સૌ વાચક મિત્રો,
પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા અને વાચકોના અતિ પ્રેમના કારણે આજે હું મારી આ કોલમને પુન: શબ્દ દેહ આપી આપની સમક્ષ હાજર થઇ રહ્યો છું.
 જીવંત પંથની શરૂઆતમાં મારા ગણપતિ તરીકે આદરણીય જ્યોત્સના બહેન હતાં અને યોગાનુયોગ આજે જીવંત પંથ-૨નો શુભારંભ કરી રહ્યો છું ત્યારે પણ ગણપતિ એ જ બન્યા છે. આપ સૌના પ્રેમનું સાતત્ય જેવું છે એવું જ જળવાઇ રહે તેવી આશા સહ મારી આ કોલમના શ્રી ગણેશ કરતા આનંદ અને ગૌરવ અનુભવું છું.
 હું નાનો હતો ત્યારે સત્યવાન રાજા હરિશ્ચંદ્ર ફિલ્મ જોઇ હતી એ ફિલ્મની પંક્તિઓ મારા મગજમાં રજીસ્ટર્ડ થઇ ગઇ છે.
“જગત પિતાની વિશ્વ વાડીયા, માનવ પુષ્પે ખીલી રહી
માનવ માત્ર પ્રભુના બાળક ઊંચ નહિ, કોઇ નીચ નહિ..”
સાચે જ એમાં રહેલ ભાવ પર ચિંતન કરવાનું મન થાય છે. આપણા કેટલાક ધર્મગુરૂઓએ આપણે આ દેશમાં આવ્યા ત્યારે ઠસાવી દીધું હતું કે, “યાદ રાખજો, સંપતિ કમાવા જતા સંતતિ ગુમાવવાનો સમય ના આવે" મને થાય છે કે આ નિવેદન આપણને રાહ બતાવી રહ્યું છે કે ગુમરાહ કરી રહ્યું છે!
પુષ્પના પ્રકાર અલગ અલગ હોય છે. એની મહેંક પણ આગવી હોય છે. ગુલાબ, મોગરો, ચંપો, જૂઇ, ચમેલી, બારમાસી...વગેરે દરેકની ખુશ્બુ વાતાવરણને સુગંધથી ભરી દે છે. ગુલાબ હોય તો સાથે કાંટા પણ હોવાના જ. કાંટા ન વાગે એ રીતે ગુલાબને ચૂંટવા પડે છે. એ જ રીતે સંતાનોના ઉછેરમાં આપણે ધ્યાન રાખવું પડે છે. આપણા વાણી-વ્યવહાર-વર્તનનું જ બાળક અનુકરણ કરે છે. એમને શીખ આપવાથી જ્ઞાન મળી જતું નથી. એ આસપાસમાં જે જુએ છે એ જ ગ્રહણ કરે છે. એ દ્વારા એમનામાં જીવન મૂલ્યો કે સંસ્કારોનું સિંચન થાય છે.
કુશાગ્ર બુધ્ધિશીલ ચાણક્યે કહ્યું છે કે "ધર્મસ્ય મૂલ: અર્થમ્ ". સંસ્કૃતિ /સંસ્કારના મૂળમાં સંગીન અર્થતંત્ર આવશ્યક છે. જેમ ભૂખ્યા પેટે ભજન ન થાય એમ નાણાં વિના ય સંસાર રથ ન ચાલે. નાણાં તો કમાવા પડે જ. જે સમાજ આર્થિક સધ્ધરતા અનુભવતો હોય તે જ સંસ્કારની સાચવણીમાં મૂડી રોકાણ કરી શકવા સમર્થ બને છે. હા, પૈસાની પાછળ ગાંડાની જેમ આંધળી દોટ ન મૂકાય. વિવેક બુધ્ધિ ગીરવે મૂકી વિકાસ ન સાધી શકાય. એ જ રીતે એની જરૂરિયાત પણ નકારી ન શકાય.
 ખરેખર તો "જેવું વાવો તેવું લણો". આપણે આપણા સંતાનોમાં જન્મથી જ સંસ્કાર બીજ વાવ્યા હોય તો પસ્તાવાનો વારો આવતો નથી.
આપણે નવી પેઢીને દોષ આપીએ છીએ કે તેઓ મા-બાપનું ઋણ સ્વીકારતા નથી કે અપમાનજનક વ્યવહાર કરે છે...વગેરે વગેરે...આ વાત કેટલે અંશે સાચી છે? મારા અનુભવથી મોટાભાગે સંતાનો અને વાલીઓ વચ્ચેના સંબંધો હેમખેમ હોય છે. કદાચ ક્યાંક કચાશ દેખાય તો માત્ર સંતાનોનો જ વાંક હોવો જરુરી નથી. આગળ-પાછળ જોતા આપણે અનુભવીએ છીએ કે કયાંક ને ક્યાંક આપણને આનંદજનક, પ્રેરણાજનક, ગૌરવજનક એવા સુંદર દાખલાઓ જોવા મળે છે. આપણા ભારતીય પરિવારોમાં આપણે આપણી સંસ્કાર સરિતાના દર્શન કરી શકીએ છીએ. હું આપને નામ આપ્યા વિના એના કેટલાક દાખલા આપું.
શનિવારે એક મિત્રને ફોન કર્યો. તેઓ તેમના પત્ની સાથે એરપોર્ટ પર હતા. કારણ, એમનાં પત્નીના એક બહેન અમેરિકાથી આવ્યા અને એક કેનેડાથી આવ્યા એમને લેવા ગયા હતા. અને રવિવારથી આ પરિવારની છયે બહેનો સાથે હોલીડે કરવા માટે બોર્નમથ તરફ જવા રવાના થઇ. આ છયે બહેનોએ જીવનમાં ક્યાંક ને ક્યાંક તડકી-છાંયડી જોઇ છે. તેઓ ગ્રાન્ડ મધર્સ પણ છે. પૂરા પચાસ વર્ષ બાદ આ કમ્પાલાની દિકરીઓ અત્યારે નવા સ્વરૂપમાં એકલી બહેનો જ સાથે સમય ગાળવા ને હોલીડે માણવા નીકળી છે. દરમિયાનમાં કેટલી બધી સુખદુ:ખની વાતો, ગપસપ ને જૂના સંસ્મરણો વાગોળશે. અતીતની યાદોંમાં ખોવાઇ જશે. અદભૂત અનુભવની એ પળો જીવનની અણમોલ બની રહેશે. એમની સાથેની વાતચીતમાં જાણ થઇ કે, એમના સંતાનોએ જ એમને આમ સાથે હોલીડે કરવા પ્રેર્યાં હતાં. તેમણે મમ્મીઓને કહ્યું કે, તમે ખૂબ કામ કર્યું હવે હરો-ફરો ને મજા કરો. પૈસાની ચિંતા ન કરો. અમારા માટે મૂડી મૂકી જવાનો વિચાર ન કરશો. તમારી કમાણી તમારી ખુશીઓમાં ખર્ચો. એ બહેનોના સંતાનો પર ગર્વ થયું કે આજની યુવા પેઢી કેટલી સમજું છે. ખરેખર તો આપણે એમને સમજવામાં ભૂલ થાપ ખાઇએ છીએ.
આવો જ એક બીજા પરિવારનો દાખલો આપું. એક બહેનના પતિ ગુજરી ગયા બાદ એમના સંતાનો એમની ખુબ કાળજી રાખે છે એટલું જ નહિ પરંતુ દિકરા-વહુની ગેરહાજરીમાં દાદી સાથે એક-એક સપ્તાહ સમય ગુજારવા પૌત્ર અને પૌત્રીએ વારાફરતી રહેવા આવવાનું આયોજન કર્યું.. એમનો દાદી પ્રત્યેનો પ્રેમ અને આત્મીયતા શું સૂચવે છે? કુટુંબના સંસ્કાર. ચાર દાયકાથી વિદેશમાં રહેતા આ પરિવારના દેશમાં રહેતા સગાં-સંબંધી વચ્ચેના ગાઢ સંબંધોની વાત સાંભળીએ તો થાય કે આવી લાગણી જળવાઇ રહી એના મૂળમાં શું છે? વાવો તેવું લણવાની જ વાત ને!
ગયા વર્ષે એક આપણી દિકરીના સસરા ગુજરી ગયા. તેઓ ભારતમાં ચારેક મહિના ખાટલાવશ રહ્યા ત્યારે લંડનથી એમનો દિકરો અને દિકરી અમેરિકાથી ભારત સારવાર કરવા જઇ પહોંચ્યાં હતાં. પોતાના સાસુ સાથે આ પરિવારનો દિકરો એનાં પત્ની અને દિકરીઓ, અમેરિકામાં રહેતી એમની બહેનનો પરિવાર, ભારતમાં રહેતાં માતા, કાકી સૌ સાથે દશેક દિવસની સ્પેન અને ક્રુઝ ટૂરમાં જઇ રહ્યાં છે.

એ દિકરો અને જમાઇ ગુણિયલ અને શ્રવણ જેવો છે. તો એની પત્ની પણ ખાનદાન અને સંસ્કારી પરિવારની છે. પતિની ગેરહાજરીમાં આઠ મહિના એકલે હાથે વર્કિંગ મધર હોવા છતાં પ્રેમથી પોતાની ફરજ બજાવી. પિતાશ્રીનું અવસાન થયા બાદ બન્ને પતિ-પત્ની એમનાં માતાની ખૂબ જ કાળજી રાખે છે. આવા તો અસંખ્ય દાખલાઓ હશે કે જેના કુટુંબની વાડી ખીલેલી હશે અને તેઓ સંબંધોની દોરથી બંધાયેલા હશે. નાણાં કમાવવા કેટલાય પરિવારો દેશ છોડી પરદેશમાં આવી વસ્યા હોવા છતાં સંસ્કાર અને મૂલ્યો વિસરી ગયા નથી. કારણ સ્પષ્ટ છે, સારૂં બી વાવીએ તો સારી ફસલ થાય.
 નકારાત્મક વિચારસરણીમાંથી બહાર આવી હકારાત્મક વાતો વાગોળતા એક નવી સરસ સૃષ્ટિનું નિર્માણ થાય જે દીર્ઘકાલીન બની રહે. કબીર સાહેબના આ દોહાથી મારા આ હપ્તાનું સમાપન કરીશ.
કલયુગ નહિ, કરયુગ હૈ યહાં, દિનકો દે ઔર રાતકો લે,
ક્યા ખુબ સૌદા નગદ હૈ, ઇસ હાથ લે ઉસ હાથ દે
(ક્રમશઃ)


comments powered by Disqus