યુએસમાં ચરોતરના પ્રેયશ પટેલની ગોળી મારી હત્યા

Wednesday 22nd June 2022 04:51 EDT
 
 

આણંદઃ અમેરિકામાં વસતાં ચરોતરના યુવાનની લુંટના ઈરાદે હત્યા કરાતાં એનઆરઆઈ સમુદાયમાં ભયની લાગણી પ્રસરી છે. અમેરિકાના વર્જીનીયા ખાતે સેવન ઈલેવન સ્ટોર ચલાવતા પ્રેયશ પટેલ અને તેમના કર્મચારીની ગયા બુધવારે રાત્રીના સુમારે લૂંટારુઓએ પોઈન્ટ બ્લેક રેન્જથી ગોળી મારીને હત્યા કરી હતી.
મૂળ સોજીત્રાના પરંતુ વર્ષોથી વિદ્યાનગર-કરમસદ રોડ ઉપર આવેલા જુના જકાતનાકા પાસે રહેતા પ્રેયશભાઈ પટેલ ૨૫ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા હતા અને પત્ની તેમજ બે સંતાનો સાથે રહેતા હતા. સેવન ઈલેવન સ્ટોર ચલાવીને ગુજરાન ચલાવતા પ્રેયશભાઈ પટેલ (52) તેમજ તેમના કર્મચારી લોગન એડવર્ડ થોમસ (35) ગેસ સ્ટેશન પર હાજર હતા ત્યારે રાત્રીના સુમારે બે અશ્વેતો આવી પહોંચ્યા હતા અને લુંટના ઈરાદે પોઈન્ટ બ્લેક રેન્જથી ગોળીબાર કરતા બન્ને ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ ત્યાં પહોંચી ત્યારે સ્ટોરની અંદર બન્ને યુવાનો ઘવાયેલી હાલતમાં પડેલા હતા, જેમને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં આણંદ ખાતે રહેતાં તેમનાં પરિવારજનો અને ચરોતરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે સોજીત્રાના નવાઘરામાં રહેતા અને વિદ્યાનગર રહેતા દેવાભાઈના પુત્ર પ્રેયશનું હુલામણું નામ ચીકો હતો. તેઓ અમેરિકાના ન્યૂ પોર્ટ વર્જિનિયા ખાતે રહેતા હતા. અમેરિકામાં મિત્રો તેમને પીટરના નામે ઓળખતા હતા.
પ્રેયશભાઈ પટેલના નાના ભાઈ તેજસભાઈ પટેલ વિદ્યાનગર શહેર ભાજપના પ્રમુખ ઉપરાંત કાઉન્સિલર પણ છે. મોટા ભાઈના મોતના સમાચાર મળતાં જ તેઓ શુક્રવારે સાંજે જ અમેરિકા જવા નીકળી ગયા હતા. છેલ્લાં કેટલાય સમયથી અમેરિકામાં ગુજરાતીઓ અને તેમાંય ખાસ કરીને ચરોતરના લોકો ઉપર હુમલાઓ કરીને હત્યા તેમજ હત્યાના પ્રયાસો કરીને લુંટફાટ કરવામાં આવી રહી છે. એક પછી એક આવી ઘટનાઓ બની રહી હોય અમેરિકાના વિવિધ સ્ટેટમાં રહેતા ગુજરાતીઓમાં ભયની લાગણી પ્રસરી છે.
પોલીસ દ્વારા અપાયેલી માહિતી અનુસાર, 15મીએ મોડી રાત્રે કોઈ અજાણ્યા લૂંટારા દ્વારા સેવન ઇલેવન નામની દુકાનમાં બે વ્યક્તિની ગોળી મારી હત્યા કરી દીધી હોવાની જાણકારી મળી હતી. પોલીસ જ્યારે પહોંચી ત્યારે લૂંટારાએ બે લોકોને બંદૂકની ગોળીથી ઘાયલ કર્યા હતા, જેમાં ઇજાગ્રસ્તોનું ઘટનાસ્થળ પર મૃત્યું થયું હોવાનું ડોક્ટર દ્વારા જાહેર કરાયું હતું. બાદમાં તેમની ઓળખ યોર્કટાઉનના 52 વર્ષીય પ્રેયશ પટેલ અને ન્યૂપોર્ટ ન્યૂઝના 35 વર્ષીય લોગન એડવર્ડ થોમસ તરીકે થઇ હતી. આ ઘટનામાં એક ભારતીય અને અન્ય અમેરિકન નાગરિક બંનેનાં મૃત્યુ થયાં હતાં. હત્યારાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
સ્ટોર પર નોકરી કરતા વુલ્ફે કહ્યું હતું કે પ્રેયશ પટેલ એક ખૂબ જ દયાળુ વ્યક્તિ હતા, જેમણે સમાજ માટે શક્ય એટલું બધું કર્યું હતું. તેઓ તેમના કર્મચારીને બચાવવા જતા મૃત્યુ પામ્યા હતા. તેઓ સમુદાયનો આદર કરતા હતા અને અહીં આસપાસની દરેક વ્યક્તિને તેમના માટે આદર હતો. તે માણસ સાથે આવું બનવાનું કોઈ કારણ ન હતું.
સમગ્ર ઘટના અંગે પોલીસનું માનવું છે કે એક વ્યક્તિએ સ્ટોરમાં હાજર બંને પીડિતોને ગોળી મારી હતી. તપાસકર્તાઓનું કહેવું છે કે ત્યાં સર્વેલન્સ વીડિયો છે, જેને તેઓ હાલમાં ગોળીબારના સંદર્ભમાં મુખ્ય પુરાવા રીતે જોઈ રહ્યા છે અને એનો ઝીણવપૂર્વક અભ્યાસ કરી ઘટનાક્રમ પર તપાસ કરી રહ્યા છે. અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી યુવાનોની લૂંટના ઇરાદે હત્યા કરાતી હોવાના બનાવો વારંવાર બનતા રહે છે એમાં વધુ એકનો ઉમેરો થયો છે.


comments powered by Disqus