રિકીએ 22 માઇલની દોડમાં ઘોડાને હરાવ્યો

Sunday 26th June 2022 05:18 EDT
 
 

લંડનઃ શું ક્યારેય કાળા માથાનો માનવી દોડવામાં ઘોડાથી પણ આગળ નીકળી શકે? વાત માન્યામાં આવે તેવી ભલે ન હોય, પણ બ્રિટિશ દોડવીર રિકી લાઇટફૂટે ફરી એક વખત સાબિત કરી દેખાડ્યું છે કે આવું કરી શકાય છે.
વેલ્સના લલનરાઇટીડ વેલ્ટમાં તાજેતરમાં યોજાયેલી મેન વર્સીસ હોર્સ રેસ સ્પર્ધા જીતી લઇને રિકીએ ઘોડાને હરાવ્યો છે. આ ઘોડા પર કિમ અલમન સવારી કરી રહી હતી. રિકી આવી સિદ્ધિ મેળવનાર દુનિયાની માત્ર ત્રીજી વ્યક્તિ છે.
વેલ્સના ગ્રામીણ વિસ્તારમાં આયોજિત 22 માઇલની આ સ્પર્ધામાં 60 ઘોડા અને તેના અસવારોની એક ટીમ સામે કુલ 1200 લોકોએ ભાગ લીધો હતો. માર્ગમાં ટેકરીઓ અને કાદવકીચડ ભરેલા ખાડા સ્પર્ધકો માટે પડકાર ઉભો કર્યો હતો. જોકે રિકીએ તમામ અવરોધો ઓળંગીને સ્પર્ધામાં અવ્વલ સ્થાન મેળવ્યું હતું.
અગાઉ બે વ્યક્તિ જીતી ચૂક્યા છે સ્પર્ધા
આ દોડ સ્પર્ધા જીતનાર રિકી માત્ર ત્રીજી વ્યક્તિ છે. આ પૂર્વે 2009માં હૂ લોબે ઘોડાને બે મિનિટના અંતરથી હરાવ્યો હતો. તો 2007માં ફ્લોરિયન હોલ્ટિંગર પણ એક ઘોડાને હરાવી ચૂક્યા છે.
લોકોનું કહેવું છે કે આ અનોખી દોડ સ્પર્ધા 1980થી શરૂ થઇ છે. સ્થાનિક લોકોનું માનવું છે કે લાંબા અંતરની દોડમાં માણસ ઘોડાને હરાવી શકે છે. અને આ ત્રણેય વિજેતા આ દાવાનું જીવંત ઉદાહરણ છે.


comments powered by Disqus