-જ્યોત્સના શાહ
તાજેતરની મારી ભારત/ ગુજરાતની મુલાકાત દરમિયાન ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ પદ્મશ્રી ડો. વિષ્ણુભાઇ પંડ્યા, ગુજરાતી પત્રકારત્વના પિતામહ શ્રી ધીરેનભાઇ અવાશીઆ, જાણીતા એડવોકેટ અને કવિ-લેખક-અદાકાર શ્રી નિરૂપમ નાણાંવટી, જાણીતા ઓનકોલોજીસ્ટ ડો. ભાવેશ અને ડો. ઊર્વિ પારેખ, આપણા સૌના જાણીતા ને માનીતા ગાયિકા માયા દીપક, ભારતીય સભ્યતા અને સંસ્કૃતિને સમર્પિત લંડનના યુવા આર્કીટેક અમર ત્રિવેદી સહિત અનેક હસ્તિઓને મળવાનો મોકો અમદાવાદના અદાણી સંકુલના વોટરલીલી, શાંતિગ્રામમાં ડો. કેયુરભાઇ અને શ્રીમતી કુંજલબહેન બૂચના નિવાસ સ્થાને મળ્યો. વિદ્વાનોના સત્સંગના લાભ સહિતની સુમધુર સંગીતભરી એ સાંજ એક યાદગાર બની ગઇ.
૧૭મે'૨૨ની એ સાંજે ડો.કેયુર બૂચે સૌ આમંત્રિતોનું સ્વાગત કરતા જણાવ્યું કે આજના અતિથિ વિશેષોમાં યુ.કે.ના ગુજરાતી સમાજના ઘર-ઘરમાં જાણીતા સાપ્તાહિક "ગુજરાત સમાચાર"ના કન્સલ્ટીંગ એડીટર અને આપણા સૌના સન્માનનીય શ્રીમતી જ્યોત્સનાબેન શાહ તેમજ ભારતીય સભ્યતાના આંતર રાષ્ટ્રીય ગજાના યુવા અમર ત્રિવેદી સાથે સંધ્યાભોજન અને ગોષ્ઠી માટે આપણે સૌ એકત્ર થયાં છીએ.
આ પ્રસંગે પદ્મશ્રી ડો. વિષ્ણુભાઇ પંડ્યાએ જણાવ્યું કે, "વડોદરામાં જ્યોત્સનાબેનના પુસ્તકનું વિમોચન કરાયું ત્યારબાદ આટલા વર્ષે મળાયું. ત્યારે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના તંત્રીશ્રી સી.બી.પટેલનું સ્મરણ પણ થાય જ! મારો સંબંધ ગુજરાત સમાચાર સાથે મારી એક કોલમ આવતા વિશેષ બંધાયો. હાલ એ બંધ થઇ ગઇ છતાં સંબંધો ચાલુ છે.
હું હાલ ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળતો હોવાથી વધુ વ્યસ્ત રહેવાય છે. જેમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દૂ, કચ્છી એમ છ ભાષાઓમાં પ્રકાશીત થતા ઉત્તમ પુસ્તકોને દર વર્ષે પારિતોષિક આપીએ છીએ. અને વરિષ્ઠ સાહિત્યકારોને ગૌરવ સન્માન આપીએ છીએ.
તાજેતરમાં ભાવનગર નજીક આવેલ નાનકડા ગામ ત્રાપજના મોટા ગજાના લેખક ત્રાપજકરના ૧૧ પુસ્તકોનું વિમોચન મોરારીબાપુના હસ્તે પાંચેક હજાર ગ્રામજનોની હાજરીમાં થયું. સામાન્ય માણસોએ એક લાખ જેટલા પુસ્તકો ખરીદવાનો રેકોર્ડ કર્યો. આજથી ૭૦-૮૦ વર્ષ પહેલા ત્રાપજકરના નાટકો જોવા ખાસ ટ્રેન ‘વીર પસલી એક્સપ્રેસ’ દોડતી.
સાહિત્ય અકાદમી વર્ષમાં ચારેક આવા અનોખા કાર્યક્રમો યોજે છે. એ ઉપરાંત સાહિત્યના પરિસંવાદો યોજાય છે વગેરે.... એમની વાતોથી પ્રભાવિત અને વર્ષોના પરિચિત એવા મોટા ગજાના પત્રકાર ધીરેન અવાશીયા ત્યાં બેઠા હતા એમણે તરત જ પ્રતિસાદ આપતા જણાવ્યું કે, જ્યારે ગુજરાતી ભાષા ડાઉનફોલ તરફ જઇ રહી હતી ત્યારે જેમણે "લેંગ્વેજને ડીસીમીનેટ" ભાષા સાહિત્યને સમાજમાં ફરતા કરી દીધા. ત્રાપજ જઇ આમ કરવાનો વિચાર વિષ્ણુ પંડ્યાને જ આવે, બીજા કોઇને ન આવે. નીચેથી ઉપર સુધીના એમના વિકાસનો હું સાક્ષી છું. એમના અભ્યાસની પ્રશંસા કરતા જણાવ્યું કે, એક બાજુ 'એનસાયકલોપીડીયા ઓફ બ્રિટાનીઆ" ને મૂકો અને બીજી બાજુ વિષ્ણુ પંડ્યાને. મોટા મોટા વક્તાઓને કે સાહિત્યકારોને કોઇ રેફરન્સની જરૂર પડે તો વિષ્ણુ પંડ્યાનો સંપર્ક સાધે અને ચોપડી ખોલ્યા વગર એનો ત્વરિત જવાબ એમની પાસેથી મળી જાય.
‘અમે ગાઢ મિત્રો છે. વિષ્ણુભાઇ જ્યારે વિદ્યાર્થી હતા ત્યારનો પ્રસંગ છે. તેઓ પહેલીવાર અમદાવાદ ‘મહાદેવભાઇ દેસાઇ ટ્રોફી’ માં ભાગ લેવા આવ્યા ત્યારે હું હોસ્ટેલમાં રહેતો. અમેરિકાના પ્રેસિડેન્ટ કેનેડીનું એ વખતે ખૂન થયું હતું એથી એ સ્પર્ધાનો વિષય હતો, ‘માનવ તેના તારણહારને ગોળીથી વધાવે છે’. એ વિષય પર વિષ્ણુભાઇ અદ્ભૂત બોલ્યા હતા ને પ્રથમ વિજેતા ઘોષિત થયા હતા.
ત્યારબાદ શ્રી નિરૂપમ નાણાંવટીની ઓળખ આપતાં શ્રી ધીરેનભાઇએ જણાવ્યું કે, "એ અમારા જુનાગઢના. એ જમાનામાં જુનાગઢથી બહાર બહુ બહુ તો અમદાવાદ જતાં ત્યારે લંડનના મહત્વના વિસ્તાર સુધી નિરૂપમનું કંપન પહોંચ્યું હતું. ‘મેફેરની એક સાંજ’ કાવ્ય રચ્યું એ એના કાવ્યનો વ્યાપ છે. દેશને એક સારો વકિલ મળ્યો પણ સારો અભિનેતા ગુમાવ્યો. મારા માટે તો એ કવિ ને સાહિત્યકાર છે.”
‘અમે સ્કુલમાં ભણતા હતા ત્યારે ગુજરાત રાજ્યની સળંગ ત્રણ વખત નાટ્ય સ્પર્ધાઓમાં એ વિજેતા બન્યો હતો. જેમાં શિવકુમાર જોષીના બે અદ્ભૂત નાટકો હતા. ધનંજય ઠાકર, જશવંત ઠાકર, જનાર્દન મહેતા, વિષ્ણુકુમાર વ્યાસ વગેરે મહાન નાટ્યકારો કહેતા કે, આંગિક અભિનય તો નિરૂપમનો જ!”
બીજી એક અંગત વાત! પરવીનબાબી અમારા જુનાગઢના. એ વખતે નિરૂપમ દશમા ધોરણમાં અને પરવીનબાબી આઠમા ધોરણમાં હતા ત્યારે હિન્દીમાં નાટક ‘એટેચી કેસ’માં અભિનેત્રી પરવીનબાબી હતાં. એ વખતે કોન્ટ્રાવર્સી હતી કે, પરવીનબાબીના પ્રથમ ડીરેક્ટર કોણ? બાબુરામ વીસાલા કે ...? ત્યારે પરવીનબાબીએ ‘સ્ટાર ડસ્ટ’ને આપેલ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મારા પ્રથમ ડીરેક્ટર નાણાંવટી.
નિરૂપમભાઇએ એમના વક્તવ્યમાં જણાવ્યું કે, મારી કવિતાઓ સ્વછંદી છે. નિજાનંદ માટે લખું છું. એનો એક નમૂનો પેશ કર્યો જેને તાળીઓના ગડગડાટથી સૌએ વધાવી લીધો.
‘એકાદ હાથ પકડી લેજે ઢળતી સાંજે,
જીંદગીને જકડી લેજે ઢળતી સાંજે,
લાગણીઓને અડી લેજે ઢળતી સાંજે,
ત્યાં કોઇ એકબીજાને મળવાનું નથી,
વ્હાલ બધું ખડકી લેજે,
ક્યાં કદી કોઇ અહિંયાથી કશું લઇ ગયું છે,...
બધાનું ક્યાં સૂરજ જેવું છે?
ઉગવાની તક ઝડપી લેજે ઢળતી સાંજે...’
લંડન સ્થિત અમર ત્રિવેદી વ્યવસાયે આર્કીટેકચરલ ડીઝાઇનર અને એન્ટરપ્રુનર છે. એમણે જણાવ્યું કે, ‘મારૂં મિશન છે, આપણો ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનો ખજાનો સાચવવો, એનું રક્ષણ કરવું અને યુવા પેઢીમાં એનું આરોપણ કરવું.’
ધીરેન અવાશીઆ એક મળવા જેવા મહાનુભાવ છે. ગુજરાતની એકેડેમીક ઓફ મીડીયા એજ્યુકેશનમાં ઇલિક્ટ્રોનીક મીડીયાનો શુભારંભ કરી ડીગ્રી કોર્સ શરૂ કરવાનો યશ એમના ફાળે જાય છે. ૧૯૮૦માં માંચેસ્ટર યુનિવર્સિટી સાથે સંલગ્ન થઇ મીડીયા સ્ટડીઝ સેટેલાઇટ ડેવલપ કર્યું. ગુજરાતના મોટાભાગના જર્નાલીસ્ટો એમને મીડીયા ગુરૂ માને છે. "ઇન્ડીયન એક્સપ્રેસ"માં નવ વર્ષ ફરજ બજાવ્યા બાદ ૨૦૦૩માં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીજીએ એમના માટે ગુજરાત રાજ્યના ઇન્ફોર્મેશન ડીપાર્ટમેન્ટમાં ઇલેક્ટ્રોનીક મીડીયાના ડીરેક્ટર તરીકે પોસ્ટ ઉભી કરી નિમણૂંક કરી હતી. તેઓશ્રી મોદીજીના કી મીડીયા એડવાઇઝર બન્યા અને એમના સંખ્યાબંધ પબ્લીસીટી પ્રોજેક્ટોમાં મહત્વપૂર્ણ અનુદાન આપ્યું. ત્યારબાદ નેશનલ ઇલેક્ટ્રોનીક મીડીયા મેનેજ કરવા એમની નિમણૂંક કરાઇ. આખરે પોતાની કન્સ્લ્ટન્સી શરૂ કરવા અને પોતાના મન ગમતા લેખન કાર્ય માટે મોદી સરકારમાંથી રાજીનામું આપી દીધું.
આવી સુંદર ગોષ્ટી સભર સંગીતની મહેફિલ સહિતની સાંજ ભેટ આપવા માટે બૂચ દંપતિનો હ્દયપૂર્વક આભાર. જેમની રગેરગમાં સાહિત્ય-સંગીત-કલા વસતા હોય એ નાગર બચ્ચા વ્યવસાયે ભલે ડોક્ટર હોય પણ જીવ તો ભારતીય અસ્મિતા- પ્રેમીનો.
જય ભારત – જય ગુજરાત.

