હાર્ટ એટેકથી થયેલાં નુકસાનને જેલ ટેકનોલોજીથી રીપેર કરાશે

Wednesday 22nd June 2022 06:52 EDT
 
 

 લંડનઃ બ્રિટિશ સંશોધકોએ હાર્ટ એટેકના કારણે હૃદયને થયેલા નુકસાનને રીપેર કરી શકે તેવી બાયોડિગ્રેડેબલ જેલ ટેકનોલોજી વિકસાવી છે જેનાથી વિશ્વભરના લાખો દર્દીઓનું આરોગ્ય સુધારી શકાશે. ઈન્જેક્ટ કરી શકાય તેવી આ જેલ હૃદયની આસપાસ માંચડા જેવું કામ કરશે જેની સહાયથી નવા ટિસ્યુઝને વધવામાં મદદ મળશે.

યુકેમાં દર વર્ષે હાર્ટ એટેકના કારણે 100,000થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર લેવા જાય છે. આધુનિક તબીબી સારવારથી લોકોનું જીવન બચી જાય છે અને બ્રિટનમાં હાર્ટ એટેક પછી 1.4 મિલિયન લોકો જીવી રહ્યાં છે. હાર્ટ એટેક પછી લોકો જીવી શકે છે પરંતુ, હૃદયને થયેલાં નુકસાનના પરિણામે નવા ટિસ્યુઝ બનાવવાની ક્ષમતા મર્યાદિત બની જાય છે. આથી, હાર્ટ ફેઈલ્યોર સહિત અન્ય આરોગ્ય સમસ્યાઓનું જોખમ રહે છે.

હૃદય આપમેળે જ સમારકામ કરી શકે તેવી ટેકનોલોજી શોધવામાં વર્ષોની મહેનત રંગ લાવી છે. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન (BHF)ના ટેકા સાથે યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના સંશોધકોએ એક પ્રકારની જેલ બનાવી છે જેને ધબકતાં હૃદયમાં સીધી જ ઈન્જેક્ટ કરી શકાય છે. ઈન્જેક્ટ કરાયેલા કોષો નવા ટિસ્યુઝ ઉગાડી શકે તેમાં આ જેલ માળખા કે માંચડા જેવું કામ કરે છે. અત્યાર સુધી હાર્ટ ફેઈલ્યોરનું જોખમ ઘટાડવા કોષોને ઈન્જેક્ટ કરવામાં આવતા હતા પરંતુ, માત્ર એક ટકા કોષ જ કામ કરી શકતા હતા. આ જેલના કારણે કોષ એકસાથે બંધાઈ રહે છે. આ ટેકનોલોજી કામ કરી શકે છે તે સાબિત કરવા સંશોધકોએ દર્શાવ્યું છે કે જેલ હાર્ટના નોર્મલ સ્નાયુના ટિસ્યુઝને વધવામાં મદદ કરે છે. આ અભ્યાસ માન્ચેસ્ટરમાં બ્રિટિશ કાર્ડિયોવાસ્કુલર સોસાયટીની કોન્ફરન્સમાં રજૂ કરાયો હતો.


    comments powered by Disqus