માતૃભાષા એટલે સંસ્કૃતિનું સંવર્ધન

Wednesday 23rd February 2022 05:45 EST
 

માનવી સૌપ્રથમ પોતાની માગણી અને લાગણી વ્યક્ત કરે તે ભાષા એટલે માતૃભાષા, જે ભાષામાં સ્વપ્ના નિહાળી શકીએ, વિચારી શકીએ તે માતૃભાષા. સાચી વાત એ છે કે માતૃભાષા યાદ કરવાની નહિ, તે માત્ર જીવવાની બાબત છે. સોમવાર, ૨૧ ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માતૃભાષા આપણી બોલચાલની ભાષા છે, સંસ્કારસિંચનની ભાષા છે. આપણા ઘરેઘરમાં તે બોલાય છે અને આપણા બાળકો તેને સમજે છે અને અપનાવે છે. માતૃભાષા પરિવારના સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધનની સુવાહક છે, સંવાદનું માધ્યમ છે.
યુકેમાં ગુજરાતી ભાષા અથવા માતૃભાષા બાળકોના ઉછેર સાથે સંકળાયેલી છે. દાદા-દાદી અથવા નાના-નાનીના પડખામાં ભરાઈ બાળકો તેમની ‘જનની જન્મભૂમિશ્ચ, સ્વર્ગાદપિ ગરિયસી’ની વાતો સાંભળતા અનેક પ્રશ્નો કરે, સમજાય કે ન સમજાય પણ હોંકારા તો ભણે. આ સમગ્ર પ્રોસેસમાં બાળકોને તો લાભ થાય છે અને મોટેરાં વડીલોને પણ વાતો સંભળાવવાનો લાભ મળે છે. તેમની એકલતા દૂર થાય છે, પારિવારિક સંવેદનાઓનો વડલો નીતનવા મૂળ સાથે વિકસતો રહે છે. વડીલોની વાતોના પટારામાં સંસ્કૃતિનો ખજાનો સચવાયેલો રહે છે જેમાંથી બાળકો પ્રેરણાના પિયુષ પ્રાપ્ત કરે છે.
એક યક્ષપ્રશ્ન શિક્ષણ કઈ ભાષામાં આપવું તેના વિશે પણ ઉપસ્થિત થતો રહે છે. બાળપણ સુધી તો ઠીક છે પરંતુ, મોટા થયા પછી ઉચ્ચ શિક્ષણ મેળવીએ ત્યારે ભાષાનો પ્રશ્ન નડે જ છે. અહીં જ માતૃભાષા સાથે માસીની ભાષાનું મહત્ત્વ જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મલ્ટિનેશનલ્સમાં કામગીરી બજાવવાની હોય ત્યારે પણ માતૃભાષાનો પાયો મજબૂત-પાકો હોય તેના પર અન્ય ભાષાનો ઢોળ ચડાવાયો હોય ત્યારે બંનેના લાભ મળે છે. જે રીતે ફિઝીક્સ, કેમિસ્ટ્રી કે મેથ્સ શીખીએ છીએ તે જ રીતે અન્ય ભાષામાં પારંગત થઈએ તેમાં જરા પણ ખોટું નથી. માત્ર માતૃભાષા પ્રતિ દુર્લક્ષ ન સેવીએ તે જ મહત્ત્વનું છે.
બ્રિટનમાં અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ ગુજરાતી શીખવવાના ક્લાસીસ ચલાવે છે. ૨૦૦થી વધુ સ્થળોએ શાળા જેવી સવલતોમાં વિદ્યાર્થી ગુજરાતી શીખે છે. અનેક લોકો આ કાર્ય પાછળ તમ, મન અને સમયદાન આપે છે તેનો આપણે ઋણસ્વીકાર કરવો જ રહ્યો.
વિશ્વમાં હાલ ૬૭૦૦ જેટલી ભાષા બોલાય છે તેમાંથી અડધોઅડધ લુપ્ત, અદૃશ્ય થઈ જવાનું જોખમ હોવાનું યુનેસ્કોનો રિપોર્ટ કહે છે. કહેવાય છે કે દર ૧૫ દિવસે એક ભાષાનું મૃત્યુ થાય છે જેનો વિલાપ આપણે સાંભળી શકતા નથી. આપણે જન્મે અને કર્મે ગુજરાતી અસ્મિતાના સેવક છીએ, ધન્ય ધરા ગુર્જરી અને ધન્ય ગિરા ગુર્જરીના ગુણગાન કરીએ છીએ તે શું માત્ર એક દિવસ પૂરતું જ રહેવું જોઈએ તેવો પ્રશ્ન થાય તે અસ્થાને નથી. ગુજરાત સમાચાર પોતાના ગુણી વાચકોને આપણી કર્મભૂમિ યુકેમાં ગુજરાતી ભાષાના સંવર્ધન માટે શું કરવું જોઈએ તે વિશેના મંતવ્યો વહેલી તકે તંત્રી-પ્રકાશક શ્રી સી.બી. પટેલને મોકલી આપવા અરજ કરે છે. ગુજરાત સમાચાર ‘જ્ઞાનયજ્ઞ એ જ સેવાયજ્ઞ’ની ધૂણી ધખાવીને બેઠું છે. માતૃભાષા ગુજરાતીને જીવંત રાખવાની જવાબદારી આપણા સહુની છે તે સમજ આવશે તો ભાષા આપમેળે જીવંત બની રહેશે.


comments powered by Disqus