યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ પાઠવેલા શાંતિમંત્રણાના પ્રસ્તાવને ઠુકરાવી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને પૂર્વ યુક્રેનના વિદ્રોહી લુહાન્સ્ક અને ડોનેત્સ્ક પ્રાંતોને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી યુદ્ધખોર માનસનો પરચો આપી દીધો છે. રશિયા યુદ્ધ કરવા ઈચ્છતું નથી તેવી જાહેરાતો કરીને લશ્કરી કવાયતો માટેનું સૈન્ય અને ટેન્ક્સ પાછી બોલાવી રહ્યાના ગપગોળા પછી રશિયાએ ૧૦,૦૦૦થી વધુ સૈનિકો રાતોરાત યુક્રેનમાં ઉતારી દીધા છે. રશિયાએ યુક્રેનના જે બે વિસ્તારોને નવા દેશ તરીકે માન્યતા આપી છે અને સૈન્ય મોકલ્યું છે તેને ‘પીસકીપિંગ ફોર્સ એટલે કે શાંતિરક્ષક દળોનું રુપાળું નામ આપી દીધું છે. જોકે, તેનાથી વાસ્તવિકતામાં કોઈ ફરક પડતો નથી.
રશિયાએ પૂર્વ યુક્રેનના અલગતાવાદી વિસ્તારોમાં સૈન્ય ઉતારી દીધું છે જેને વિશ્વના દેશોએ યુક્રેનના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતાના ઉલ્લંઘન ગણાવ્યું છે. આના પગલે પશ્ચિમી દેશોએ રશિયા અને પ્રમુખ વ્લાદિમીર પુટિન વિરુદ્ધ આક્રમક આર્થિક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. સ્વાભાવિક રીતે જ રશિયા ટુંક સમયમાં આક્રમણ કરશે તેમ વારંવાર કહી ચૂકેલા યુએસ પ્રમુખ જો બાઈડેને ખાસ આદેશથી રશિયનો સાથે વેપાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. વડા પ્રધાન જ્હોન્સને પાંચ રશિયન બેન્ક્સ અને પુટિનના ત્રણ પીઠ્ઠુઓ સામે પ્રતિબંધો જાહેર કરી દીધા છે. રશિયન બિઝનેસીસને ડોલર અને પાઉન્ડમાં વેપાર કરવા નહિ દેવાય. બીજી તરફ, યુરોપમાં ગેરપુરવઠો મોકલતા રશિયાને ફટકો મારતા જર્મનીએ નોર્ડસ્ટ્રીમ ટુ પાઈપલાઈનને સર્ટિફાય કરવાની પ્રોસેસ હાલપુરતી બંધ કરી દીધી છે.
યુક્રેનના રશિયા સમર્થક અલગતાવાદીઓને નાણાભંડોળ અને શસ્ત્રસરંજામની મદદ કરી રહ્યું હોવાના આક્ષેપને રશિયા નકારતું આવ્યું છે. જોકે, જે ઝડપથી બંને પ્રાંતોને માન્યતા આપીને રશિયન સૈનિકો ગોઠવી દેવાયા છે તેને જોતાં આક્ષેપોમાં દમ હોવાનું જણાય છે. રશિયા માટે સુરક્ષાની દૃષ્ટિએ યુક્રેનનું મહત્ત્વ વધુ છે કારણકે તેની યુક્રેન સાથે ૨,૦૦૦ લાંબી સરહદ છે. યુક્રેન પશ્ચિમી દેશોના લશ્કરી સંગઠન નાટો સાથે જોડાવા માગે છે. જો આમ થાય તો, પશ્ચિમી સત્તાઓ રશિયાની સરહદે આવીને ઉભી રહે તે રશિયાને પોસાય તેમ નથી. યુરોપ-અમેરિકા સહિતના પશ્ચિમી દેશો યુક્રેન મારફતે રશિયાના યુરોપમાં વધતા દબદબાને ખાળવા માગે છે.
યુક્રેન યુદ્ધથી ક્રુડ અને ગેસની કિંમતો હજુ વધવાની આશંકા છે. હકીકત એ છે કે કુદરતી ગેસ સપ્લાયમાં રશિયાની ૪૦ ટકા હિસ્સેદારી છે અને યુરોપના ગેસ પુરવઠાનો ત્રીજો હિસ્સો રશિયા પૂરો પાડે છે. રશિયન ગેસ પાઈપલાઈન્સ મુખ્યત્વે યુક્રેનમાંથી પસાર થતી હોવાથી યુદ્ધના કારણે પુરવઠાની ચેઈનને અસર થશે. આ ઉપરાંત, રશિયા અને યુક્રેન ઘઉંના મોટા ઉત્પાદક છે અને વિશ્વના અનાજ પુરવઠા પર યુદ્ધની માઠી અસર થઈ શકે છે.
રશિયા અને અમેરિકા વચ્ચે ભારતની હાલત સુડી વચ્ચે સોપારી ગણાવી શકાય. બેમાંથી કોઈ દેશને નારાજ કરવાનું ભારતને હાલ પોસાય તેમ નથી. અત્યાર સુધી તો ભારતે તટસ્થ વલણ અપનાવી રશિયા-યુક્રેન વિવાદમાં કોઈ પણ પક્ષનું સમર્થન કર્યું નથી અને શાંતિમય સમાધાનની તરફેણ કરી છે. રશિયાના આક્રમણ પછી ભારત માટે મુશ્કેલી વધી શકે છે. જોકે, ૨૦૧૪માં રશિયાએ ક્રીમિયા પર કબજો જમાવ્યો તેનો ભારતે ખુલ્લો વિરોધ કર્યો હતો. યુક્રેનમાં ફસાયેલા૧૮,૦૦૦ તબીબી વિદ્યાર્થી સહિત ૨૦,૦૦૦ર ભારતીયને સુરક્ષિતપણે સ્વદેશ લાવવાની ભારતની પ્રાથમિકતા રહેશે.
એક બાબત ધ્યાને લેવી આવશ્યક છે કે હમણાંથી ભારતના બે પડોશી શત્રુ દેશ ચીન અને પાકિસ્તાનના રશિયા સાથેના સંબંધો હુફાળા બન્યા છે. રશિયાએ તાઈવાન મુદ્દે ચીનની તરફેણ કરી છે તો ચીને યુક્રેન મુદ્દે દોસ્તી નિભાવી છે. હાલ અમેરિકા સાથે બગાડી ચીનના ખોળામાં બેઠેલા પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન આ યુદ્ધકાળમાં પણ રશિયાની મુલાકાતે જઈ રહ્યા છે તે સૂચક ગણાવી શકાય.
