સુવર્ણ જયંતી વર્ષમાં ગુજરાત સમાચાર - Asian Voice દ્વારા શનિવારે સાંજે સંગત સેન્ટરમાં મિલન સમારંભ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકીય, સમાજિક અને વિવિધ ક્ષેત્રોના અગ્રણી મહાનુભાવોએ વિશેષ હાજરી આપી હતી. એબીપીએલ ગ્રૂપના એડિટર-ઇન-ચીફ સી.બી. પટેલે નવનિયુક્ત ગ્રૂપ એડિટર મહેશભાઇ લિલોરિયાનો બધા સાથે પરિચય કરાવ્યો હતો.
સ્વાગત ઉદ્બોધન કરતા સંગત સેન્ટરના વડા અને જણીતા સામાજિક કાર્યકર કાંતિભાઈ નાગડાએ જણાવ્યું કે, કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા માટે પરિવર્તન બહુ જ જરૂરી હોય છે. પરિવર્તન એ જ પ્રગતિની ઓળખ છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ સમય અને વાચકોની જરૂરિયાત મુજબ સતત પરિવર્તનશીલ રહ્યા છે અને રહેશે.
ભારતીય વિદ્યા ભવનના ડો. એમ. એન. નંદ કુમારે વૈદિક મંત્રોચ્ચાર સાથે બધાને તમામ દિશામાંથી સારા વિચારો પ્રાપ્ત થાય એવી મા સરસ્વતીને પ્રાર્થના કરી હતી. સાથે જ ગુજરાત સમાચાર - Asian Voiceના માધ્યમથી સતત સમાજસેવા કરતા રહેવાનું એબીપીએલ ટીમને આહ્વાન કર્યું હતું.
હક માટે એકતા જરૂરી
સી.બી. પટેલે મિલન સમારંભમાં હાજર દરેક સામાજિક, રાજકીય અગ્રણીઓ, સંસ્થાઓના વડા અને આગેવાનોની સેવા, સક્રિયતા અને સામાજિક અનુદાનનો પરિચય કરાવ્યો. સાથે જ જણાવ્યું કે અમારા માટે - કોઇ પણ પક્ષાપક્ષીમાં પડ્યા વગર - માતૃભૂમિ, સંસ્કૃતિ, સેવા અને સમર્પણ મહત્વના છે. છેલ્લા ૫૦ વર્ષમાં જ્યારે પણ સમાજ, લોકોના અધિકારો, અસ્તિત્વ, અસ્મિતાનો પ્રશ્ન ઉભો થયો છે, અમે ઝુંબેશ ઉપાડી છે. હરેકૃષ્ણ મંદિર સહિત અનેકાનેક મુદ્દાઓમાં દરેક વખતે પરિણામ ના આવે ત્યાં સુધી લોકજુવાળ સાથે લડત ચાલુ રાખી. તાજેતરમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં ચર્ચાના અધિકારને અવળા પાટે લઇ જવાના કુત્સિત પ્રયાસ થયા. ગોધરાકાંડ પર ચર્ચાના નામે વિવાદ, વિખવાદ અને વેર-ઝેરના વાવેતરના પ્રયાસોને અમે ૧૯મી ફ્રેબ્રુઆરીએ પ્રસિદ્ધ થયેલા ગુજરાત સમાચાર અને Asian Voiceના માધ્યમથી ઉઘાડા પાડ્યા અને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યા. આપણે સૌને આ રિપોર્ટને વાંચવા મારી વિનંતી છે. હવે એક થઈને આ ઝુંબેશમાં જોડાવું પડશે, પોતાના હક માટે એકતા રાખવી પડશે.
આ પ્રસંગે સી.બી. પટેલે લોર્ડ ડોલર પોપટને ખાસ યાદ કરતા જણાવ્યું કે તેઓ પ્લેન લેટ હોવવાના કારણે આજે સમારંભમાં ઉપસ્થિત રહી શક્યા નથી, પરંતુ હરહંમેશની જેમ તેમની શુભકામનાઓ એબીપીએલ ગ્રૂપની સાથે છે. લોર્ડ પોપટના માર્ગદર્શનમાં ‘Uganda - A Report’ વિશેષાંક તૈયાર થઈ રહ્યો છે. આ વર્ષે યુગાન્ડામાંથી ભારતીયોની હિજરતના ૫૦ વર્ષ પૂર્ણ થાય છે. નજીક ભવિષ્યમાં આ દળદાર માહિતીસભર અંક પ્રસિદ્ધ થશે. સી.બી. પટેલે ગુજરાત સમાચાર - Asian Voice ટીમના તમામ સભ્યોની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, શ્રી અલ્પેશભાઇ પટેલ, શ્રી રોહિતભાઇ વઢવાણા સહિત બધા જ કોલમ રાઇટર સામાજિક જાગૃતિમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સી.બી. પટેલે આ અવસરે પરીખ સાહેબ (બાલમુકુંદભાઇ પરીખ)ને ખાસ યાદ કર્યા હતા અને એમના પુત્ર શરદભાઇ પરીખની કામગીરીને બિરદાવી હતી.
બીજી પેઢી પણ સમાજ સેવામાં જોડાય
સમારંભમાં જૈનરત્ન ડો. નટુભાઈ શાહે આશીર્વચન આપતા જણાવ્યું કે, ગુજરાત સમાચાર અને Asian Voice સાથે મારા વર્ષોથી સંબંધ છે. સી.બી. પટેલે સમાજને દિશા આપવા માટે હંમેશા બીડું ઝડપ્યું છે. તેઓ સર્વ સમાજ અને સનાતન ધર્મ માટે જે કામ કરી રહ્યા છે, એ જ ગતિ અને વ્યાપ સાથે બીજી પેઢી પણ આગળ આવીને સમાજ સેવામાં જોડાય. ભાઇશ્રી મહેશભાઇના એબીપીએલ ગ્રૂપમાં આગમન પછી નવા વિચારો પણ આવશે, નવા પ્રકલ્પો પણ પૂર્ણ થશે.
નવું લોહી, નવા વિચારો સાથે પરિવર્તન નિશ્ચિત
ગુજરાત સમાચાર - Asian Voiceના કોલમ રાઇટર, ચિંતક અને સમાજિક અગ્રણી રોહિતભાઇ વઢવાણાએ જણાવ્યું કે, વિનમ્રતા અને વિવેક આ બે ગુણ દરેક વ્યક્તિએ ખાસ આત્મસાત કરવા જોઇએ. વાણીમાં મધુરતા અને વિચારોમાં વેગ હોય તો કોઇ પણ કાર્ય સરળતાથી પૂર્ણ થઈ જાય છે. સી.બી. પટેલે બહુ જ સમયસર મહેશભાઇની નિમણૂંક કરી છે. નવા લોહી, નવા વિચારો સાથે ચોક્કસ પરિવર્તન આવે છે. સી.બી. મારા પણ મેન્ટર છે અને હું એમને વિશેષ અનુરોધ કરું છું કે તેઓ એમના બહોળા અનુભવોના આધારે સમાજને માર્ગદર્શન આપતું પુસ્તક લખે, જેથી સમાજ સેવા અને સામાજિક સંબંધોનો આ વારસો બધા માટે પ્રેરણાસ્રોત બની રહે. સી.બી. પટેલ પાસે જે સામાજિક સંબંધોનો અમુલ્ય વારસો છે, સમાજ હિત માટે સતત કાર્યશીલ રહેવાની જે ધગશ છે, એ કોઇને હસ્તાંતરિત ના કરી શકાય. વ્યક્તિના મૂળ અને મૂલ્યો જ આ કરવા માટે પ્રેરણા આપે છે. જે રીતે ગાંધી ટુ નથી થઇ શક્યા, વિવેકાનંદ ટુ નથી થઈ શક્યા, એ જ રીતે સી બી પટેલ ટુ પણ નથી થવાના. હા, એ બધા માટે પ્રેરણાસ્રોત છે, એમના મૂલ્યોને જેટલા આત્મસાત કરીશું એટલું આ લોકોની વધારે નજીક પહોંચી શકાશે.
સમાજના હિતની વાત આવે બધાએ એક થવું જ જોઇયે
બ્રેન્ટ અને હેરોના લંડન અસેમ્બ્લી મેમ્બર કૃપેશ હિરાણીએ જણાવ્યું કે, જ્યારે પણ સમાજના હિતની વાત આવે બધાએ એક થવું જ જોઇયે. રાજકીય વિચારધારા જુદી હોઇ શકે પણ સમાજ માટે એક ધારા અને પ્રવાહ સાથે જોડાવવાની જરૂર છે.
સી.બી.ની સક્રિયતા દરેક સમાજ સાથે
ઓશવાળ આગેવાન તુષારભાઈ શાહે જણાવ્યું કે સી.બી. પટેલ દરેક સમાજ સાથે પ્રગાઢ સંબંધો ધરાવે છે. સર્વ સમાજ હિતની જ્યારે પણ વાત થાય ત્યારે સી.બી. સક્રિયતા સાથે દરેક સમાજની પડખે ઉભા હોય છે. અમે જે દેરાસરનું નિર્માણ કર્યું છે, એક વખત ગૌરવશાળી સ્થળની મુલાકાત લેવા હું અનુરોધ કરું છું. આ સિવાય કન્ઝર્વેટિવ ફ્રેંડ્સ ઓફ ઇંડિયાના કો-ચેરમેન અને કાઉન્સિલર અમીતભાઇ જોગિયા, એનસીજીઓના વાઇસ પ્રેસિડેન્ટ જિતુભાઇ પટેલ, સામાજિક કાર્યકર હીરલબહેન પરમભાઇ શાહ, કાઉન્સિલર અંજનાબહેન પટેલ, લોહાણા સમાજના અગ્રણી વિનોદભાઇ ઠકરાર, એનસીજીઓના પીઆરઓ કૃષ્ણાબહેન પુજારા, એબીપીએલ ગ્રૂપના ઓડિટર સીએ કૌશિકભાઇ દેસાઇ, એનસીજીઓના દીપકભાઇ પટેલ, જૈન વિશ્વ ભારતીના રાજેશભાઇ જૈન, ડો. વિનોદભાઇ કાપસી, સુધાબહેન કાપસી, ચંદ્રેશભાઇ પટેલ (શાયોના), મેજર એસ્ટેટના દિનેશભાઇ સોનછત્રા, બ્રેન્ટ હિંદુ કાઉન્સિલના મહેન્દ્રભાઇ પટ્ટણી, પીઆરઓ રૂપલ પંડ્યા, નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજના પ્રવીણભાઇ અમીન, ભાનુબહેન રમણિકભાઇ મહેતા, ગીતા ફાઉંડેશનના શરદભાઇ પરીખ, અરુણાબેન શરદભાઇ, મહાવીર ફાઉંડેશનના પ્રેસિડેન્ટ નિરજભાઇ સુતરિયા, સો એન્ડ રીપના સુરેશભાઇ વાગજિયાણી, ગ્લોબલ ટ્રાવેલના પારસ મૈશેરી, કમલભાઇ ભદ્રેસા, ભાવેશભાઈ કાપડિયા, અલકાબહેન શાહ, રજનીભાઇ શાહ, ફોટોગ્રાફર્સ રાજભાઇ બકરાનીયા, વિનીતભાઇ જોહરી, સંજીવભાઇ નાણાવટી, પ્રવીણભાઇ પટેલ, સોલિસિટર શાલિનીબહેન ભાર્ગવ સહિતના મહાનુભાવોએ નવનિયુક્ત ગ્રૂપ એડિટર મહેશભાઇ લિલોરિયાને શુભેચ્છા આપી સી.બી. પટેલના સેવાયજ્ઞ અને જ્ઞાનયજ્ઞને આગળ ધપાવવા આશા વ્યક્ત કરી હતી.

