નવી દિલ્હીઃ અમેરિકા, જર્મની, ફ્રાંસ જેવા દેશો સાથે કેટલાંક બાયલેટરલ સેન્ટર્સ (દ્વિપક્ષીય કેન્દ્ર) સ્થપાયા પછી હવે વિજ્ઞાન અને ટેક્નોલોજીની પ્રવૃત્તિઓને સમર્પિત ‘ભારત – કેનેડા બાયલેટરલ સેન્ટર’ શરૂ કરાશે. કેનેડાના ઈન્ટરનેશનલ ટ્રેડ, એક્સપોર્ટ પ્રમોશન, સ્મોલ બિઝનેસ એન્ડ ઈકોનોમિક ડેવલપમેન્ટના કેનેડાના પ્રધાન મેરી Ngના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળે ભારતના સાયન્સ અને ટેક્નોલોજી પ્રધાન જિતેન્દ્રસિંઘ સાથ કેટલાંક મહત્ત્વના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકારની સમીક્ષા કરી હતી. બન્ને પક્ષોએ ગ્રીન ટેક્નોલોજી, એડવાન્સ્ડ એન્જિનિયરિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ, એગ્રીકલ્ચર એન્ડ ફૂડ ટેક્નોલોજી, ડિજીટલ ટ્રાન્સફોર્મેશન, એનર્જી કન્ઝર્વેશન અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટેના સૂચિત ક્ષેત્ર નક્કી કર્યા હતા. જિતેન્દ્રસિંઘે જણાવ્યું હતું કે ભારત અને કેનેડા વચ્ચેના બે સમજૂતી કરાર (MoUs) રિન્યૂ કરવાનો સમય થઈ ગયો છે અને આગામી મે 2022માં મળનારી સંયુક્ત સમિતિની બેઠકમાં તેના પર હસ્તાક્ષરો કરાશે. પહેલું MoU નેશનલ સાયન્સ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર (NSERC) કેનેડા સંબંધિત છે. તે બેઝિક અને એપ્લાઈડ સાયન્સીસમાં માનવ સંસાધનના વિકાસ સહિત સાયન્ટિફિક એક્સચન્જ પ્રોગ્રામ પર આધારિત પ્રોજેક્ટ છે. બીજું MoU નેશનલ રિસર્ચ કાઉન્સિલ, કેનેડા સંબંધિત છે. તે વૈજ્ઞાનિક સહયોગ પર આધારિત ઈન્ડસ્ટ્રીયલ R&D પ્રોજેક્ટ છે. તેમાં બન્ને દેશના ઉદ્યોગો સાથે મળીને નમૂના તૈયાર કરશે અને તેનું વ્યાપારીકરણ કરશે. અત્યાર સુધીમાં કુલ 10 પ્રોજેક્ટને ઈન્ડસ્ટ્રીયલ R&D માટે મદદ મળી છે. ભારત – કેનેડા સેન્ટરના સહયોગથી ‘વોટર ફોર હેલ્થ’, ‘પોર્ટેબલ ડાયાગ્નોસ્ટિક્સ એન્ડ એનેલાઈઝર્સ’ અને ‘ક્રિએટિંગ વેલ્થ ફ્રોમ વેસ્ટ’ એમ ત્રણ પ્રોજેક્ટ શરૂ થયા છે.

