ઋતુ વસંતની થઇ પધરામણી, સોનેરી સ્મિતની રસધાર, હળવે ખુલતી કોમળ કળીઓ, કરે નવજીવનનો સંચાર, મંદ લહેરાતા સુનહરા ડાફાડીલ, કરી રહ્યા છે,આનંદનો આવિષ્કાર.

કોકિલા પટેલ, મેનેજિંગ એડિટર Wednesday 23rd March 2022 05:48 EDT
 

વહાલા ભાઇ, બહેનો અને વંદનીય વડીલ વાંચકો,
કોરોનાના કપરા કાળમાંથી આપ સૌ હેમખેમ રહ્યા એથી ભગવાનનો પ્હાડ માનવો રહ્યો. એ દુ:સ્વપ્નમાંથી આપણે સૌ ધીરે ધીરે બહાર આવી રહ્યા છીએ. સાથે કંટાળાજનક શિયાળો પણ વિદાય થઇ રહ્યો છે અને ઋતુઓની રાણી વસંતનાં વધામણાં થઇ રહ્યાં છે, સોનેરી ડેફાડિલ તન-મનને તાજગી આપી રહ્યાં છે એવી આહલાદક ઋતુમાં સામાજીક કાર્યક્રમો, લગ્નોત્સવો, શુભ સમારંભોની શરૂઆત થઇ ગઇ છે અને એમાં આબાલવૃધ્ધ સૌ આનંદભેર સામેલ થઇ રહ્યાં છે. કોરોના તો કાળક્રમે નવાં રૂપે જન્મ લઇ આપણને સતાવતો તો રહેશે પણ ત્રણેક વેકસીન લઇ લીધા હોય અને મોંઢે માસ્કનું આવરણ હશે અને  સમયે સમયે હાથ સેનેટાઇઝ કરતા રહીએ તો કોરોનાની ઐસી તૈસી.
તાજેતરમાં અમારા એડિટર ઇન ચીફ શ્રી સી.બી. પટેલ, ગ્લોબલ એડીટર મહેશભાઇ લીલોરીયા સહિત અમે  હેરોના ધામેચા લોહાણા સેન્ટરમાં ચુંદડી-સગાઇના માંગલિક પ્રસંગે, લંડનના સ્વામિનારાયણ મંદિર, સનાતન મંદિર, જલારામ મંદિરોમાં શિવરાત્રિ પૂજા-અભિષેકમાં , પુષ્ટીમાર્ગીય હવેલીઓમાં ઉજવાયેલ  હોળી રસિયા કાર્યક્રમ તેમજ હેઇઝમાં નવનાત વણિક સેન્ટરના ભવ્યાતિભવ્ય બેન્કવેટીંગ હોલના ઉદઘાટન પ્રસંગે હાજરી આપી આવ્યા. સર્વત્ર સ્થળે સૌએ અમને ખૂબ પ્રેમ અને આદરસહ આવકાર આપ્યો એનો અમને ખૂબ આનંદ અને ગૌરવ છે. એ સૌના અમે આભારી છીએ.
“બીજું બધું પછી, પહેલું ગુજરાત સમાચાર" એવો આ સમાચારપત્રો પ્રતિ આપ સૌનો જે પ્રેમભાવ છે એ "ગુજરાત સમાચાર" તથા Asian Voice આ વર્ષે ૫૦ વર્ષ પૂરાં કરી રહ્યા છે એનો સુવર્ણ મહોત્સવ ઉજવવાનું ભવ્ય આયોજન પણ થઇ રહ્યું છે. "લોકોનું, લોકો વડે અને લોકો માટે" ચાલતા આ સમાચારપત્રોએ આદરેલા જ્ઞાનયજ્ઞ-સેવાયજ્ઞમાં આપ સૌનો અમને સાદર, સાથ-સહકાર સાંપડ્યો છે એટલું જ નહિ પણ આપ સૌએ અમારા લખાણો, લેખોને ખૂબ સહ્દયતાથી વધાવી પત્રલેખન દ્વારા અમારો હાંસલો વધાર્યો એ બદલ સૌ વાંચકોનો નતમસ્તકે આભાર.
“ગુજરાત સમાચાર-Asian Voice’ ની સ્થાપના થઇ એ સમયમાં '૭૦ના દાયકામાં આફ્રિકાથી યુ.કે.આવેલા આપણા ગુજરાતી-એશિયન ભાઇ-બહેનોએ અત્રે સમાજ સાથે જોડાઇ રહે એ માટે કેટલીક સામાજીક (જ્ઞાતિ, ગોળ, ગામ), ધાર્મિક, શૈક્ષણિક, સેવાલક્ષી સંસ્થાઓનું નિર્માણ કર્યું. આજે  એવી ઘણી સંસ્થાઓ ૫૦ વર્ષ પૂરાં કરી રહી હોવાનું અમારી જાણમાં આવ્યું છે.
 એમાં એક સંસ્થા "કરમસદ સમાજ-યુ.કે.ની સ્થાપના ૧૯૭૧ના ડિસેમ્બરમાં થઇ હતી. કોરોના મહામારીને કારણે કરમસદ સમાજ ગયા વર્ષે ૫૦ વર્ષની સુવર્ણ જયંતિ મહોત્સવ કે દર વર્ષની જેમ નવરાત્રિ મહોત્સવ ઉજવી શક્યા ન હતા પરંતુ સમાજના પ્રમુખ અને કમિટી સભ્યોએ કોવિડ-૧૯ અર્જન્ટ અપીલમાં કોરોનાગ્રસ્તોની સહાય માટે નેશનલ હેલ્થ સર્વિસને £૧૦,૦૦૦નું દાન એનાયત કર્યું હતું. એ જ રીતે માદરેવતનમાં કોવિડ-૧૯ ઇમરજન્સી અપીલમાં કોરોનાગ્રસ્તોની સહાય અર્થે BAPSને £૨૦૦૧નું દાન કર્યું હતું. “કરમસદ સમાજ યુ.કે.” આ વર્ષે એપ્રિલમાં એમની સુવર્ણ જયંતિ ઉજવી રહ્યા છે. આ રીતે આપણી કોઇપણ સંસ્થા એની સ્થાપનાના ૫૦ વર્ષ પૂરાં કરી રહી હોય, ઉજવણી થઇ રહી હોય તો અમને એમની વિગતો લખી જણાવે.
વ્યક્તિ કરતાં સંસ્થા મહાન છે કેમ કે એ સૌના સહયોગ થકી ઉદભવે છે.
કોરોના મહામારીના કપરાકાળ દરમિયાન યુ.કે. સ્થિત આપણી ઘણી સામાજીક, ધાર્મિક અને ચેરિટેબલ સંસ્થાઓએ તેમજ વ્યક્તિગત રીતે યથાશક્તિ દાન આપીને માનવતાનું અદભૂત કાર્ય કર્યું છે. જેમની પાસે ધનરાશિ નહોતી એવા લોકોએ હોસ્પિટલોમાં અને જરૂરતમંદોને અન્નદાન, સમયદાન આપીને સરાહનીય સેવા કરી છે. કેટલીક સંસ્થાઓએ એમની ઇમારતોમાં વેકસીન માટે વિનામૂલ્યે જગ્યા ફાળવી હતી.  ૨૦૨૦ અને ૨૦૨૧ દરમિયાન આપણા સમાજની અનેક સંસ્થાઓ અને વ્યક્તિગત લોકોએ ધનદાન કે સમયદાન આપીને સેવાકાર્ય કર્યાં હોય એવી સંસ્થાઓ કે દાનેશ્વરોના નામ અમને લખી જણાવવા નમ્ર વિનંતી.


comments powered by Disqus