લંડનઃ સબ-પોસ્ટમાસ્ટર્સ કે જેમણે પોસ્ટ ઓફિસ આઈટી કૌભાંડનો પર્દાફાશ કરવામાં મદદ કરી હતી પરંતુ સંપૂર્ણ વળતર ચૂકી ગયા હતા, તેઓને નવી સરકારી સ્કીમ હેઠળ પેઆઉટ આપવાની જાહેરાત થઇ છે. 2019માં 555 કામદારોએ પોસ્ટ ઓફિસ સામે સીમાચિહ્નરૂપ સિવિલ કેસ જીત્યો હતો, પરંતુ તેમના મોટાભાગના સેટલમેન્ટ કાનૂની ફીમાં જતા રહ્યા હતા. તેમને હવે અન્ય સબ-પોસ્ટમાસ્ટર જેઓ ખોટી રીતે દોષિત ઠેરવવામાં આવ્યા હતા, તે જ સ્તરનું વળતર મળશે.
2000 અને 2014ની વચ્ચે, સેંકડો સબ-પોસ્ટમાસ્ટર્સ પર સમગ્ર યુકેની શાખાઓમાં ઉપયોગમાં લેવાતા હોરાઇઝન કમ્પ્યૂટર સોફ્ટવેરમાં ખામીને કારણે ચોરી, છેતરપિંડી અને ખોટા એકાઉન્ટીંગનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 2019 માં, 555 સબ-પોસ્ટમાસ્ટર્સના જૂથે પોસ્ટ ઓફિસને સફળતાપૂર્વક પડકાર્યો. આ કાનૂની જંગ દાખલારૂપ પુરવાર થયો અને શ્રેણીબદ્ધ કેસોનો માર્ગ મોકળો કર્યો.
પોસ્ટ ઓફિસે ખોટી રીતે દોષિત ઠરેલા 700થી વધુ ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજરોની વળતર આપવા માટે એક ઐતિહાસિક શોર્ટફોલ સ્કીમ ચાલુ કરી હતી. પરંતુ હાઈ કોર્ટના કેસમાં જીતેલા 555 લોકો આ યોજનામાં ભાગ લઈ શક્યા ન હતા. 2019માં વળતર પેટે લગભગ 43 મિલિયન પાઉન્ડ જીત્યા હોવા છતાં, થેરિયમ કંપની સાથે "નો વિન, નો ફી" કરારને કારણે જૂથનું ભંડોળ જતું રહ્યું હતું. આ કંપનીએ મુકદ્દમાને ભંડોળ પૂરું પાડ્યું હતું.ટ્રેઝરીએ જણાવ્યું હતું કે જૂથને પતાવટનો માત્ર "નાનો અંશ" મળ્યો છે જે પ્રત્યેક £20,000ની આસપાસ છે. હવે થેરીયમ કંપની વળતરના નવા પોટ પરના કોઈ પણ દાવા માટેના તેના અધિકારોને છોડી દેવા માટે સંમત થઈ છે.
કૌભાંડની જાહેર તપાસ ચાલુ છે. પોસ્ટ ઓફિસને જાપાની કંપની ફુજિત્સુ દ્વારા વિકસિત IT સિસ્ટમ હોરાઇઝનમાં ખામીઓ વિશે જાણ હતી કે કેમ તે મામલે પણ તપાસ થઈ રહી છે.

