બદલાતાં આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં ભારત

Wednesday 23rd March 2022 06:28 EDT
 

રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણના પરિણામે આંતરરાષ્ટ્રીય સમીકરણો સતત બદલાઈ રહ્યા છે. એક તરફ, રશિયા છે તો સામા પક્ષે અમેરિકાની રાહબરી હેઠળ યુકે, યુરોપીય દેશો સહિત પશ્ચિમી દેશો છે. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) લશ્કરી સંગઠનમાં યુક્રેનના પ્રવેશના મુદ્દે રશિયાને પોતાની સલામતી જોખમાતી લાગતાં જ યુદ્ધની જામગીરી ચંપાઈ અને યુદ્ધ શરુ થયાને 25 દિવસ વીતી જવાં છતાં તેના અંતનો કોઈ અણસાર મળતો નથી. શરૂઆતમાં યુક્રેનની તરફેણમાં હાકલાપડકારા કરનારા અમેરિકા અને નાટો દેશોને હવે રશિયાના ગાંડપણનો ભય લાગ્યો છે કે વચ્ચે પડીશું તો રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુટિન અણુયુદ્ધનું બટન દાબી વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્ધમાં ધકેલી શકે છે.
આંતરરાષ્ટ્રીય ધ્રૂવીકરણ તો થયું છે પરંતુ, મૂળ સમસ્યાનો કોઈ ઉકેલ જણાતો નથી. આ બધા માહોલ વચ્ચે ભારતનું તટસ્થ પ્રોફાઈલ વધુ ગરિમાપૂર્ણ બની રહ્યું છે. જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ બે દિવસ માટે ભારતની મુલાકાત લીધી અને 5 વર્ષમાં 42 બિલિયન ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરવાની જાહેરાત સાથે બે દેશોના મૈત્રીસંબંધને મજબૂત મહોર મારી છે. બીજી તરફ, ક્વાડ ગ્રૂપમાં ભારતના સહયોગી ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને 21 માર્ચે વડા પ્રધાન મોદી સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. જેમાં બંને દેશના વેપાર અને દ્વિપક્ષી સંબંધો પર વાતચીત ઉપરાંત, યુક્રેન યુદ્ધ સંદર્ભે પણ વિચારવિમર્શ થયો હતો. ઈઝરાયેલના વડા પ્રધાન બેનેટ નફ્ટાલી પણ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઈઝરાયેલ અને ભારતના સંબંધોને કોઈ આંચ આવી નથી. નોંધપાત્ર બાબત એ પણ ગણાવી શકાય કે ઈઝરાયેલી વડા પ્રધાને રશિયન પ્રમુખ પુટિનની મુલાકાત લેતા યુક્રેનયુદ્ધમાં તેમની મધ્યસ્થીની અટકળો ઉભી થઈ છે.
યુક્રેનયુદ્ધમાં ભારતે જે તટસ્થતા દર્શાવી છે તે પશ્ચિમી દેશોને ગમ્યું નથી પરંતુ, પ્રત્યક્ષ વિરોધ કરવામાં તેઓ પારોઠના પગલાં ભરી રહ્યા છે. ભારત યુનોમાં રશિયા વિરુદ્ધના ઠરાવ વેળાએ બે મતદાનમાં ગેરહાજર રહ્યું તેનાથી અમેરિકા સહિતના પશ્ચિમી દેશો સમસમી ગયા છે. ભારતે રશિયા સાથે વેપાર પ્રતિબંધ અમલી બનાવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો તેમાં પોતાનું જ હિત જોયું છે. ભારતે ભારે ડિસ્કાઉન્ટ સાથે ક્રૂડ ઓઈલ ખરીદવાની રશિયાની ઓફરનો તત્કાળ સ્વીકાર કરી લીધો છે. અમેરિકાએ પણ સ્વીકારવું પડ્યું છે કે ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ અને આર્થિક સંબંધો વિશિષ્ટ છે. ભારત રશિયન ઓઈલ ખરીદે તેમાં અમેરિકાને કોઈ વાંધો નથી તેમ કહેવાની ફરજ જ પડી છે. અમેરિકાની માફક જ ભારતે હવે ‘ઈન્ડિયા ફર્સ્ટ’ની નીતિ અપનાવી છે. યુકેને પણ બ્રેક્ઝિટ પછી ભારત જેવા મોટા કન્ઝ્યુમર માર્કેટની ખાસ જરૂર છે. તે પણ ભારત સાથે મુક્ત વ્યાપાર સંધિ કરવા આતુર છે.
આવું જ ચીન સંબંધે છે. રશિયા સાથે ચીનના સંબંધો હુંફાળા છે તેની પાછળ અમેરિકી વિરોધ જ કારણભૂત છે પરંતુ, અમેરિકા ભારતના અછોવાના કરી રહ્યું છે તેનાથી ચીન અકળાયું છે. રશિયાની સાથે રહેવા માટે તેણે ભારત સાથે દોસ્તીનો હાથ લંબાવવાની વાતો શરૂ કરી છે. સરહદી વિવાદોનો અંત લાવવા વાટાઘાટોની તૈયારી પણ દર્શાવી છે. આ બધા પાછળ, ભારતની લશ્કરી તાકાત પણ કારણભૂત ગણાવી શકાય. યુક્રેન જેવો ટચૂકડો દેશ સુપરપાવર રશિયાને હંફાવી રહ્યો છે તેવી સ્થિતિમાં મહાકાય ભારત સાથે છમકલું પણ ભારે પડી શકે તે ચીનના ખેંરખાંઓને સમજાઈ ગયું છે. ચીનનો વિશ્વાસ ભલે ન કરીએ પરંતુ, પરિસ્થિતિનો લાભ લેવામાં જરા પણ ખોટું નથી.
વિશ્વતખતે ભારતનો દબદબો વધી રહ્યો છે તેનું મૂળ કારણ તેની વધી રહેલી આર્થિક તાકાત છે. ભારતનું ફોરેન એક્સચેન્જ 25 ફેબ્રુઆરીના સપ્તાહના અંતે 631.52 બિલિયન ડોલરનું રહ્યું છે. યુક્રેનયુદ્ધના કારણે થોડું ધોવાણ થવાં છતાં વિદેશી હુંડિયામણની સદ્ધરતાના મામલે ભારત મજબૂત રહ્યું છે. ભારતમાં નવા ઉદ્યોગો, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અદ્વિતીય રહ્યો છે. આ ઉપરાંત, ભારતના માનવધન અને મેનેજમેન્ટ કૌશલ્યની બોલબાલા રહી છે. સૌથી મોટી તાકાત તો વર્તમાન મોદી સરકારની ભારતને ગૌરવશાળી બનાવવાની નીતિની છે. તેમણે સામ્યવાદી અને મૂડીવાદી એમ બંને દેશો સાથે ઉષ્માપૂર્ણ સંબંધો જાળવ્યા છે.


comments powered by Disqus