વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ, મમતા અને કરુણાસભર અને ગરિમાપૂર્ણ સંબંધ માતા અને બાળક વચ્ચેનો ગણાય છે કારણકે માતાના પિંડમાંથી બાળકનું પંડ રચાય છે. આથી જ, ‘જનની, જન્મભૂમિશ્ચ, સ્વર્ગાદપિ ગરિયસિ’ એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે તેમ કહેવાય છે. ભારતીય સંસ્કૃતિ જ ‘માતૃદેવો ભવ’ની છે. માતા પછી પિતા અને ગુરુ આવે છે. માતા શા માટે મહાન છે? શું તે બાળકને જન્મ આપે છે એટલા માટે? ના, વ્યક્તિના વિકાસમાં, તેનામાં મૂલ્યો અને સંસ્કારના સિંચનમાં માતાનું અનન્ય સ્થાન છે. માતા સમગ્ર સૃષ્ટિનું સર્જન કરી શકે છે કારણકે ‘જે કર ઝૂલાવે પારણું, તે જગ પર શાસન કરે’ની ઉક્તિ જરા પણ ખોટી નથી. સંસ્કારની ગળથુથી માતા પીવડાવે છે. માતા જીજાબાઈનું હાલરડું શિવાજી મહારાજમાં વીરરસનો ભરપૂર ખજાનો ભરી દે છે. માતાએ આપેલા સંસ્કારના બળે બાળક જગતને જીતવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે.
એમ પણ કહેવાયું છે કે ઈશ્વરને લાગ્યું કે તે બધાની ખોજખબર રાખી શકે તેમ નથી ત્યારે તેણે માતાનું સર્જન કર્યું અને માનવમાત્રની ચિંતા માતાના ખોળે પધરાવી દીધી. વાત્સલ્યના સ્વરુપે તેનામાં પરમેશ્વરની મૂર્તિ જ નિહાળી શકાય છે. આથી જ, એક કવિ લખે છે કેઃ
અટપટુ લાગે છે ઈશ્વર, તને શોધવાનું
મળી મા તો લાગ્યું કે મળી ગયો તું
ના સ્તુતિ કે શ્લોક વદ્યા, હોઠ હાલ્યા બસ.. મા
ને ફરે શીરે હાથ હળવે, જાણે મળી ગયો તું
બ્રિટનમાં 27 માર્ચે મધર્સ ડેની ઉજવણી કરાશે. સમગ્ર વિશ્વમાં દરેક સંબંધ અને દરેક વિષયના સંદર્ભે દિવસની ઉજવણી કરવામાં આવે છે. મૂલતઃ આની પાછળ વેપારી દષ્ટિ કામ કરે છે. કાર્ડ અને ભેટ, ફૂલોના ગુલદસ્તા, માતાપિતા કે ભાઈબહેન સાથે ભોજન કરવામાં આવે છે. આ બધાની પાછળ કરોડો પાઉન્ડનો બિઝનેસ ચાલતો રહે છે. વિડંબના કેવી છે કે જે માતા કદી ભૂલાતી નથી તેને યાદ કરવા માટે પણ વિશેષ દિનની ઉજવણી કરવી પડે છે. જોકે, તદ્દન યાદ ન કરવા તેના બદલે એક દિવસ પણ યાદ કરવામાં આવે છે તે સારી વાત ગણાય. આપણે તેની પાછળની ભાવનાને બિરદાવવી જોઈએ. ઘણી વખત, આપણા કામકાજની વ્યસ્તતામાં આપણી સદૈવ ચિંતા કરનારી અને કાળજી રાખનારી માતાને આપણે ભૂલી જઈએ છીએ. આ ભૂલને વ્યક્ત કરવામાં અનુભવાતી શરમને કારણે પણ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે જેથી આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ.
