13 વર્ષનો યોગેશ પટેલ રિમેમ્બરન્સ ડેની સ્ટ્રીટ પરેડનો હિસ્સો બન્યો

- સુરેશ અને ભાવના પટેલ, માર્ખમ, કેનેડા Wednesday 23rd November 2022 08:56 EST
 
 

રવિવારે અમે બ્રિટન અને કેનેડામાં રિમેમ્બરન્સ ડે નિમિત્તે આયોજિત કરાયેલી સન્ડે સર્વિસિઝને ટેલિવિઝન પર નિહાળી. કેનેડામાં સોમવારની સવાર ઘણી ઠંડી હતી. વાદળછાયા વાતાવરણને કારણે થોડો ઉચાટ પણ હતો પરંતુ અમારી ભત્રીજી યોગિની પટેલે વોટ્સએપ પર મોકલેલી તેના 13 વર્ષીય દીકરા યોગેશ પટેલની તસવીરો અને વીડિયોએ અમારી સવારને ઉષ્માસભર બનાવી દીધી હતી. યોગેશ ફેબ્રુઆરી 2022માં રોયલ એરફોર્સ 1454 કેડેટ સ્ક્વોડ્રનમાં જોડાયો હતો અને લંડનમાં આયોજિત કરાયેલી રિમેમ્બરન્સ ડે સર્વિસમાં સેન્ટ એન શોપિંગ સેન્ટરથી હેરો સિવિક સેન્ટર સુધીની સ્ટ્રીટ પરેડમાં ભાગ લેવા તેની પસંદગી કરાઇ હતી.
આ પ્રસંગે હેરોના મેયર, હેરોના સાંસદ બોબ બ્લેકમેન, હેરો કાઉન્સિલના નેતા અને સાથી કાઉન્સિલરો, એરફોર્સ, નેવી અને આર્મીના સ્ક્વોડ્રન લીડરો, ખ્રિસ્તી, યહૂદી, મુસ્લિમ, હિન્દુ અને શિખ સમુદાયના આગેવાનો હાજર રહ્યાં હતાં. આપણે રાત્રે શાંતિથી સૂઇ શકીએ તે માટે દુશ્મનોથી આપણી લોકશાહી, સ્વતંત્રતા અને સરહદોની સુરક્ષા માટે 18થી 21 વર્ષના અસંખ્ય સૈનિકોએ વિશ્વયુદ્ધોમાં તેમના પ્રાણની આહૂતિ આપી તે સમજવાનો પ્રયાસ ત્રીજી પેઢીના ભારતીય મૂળના બ્રિટિશ યુવાનો કરી રહ્યાં છે તે જોઇને હું અભિભૂત થયો હતો. મને 10 વર્ષ પહેલાની વાત યાદ આવે છે. 11 નવેમ્બર 2012ના રોજ હું મારા 7 વર્ષના પૌત્ર જૈદન સાથે શ્રી વિષ્ણુ મંદિરની મુલાકાતે ગયો હતો. (શ્રી સી બી પટેલ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ સ્વીકારવા ટોરોન્ટો આવ્યા ત્યારે અમે આ મંદિરની મુલાકાત લીધી હતી) અહીં તે દિવસે દીવાળીનો પ્રારંભ થઇ રહ્યો હતો અને તે જ સમયે રિમેમ્બરન્સ ડેની સન્ડે સર્વિસનું આયોજન કરાયું હતું.
મંદિરમાં પવિત્ર સેવા ચાલી રહી હતી ત્યારે 11 કલાકે ડો. દૂબેએ આ સેવા અટકાવીને તમામ ભક્તોને ઊભા થઇ બે મિનિટનું મૌન પાળી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા જણાવ્યું હતું. ઘેર પાછા ફરતા સમયે અમને પાર્કિંગ લોટમાં કેટલાક કેનેડિયન સૈનિકો મળ્યા અને અમારી સાથે વાત કરી હતી. અમે તેમને જણાવ્યું હતું કે, રિમેમ્બરન્સ ડે અને દીવાળીના પર્વ વચ્ચે સામ્ય છે. બંને આસૂરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું પ્રતિક છે.


comments powered by Disqus