તાજેતરમાં દિલ્હીમાં લીવ ઇન રિલેશનશિપમાં રહેતા આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધા વોકરની જધન્ય હત્યા કરી તેના સમાચારોએ દેશભરમાં ઉગ્ર આક્રોશ સર્જ્યો છે. આફતાબ નિયમિત રીતે શ્રદ્ધા પર અત્યાચાર ગુજારતો અને અંતે તેની કરપીણ હત્યા કરી. આ તો થઇ એક અપરાધની વાત જે ક્યારેય માફ કરી શકાય નહીં પરંતુ એક સમાજ તરીકે આપણે શા માટે આ પ્રકારના અત્યાચાર અને કરૂણાંતિકામાં પરિણમતા સંબંધોને સહ્યાં કરીએ છીએ. લગ્નજીવન, લીવ ઇન રિલેશનશિપ કે પ્રેમ સંબંધમાં પુરુષ કે સ્ત્રી તરફથી થતા અત્યાચારને આપણે સામાન્ય ઘટના તરીકે સ્વીકારી લઇએ છીએ પરંતુ કેટલીકવાર આ પ્રકારના તણાવપૂર્ણ સંબંધો દિલ્હીની ઘટના જેવા ગંભીર પરિણામ પણ લાવી શકે છે. સૌથી પહેલાં તો આપણે સંબંધોમાં વ્યાપ્ત અત્યાચારોને સ્વીકૃતિ આપવાનું બંધ કરી દેવું જોઇએ. આ બાબતમાં પશ્ચિમના સમાજને આપણે ગમે તેટલો ભાંડીએ પરંતુ સંબંધોમાં અત્યાચારોને સ્થાન અપાતું નથી. કોઇ પાર્ટનર પોતાના સમકક્ષનો અત્યાચાર સહેતો નથી અને તેની સાથે છેડો ફાડી નાખે છે. આપણા ભારતીય સમાજમાં તેનાથી ઉલટી ગંગા વહે છે. સંબંધોમાં કોઇ મધુરતા ન હોવા છતાં તેને નિભાવ્યે રાખવામાં આવે છે. ઘરેલુ અત્યાચાર અને હિંસાએ જ શ્રદ્ધાનો ભોગ લીધો. આજે આપણી પાડોશમાં આ પ્રકારના ઘણા યુગલો કે દંપતીઓ જોવા મળે છે જે એકબીજા ઘરેલુ અત્યાચારો છતાં સંબંધોને ઘસડ્યે જાય છે. આફતાબ પૂનાવાલા દ્વારા થઇ રહેલા અત્યાચારોનો વિરોધ કરીને શ્રદ્ધાએ તેની સાથે છેડો ફાડી નાખ્યો હોત તો આજે કદાચ તે જીવંત હોત. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં દર 3માંથી એક એટલે કે 33 ટકા મહિલાઓ તેમના પાર્ટનરના શારીરિક અને માનસિક અત્યાચાર આજીવન સહન કરતી રહે છે. રિલેશનશિપમાં રહેલી 15થી 49ની વયજૂથની 27 ટકા મહિલાઓ તેમના પાર્ટનર દ્વારા કોઇને કોઇ પ્રકારના અત્યાચારનો ભોગ બનતી રહે છે. કેટલાક સંબંધોમાં પુરુષો પણ મહિલાના અત્યાચારનો ભોગ બને છે. આપણે સમાજ અને વ્યક્તિગત સ્તરે હવે આ પ્રકારની ઘરેલુ હિંસા અને અત્યાચારોને માન્યતા આપવાનું બંધ કરી દેવું જોઇએ. મૂંગે મોઢે અત્યાચારો સહન કરવાથી અત્યાચારીઓની હિંમત વધતી રહે છે અને કોઇકવાર આ પ્રકારના જધન્ય પરિણામનો સામનો કરવો પડે છે. ઘરેલુ હિંસા અને અત્યાચાર અટકાવવામાં માતા-પિતાએ પણ મહત્વની ભુમિકા ભજવવી પડશે. ભારતીય સમાજમાં હંમેશા દીકરીને સહન કરવા અને બલિદાનના પાઠ ભણાવવામાં આવે છે જેથી દીકરી સાસરેથી પિયરમાં પાછી ન આવી જાય. તેનું લગ્નજીવન સુખી રહે. ઘણા માતાપિતા પોતે દીકરીને આ પ્રકારના અત્યાચારો વેઠવાની ફરજ પાડતા હોય છે જેનો અંત આવવો જોઇએ. માતાપિતાએ પોતાની દીકરીઓને અત્યાચાર સામે બંડ પોકારતા શીખવવું જોઇએ. આજના આધુનિક જમાનામાં દીકરીઓ હવે પગભર હોય છે. પતિ અથવા લાઇફ પાર્ટનરના અત્યાચારો સહેવાની તેને કોઇ જરૂર નથી. માતાપિતાએ પોતાની દીકરીને આ પ્રકારના વિકૃત સંબંધોમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરવી જોઇએ નહીં કે તેને સંબંધ નિભાવવાની ફરજ પાડવી જોઇએ.
