ઇન્ડોનેશિયામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ 162નાં મોત, 700 કરતાં વધુ ઘાયલ, 31 લાપતા

Wednesday 23rd November 2022 07:15 EST
 
 

જકાર્તા: ઇન્ડોનેશિયામાં ભૂકંપરૂપે ત્રાટકેલી કુદરતી આપદાએ મોટી હોનારત સર્જી છે. ઇન્ડોનેશિયામાં 5.6ની તીવ્રતાથી આવેલા ભૂકંપમાં 162થી વધુ લોકોનાં મોતની પુષ્ટિ મળી ચૂકી છે, જેમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ સિવાય હજારો લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી અનેક લોકોની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું. ઇન્ડોનેશિયાની આ તારાજી બાદ બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનાકે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

ઇન્ડોનેશિયાના આ ભૂકંપમાં અસંખ્ય મકાનોને મોટું નુકસાન થયું. સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાના પગલે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભૂકંપના કારણે સેંકડો ઇમારતોમાં નુકસાન થયું હતું અને તિરાડો પડી ગઈ હતી, તો અસંખ્ય ઇમારતોના કાટમાળમાંથી લોકોને બચાવવામાં આવ્યા હતા અને ઊભા કરવામાં આવેલા હંગામી આશ્રયસ્થાનોમાં ખસેડાયા હતા. તીવ્ર ભૂકંપ બાદ લોકોમાં આફ્ટર શોકનો ભય જોવા મળ્યો હતો, જેથી લોકોએ ઘરમાં જવાનું ટાળ્યું હતું અને બહાર જ કલાકો વીતાવ્યા હતા.

ઇન્ડોનેશિયાના આ ભૂકંપનું એપિ સેન્ટર જાવાના સિયાનજુરમાં જમીનમાં 10 કિલોમીટર ઊંડાણમાં નોંધાયું હતું. રિક્ટર સ્કેલમાં જોઈએ તો તેની તીવ્રતા 5.6 નોંધાઈ હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના કહેવા પ્રમાણે રાહત અને બચાવ કામગીરીનો આરંભ કરી દેવાયો છે. મૃત્યુઆંક વધે એવી દહેશત છે. કેટલાંક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ નોંધાઈ છે. ઘણી હોસ્પિટલો, ઘણી ધાર્મિક ઈમારતોમાં તિરાડો પડી ગઈ હતી.

સોશિયલ મીડિયામાં ભૂકંપની તસવીરો અને વીડિયો શેર થયા હતા. તસવીરો અને વીડિયો પરથી જણાયું હતું કે અસંખ્ય ઇમારતો ધસી પડી હતી. લગભગ બે-અઢી મિનિટ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મિનિટો સુધી ઈમારતો હલી રહી હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, 27 કરોડની વસ્તી ધરાવતા ઇન્ડોનેશિયામાં અવારનવાર ભૂકંપ ત્રાટકે છે. ઇન્ડોનેશિયાના પેટાળમાં જ્વાળામુખીઓની રિંગ હોવાથી આ વિસ્તારમાં સૌથી વધુ ભૂકંપ ત્રાટકવાની શક્યતા છે. રિંગ ઓફ ફાયર તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા ઇન્ડોનેશિયામાં હજુ તો ફેબ્રુઆરીમાં જ 6.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો હતો, જેમાં 25નાં મોત થયાં હતાં અને અસંખ્ય ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું. 2021માં જાન્યુઆરીમાં 6.2ની જ તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો, જેમાં 100 લોકોનાં મોત થયાં હતાં અને 6200ને ઈજા થઈ હતી. 2004માં પણ ભૂકંપ અને સુનામીના કારણે ઇન્ડોનેશિયા સહિતના દેશોમાં તારાજી સર્જાઈ હતી.


comments powered by Disqus