નવી દિલ્હીઃ આતંકવાદને ખુલ્લેઆમ સમર્થન આપનારા ઝાકિર નાઇકને કતારે પોતાના દેશમાં યોજાનારા ફિફા વર્લ્ડકપમાં મહેમાન તરીકે આમંત્રિત કર્યો છે. ખાસ વાત એ છે કે કતાર સરકાર દ્વારા સત્તાવાર રીતે ઝાકિર નાઇકને આ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે અને તે સમગ્ર ટૂર્નામેન્ટમાં ખેલાડીઓને ધર્મ ઉપદેશ આપશે. ઝાકિર નાઇક પર ભારત સહિતના કેટલાક દેશો દ્વારા પ્રતિબંધ મૂકીને કાર્યવાહી કરાઈ રહી છે. તેના સંગઠન દ્વારા મની લોન્ડરિંગથી આતંકીઓને મદદ મળી રહી હોવાનું પણ સામે આવી ચૂક્યું છે.
કેટલાક દેશોમાં ઝડપાયેલા આતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, તેઓ ઝાકિર નાઇકના વીડિયો જોઈને પ્રભાવિત થયા હતા અને તેની પ્રેરણાથી આતંકી બનીને હુમલા કર્યા હતા. પોતાને ઇસ્લામિક સ્કોલર ગણાવનારો ઝાકિર નાઇક મૂળ કટ્ટરવાદ અને આતંકવાદ ફેલાવવામાં મદદ કરી રહ્યો છે. તે અગાઉ ખુલ્લેઆમ ઓસામા બિન લાદેનને સમર્થન આપી ચૂક્યો છે અને કહી ચૂક્યો છે કે હું ઓસામાની સાથે છું. એવામાં હવે ઝાકિર નાઇક જેવા આતંકવાદ સમર્થકને આમંત્રણ આપીને કતારે ફિફા વર્લ્ડકપને વિવાદિત બનાવી દીધો છે.

