17 નવેમ્બરના ગુરુવારે ચાન્સેલર જેરેમી હન્ટ દ્વારા રજૂ કરાયેલું ઓટોમન સ્ટેટમેન્ટ રિશી સુનાક સરકારની આર્થિક અને રાજકીય નીતિઓનો સૌપ્રથમવાર ચિતાર આપી રહ્યું છે. બ્રિટિશ અર્થતંત્રની ગાડીને પાટા પર ચડાવવા માટે હન્ટ અને સુનાક દ્વારા રજૂ કરાયેલી રૂપરેખા કેટલી કારગર નીવડશે તે તો સમય જ દર્શાવશે પરંતુ સાથેસાથે આ આર્થિક નીતિ કન્ઝર્વેટિવ પાર્ટીને આગામી સંસદની ચૂંટણીમાં રાજકીય મોરચે કેટલી સફળતા અપાવશે તે પણ જોવાનું રહ્યું. જેરેમી હન્ટ દ્વારા રજૂ કરાયેલી આર્થિક રૂપરેખા વડાપ્રધાન રિશી સુનાક દેશને કઇ દિશામાં દોરી જવા માગે છે તેના સ્પષ્ટ અને મહત્વના સંકેતો આપે છે તો સાથેસાથે ટોરી પાર્ટીના આંતરિક રાજકારણ અને મતબેંકલક્ષી રાજકારણના સંદર્ભમાં સુનાક સરકાર પર રાજકીય અને આર્થિક જોખમો પણ સર્જી રહ્યું છે. આ બજેટ રિશી સુનાકની સરકાર સામે રહેલા આર્થિક અને રાજકીય પડકારો ઉજાગર કરે છે. બ્રિટન આર્થિક મંદીમાં સપડાઇ રહ્યો છે. આગામી બે વર્ષમાં નાગરિકોની સરેરાશ આવકમાં 7 ટકાનો ઘટાડો થતાં નાગરિકોના જીવનધોરણ તળિયે પહોંચી જશે. બ્રિટનનું અર્થતંત્ર કાળઝાળ મોંઘવારીના ખપ્પરમાં હોમાઇ રહ્યું છે ત્યારે એકતરફ સુનાક સરકારે આંતરરાષ્ટ્રીય બજારોનો વિશ્વાસ અર્થતંત્રમાં ટકાવી રાખવાનો છે તો બીજીતરફ મોંઘવારીનો સામનો કરી રહેલા મતદારોનું ટોરી પાર્ટીના પક્ષમાં સમર્થન પણ જાળવી રાખવાનું છે.
સુનાક અને હન્ટે બજારો અને મતદારોને શું સ્વીકાર્ય રહેશે તેની વચ્ચે નાજૂક સંતુલન સાધવાનો પ્રયાસ કરતાં કરવેરામાં વધારો કરીને દેશની તિજોરીને થઇ રહેલા નુકસાનનો ખાડો પૂરવાની નીતિ અપનાવી છે. બંનેએ એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે વધેલા કરબોજ તળે દેશનો ગરીબ અને નબળો વર્ગ કચડાઇ ન જાય. રિશી સુનાકે જ્હોન્સનની રાજકીય નીતિઓ જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે પરંતુ કરવેરામાં વધારાથી અસરગ્રસ્ત મતદારો ટોરી પાર્ટીથી વિમુખ થઇ જવાનું જોખમ રહેલું છે. ટોરી પાર્ટીમાં સુનાકની નીતિઓના વિરોધીઓ પણ મુશ્કેલી વધારી શકે છે. સંખ્યાબંધ ટોરી સાંસદો દ્વારા કરવેરામાં કરાયેલા વધારા અને સરકારી ખર્ચમાં મૂકાયેલા કાપનો વિરોધ શરૂ થઇ ચૂક્યો છે. આવી સ્થિતિમાં સુનાક સામે સૌથી મોટો પડકાર તેમની સરકારની નીતિઓને મતદારોમાં સ્વીકૃત બનાવવાનો છે. તે ઉપરાંત તેમણે લિઝ ટ્રસ, બોરિસ જ્હોન્સનના સમર્થક એવા ટોરી નેતાઓને પણ પોતાની નીતિઓની તરફેણમાં કરવા ભારે મહેનત કરવી પડશે.
આવા સંજોગોમાં આર્થિક મોરચે રૂઢિવાદી વલણ અને પ્રતિબદ્ધતા ઘણી ઓછી રાજકીય તકો આપે છે. તેના કારણે રિશી સુનાક પાસે કન્ઝર્વેટિવ પાર્ટીને એકજૂથ કરવા અને આગામી ચૂંટણીમાં પાર્ટીને વિજેતા બનાવવા માટે મતદારોમાં વિશ્વાસનું વાતાવરણ સર્જવાના ઘણા ટાંચા સાધનો ઉપલબ્ધ છે. સમય જ બતાવશે કે ઓટોમન સ્ટેટમેન્ટ રિશી સુનાકને આર્થિક અને રાજકીય મોરચે સફળતા અપાવશે કે કેમ.
