ભારતની 7500 કિલોમીટરની કોસ્ટલાઈનમાંથી 1600 કિ.મી.નો સમુદ્રીતટ ધરાવતું ગુજરાત વિશ્વસ્તરે ડ્રગ્સની હેરાફેરી માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ બની રહ્યું છે. મુંદ્રા પોર્ટ પરથી 3000 કિલો ડ્રગ્સ પકડાયું અને તાજેતરમાં અમદાવાદ, વડાદરા અને ભરુચ સહિતના સ્થળોએ દરોડામાં હજારો કરોડ રુપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરાયું છે તે આ મુદ્દો સાબિત કરે છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે મ્યાંમાર સહિતના શાસકો અને અન્ય સરમુખત્યારો આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓની જાળમાં ફસાયેલા છે.
ભારતીય જેલોમાં નશીલા પદાર્થોના વ્યાપારિક અપરાધીઓની સંખ્યા વધતી જાય છે. વર્ષો સુધી ભારતીય સાગર કિનારે થતી શસ્ત્રો અને નશીલા પદાર્થોની હેરાફેરી પછી ફરી ભૌગોલિક સરહદેથી હેરાફેરી શરૂ થઈ છે. અફઘાનિસ્તાનથી મ્યાનમાર સુધી નશીલા દ્રવ્યોનો એક અદ્રશ્ય ઈન્ટરનેશનલ સુપર હાઈવે તૈયાર થઈ ગયો છે. અફઘાનિસ્તાનમાં હવે તો તાલિબાન શાસન હેઠળ અફીણની ખેતી ફરી શરૂ થઈ છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર સરહદે આતંકવાદીઓને ઘુસણખોરી કરાવવા માટે નક્કી કરેલા માર્ગોનો ઉપયોગ હવે નશીલા દ્રવ્યો મોકલવા માટે થઈ રહ્યો છે. કાશ્મીર સરહદેથી આવતા માદક દ્રવ્યો પંજાબ ઉપરાંત, પૂર્વ ભારતના રાજ્યો તથા નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી પહોંચે છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના આતંકવાદીઓનો એક કોમન નાણાં પ્રવાહ માદક પદાર્થોમાંથી આવે છે.
ભારતીય અને ખાસ કરીને મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ડ્રગ્સના સેવન અને કનેક્શનની વાત હવે નવીનવાઈની રહી નથી. ચિંતાનો વિષય એ છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહિ પરંતુ, જેમની પાસે પુષ્કળ પૈસો છે એવા યુવાનોમાં ડ્રગ્સની લત વ્યાપક બનતી જાય છે. મોટાં શહેરોમાં ડ્રગ્સ, શરાબ અને શબાબની રેલમછેલ, ડાન્સ પાર્ટીઝનું દૂષણ બહુ વ્યાપક છે. યુવાનો થોડી મિનિટોની મજા માટે ડ્રગ્સના રવાડે ચડીને જીંદગી બરબાદ કરે એ દેશના હિતમાં નથી જ. ડ્રગ્સના દૂષણને ડામવા ડ્રગ્સ યુવાનો સુધી પહોંચે જ નહિ એવો જડબેસલાક બંદોબસ્ત કરવો જ પડે. પંજાબની યુવા પેઢી તો નશામાં અસ્તિત્વનો ઘોર સંઘર્ષ લડી રહી છે અને ગુજરાતની આવી અવદશા ન થાય તે માટે સાવચેત રહેવું પડશે.
