દુકાળ મધ્યે લીકેજના કારણે રોજના 3 બિલિયન લીટર પાણીનો વેડફાટ

વોટર કંપનીઓની આડોડાઇ – એક તરફ કરોડો લોકો પર હોસપાઇપ બાન બીજીતરફ પાઇપ લીકેજ બંધ કરવામાં સંપુર્ણ નિષ્ફળતા

Wednesday 24th August 2022 05:39 EDT
 
 

લંડન

બ્રિટનમાં એકતરફ દુકાળની સ્થિતિને પગલે કરોડો લોકો પર હોસપાઇપ બાન લાદી દેવાયો છે ત્યારે વોટર કંપનીઓની પાઇપોમાંથી લીક થઇને વહેતું પાણી ગુનાહિત વેડફાટ બની રહ્યો છે. વોટર કંપનીઓ લીકેજ અટકાવવા અને પાણીના ઘરેલુ ઉપયોગમાં કાપ મૂકવાના પોતાના જ લક્ષ્યાંકો હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે. બ્રિટનમાં વોટર કંપનીઓની ફોલ્ટી મેઇન વોટર પાઇપોમાંથી પ્રતિ દિવસ 3 બિલિયન લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. જે બ્રિટનના કુલ સરેરાશ દૈનિક પાણીના વપરાશના 30 ટકા થવા જાય છે. પાણીના બિનજરૂરી બગાડને અટકાવવા માટે ઓફવોટ દ્વારા રેગ્યુલેટેડ ઇંગ્લેન્ડ અને વેલ્સની 17 મોટી વોટર કંપનીઓમાંથી ફક્ત એક કંપની વર્ષ 2021-22માં પ્રતિ ગ્રાહક પાણીનો વપરાશ 142 લીટર પ્રતિ દિવસનો લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળ રહી હતી. કંપનીએ સ્માર્ટ મીટર લગાવી, પાઇપોમાં લીકેજ અટકાવી અને ગ્રાહકોને પાણીનો બચાવ કરવામાં જાગૃત કરીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. થેમ્સ વોટરે સ્વીકાર્યું છે કે લીકેજના કારણે રોજના 635 મિલિયન લીટર પાણીનો બગાડ થાય છે જે તેના ડેઇલી સપ્લાયના 23 ટકા છે.

નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમિશનના અધ્યક્ષ સર જ્હોન આર્મિટ્ટે જણાવ્યું છે કે અસરકારક પગલાં લેવામાં આવે તો વર્ષ 2050 સુધીમાં રોજના 1.4 બિલિયન લીટર પાણી વેડફાતુ અટકાવી શકાય. પાઇપોમાં થતા લીકેજ અટકાવી, નવા સપ્લાય માળખા વિકસાવી અને ઝડપથી સ્માર્ટ મીટર મૂકીને દુકાળના જોખમો ઘટાડી શકાય છે. 2050 સુધીમા પ્રતિ વ્યક્તિ પ્રતિ દિન 110 લીટર પાણીના વપરાશનો ટાર્ગેટ સરકારે રાખ્યો છે પરતુ હાલની નીતિઓને જોતા આ ટાર્ગેટ અસભવિત લાગે છે.

ફ્રેન્ડ્સ ઓફ ધ અર્થના કેમ્પેનર પોલ દ ઝિલ્વા કહે છે કે વોટર કપનીઓએ ઘણે મોડે મોડે હોસપાઇપ બાન લાદ્યો છે પરંતુ તે અપુરતો છે. લિબરલ ડેમોક્રેટના નેતા એડ ડેવી કહે છે કે થેમ્સ વોટર કપનીની પાઇપોમાથી થતુ લીકેજ 25 ટકા પાણીને વેડફી નાખે છે. સરકારે નદીઓને પ્રદૂષિત થતી અટકાવવા માટે સૂએજ ટેક્સ લાદવો જોઇએ.

ગ્રીન પાર્ટીના નેતા કાર્લા ડેનયરે જણાવ્યું હતું કે, પાણીનું લીકેજ અટકાવવાના લક્ષ્યાકો હાંસલ કરવામાં મોટાભાગની કંપનીઓ નિષ્ફળ ગઇ છે જે દર્શાવે છે કે વોટર કપનીઓ જનતાને યોગ્ય સેવા આપવાને બદલે તેમના નફાને વધુ પ્રાથમિકતા આપી રહી છે. પાણીના વિતરણનુ ખાનગીકરણ કરવાની સરકારની નીતિ નિષ્ફળ ગઇ છે. પાણીના વિતરણની કામગીરી સરકારે ફરી પોતાના હાથમાં લેવી જોઇએ. વોટર કંપનીઓ શેરહોલ્ડરોના નહીં પરંતુ જનતાના લાભ માટે ચલાવવી જોઇએ.

 પાણીના લીકેજ માટે વોટર કંપનીઓને આડે હાથ લેવાશે – રિશિ સુનાક

દેશમાં પ્રવર્તતી દુકાળની સ્થિતિ પર રિશિ સુનાકે જણાવ્યું હતું કે, પાણીની પાઇપોનું લીકેજ સ્વીકાર્ય નથી અને તે માટે વોટર કંપનીઓને આડે હાથ લેવાશે. જો હું વડાપ્રધાન બનીશ તો વોટર કંપનીઓ સામે આકરા પગલાં હાથ ધરીશ.

 વોટર કંપનીઓ લીકેજ અટકાવી પાણીનો બગાડ રોકે – લિઝ ટ્રસ

દેશમાં દુકાળની સ્થિતિ પર લિઝ ટ્રસ દ્વારા કોઇ ચોક્કસ યોજના જાહેર કરાઇ નથી પરંતુ તેમના કેમ્પેનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વોટર કંપનીઓ પાણીનું લીકેજ અટકાવી બગાડ રોકે તે અત્યંત આવશ્યક બની ગયું છે.

 લીકેજ ન અટકાવે તો વોટર કંપનીઓના બોસના બોનસ અટકાવવા માગ

વિપક્ષના સાંસદોએ માગ કરી છે કે વોટર કંપનીઓ પાણીના લીકેજને ન અટકાવે તો તેમના વડાઓના નવા બોનસ પર રોક લગાવી દેવામાં આવે. વોટર કંપનીઓના વડાઓને છેલ્લા બે વર્ષમાં 27 મિલિયન પાઉન્ડ જેટલું બોનસ અપાયું છે પરંતુ તેઓ પાણીની ગુણવત્તા અને લીકેજ અટકાવવામાં નિષ્ફળ રહ્યાં છે. દેશમાં લીકેજના કારણે રોજના 2.4 બિલિયન લીટર પાણીનો બગાડ થઇ રહ્યો છે. લિબરલ ડેમોક્રેટના ટોમ ફેરોને જણાવ્યું હતું કે, કરોડો લોકો હોસપાઇપ બાનનો સામનો કરી રહ્યાં છે ત્યારે વોટર કંપનીના એક્ઝિક્યુટિવો લીકેજ બંધ કરવાને બદલે પોતાને તગડા બોનસથી પુરસ્કૃત કરી રહ્યાં છે. શું તેઓ આ પ્રકારના બોનસને લાયક છે?

હોસપાઇપ બાનથી કરોડો પરિવાર અસરગ્રસ્ત

-     29 જુલાઇથી મેન્ક્સ વોટરે આઇલ ઓફ મેઇનમાં પ્રતિબંધ મૂક્યો

-     5 ઓગસ્ટથી સધર્ન વોટરે હેમ્પશાયર અને આઇલ ઓફ વીટમાં પ્રતિબંધ મૂક્યો

-     12 ઓગસ્ટથી સાઉથઇસ્ટ વોટરે કેન્ટ અને સસેક્સમાં પ્રતિબંધ મૂક્યો

-     19 ઓગસ્ટથી વેલ્શ વોટરે પેમબ્રોકશાયર અને કાર્માર્ધેનશાયરમાં પ્રતિબંધ મૂક્યો

-     23 ઓગસ્ટથી સાઉથવેસ્ટ વોટરે કોર્નવોલ અને ડિવોનમાં પ્રતિબંધ મૂક્યો

-     26 ઓગસ્ટથી યોર્કશાયર વોટરે પ્રતિબંધ મૂક્યો

-     24 ઓગસ્ટથી થેમ્સ વોટરે 24 મિલિયન ગ્રાહકો પર પ્રતિબંધ મૂકયો


    comments powered by Disqus