નવનાત વડિલ મંડળે ભારતનો ૭૫મો આઝાદી દિન નવનાત સેન્ટરમાં ઉજવી સમગ્ર માહોલ ત્રિરંગી બનાવી દીધો. લગભગ ૩૫૦ વડિલોએ ભાગ લઇ કેસરી, સફેદ અને લીલા રંગના વસ્ત્રો પરિધાન કરી હાથમાં ત્રિરંગા સાથે વર્તુળાકારે "દેશ મેરા રંગીલા...રંગીલા"ના ગાનથી હોલ ગજવી દીધો. મરીનાબહેનના સૂરીલા કંઠે રાષ્ટ્રીય ગીતોની રમઝટ જામી. વડિલ મંડળના પ્રેસિડેન્ટ શ્રી નલિનભાઇ ઉદાણીએ સૌનું સ્વાગત કર્યા બાદ બ્રિટિશ નેશનલ એન્થમના ગીતથી કાર્યક્રમનો પ્રારંભ કર્યો. આ કાર્યક્રમ ડો.સુરેશભાઇ પરીખે એમનાં ધર્મપત્નીના સ્મરણાર્થે સ્પોન્સર કરી રાષ્ટ્રપ્રેમની ઝાંખી કરાવી. વડિલો નિયમિત દર શુક્રવારે હોલમાં ભેગાં મળી અવનવા કાર્યક્રમોના આયોજન કરી જીવનને પ્રફુલ્લિત બનાવી રહ્યાં છે.

