ફુગાવો વધવાની ચિંતાજનક આગાહીઓ

Wednesday 24th August 2022 06:08 EDT
 

કોરોના મહામારીએ વિશ્વના અર્થતંત્રોની કમર તોડી નાખ્યાના બે વર્ષ પછી પણ પૂરતો સુધારો જોવા મળ્યો નથી. મોટા ભાગના દેશોની પ્રજા કમરતોડ મોંઘવારીથી પીડાઈ રહી છે અને તેમાંથી રાહત મળે તેવા અણસાર નથી. યુએસ હોય કે યુકે અથવા યુરોપીય દેશો કે ભારત, બધા જ ફુગાવાની પકડમાં જકડાયેલા છે. એક તરફ, ક્લાઈમેટ ચેન્જની અસર હેઠળ કુદરત રુઠી છે તો બીજી તરફ, યુક્રેનયુદ્ધ જેવા માનવસર્જિત પરિમાણોએ અન્ન અને ઊર્જાસંકટ પેદા કર્યું છે જેની અસરરુપે અનાજ સહિતના ઉત્પાદનોના ભાવ સતત આસમાને જઈ રહ્યા છે અને પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. ભારતીય અર્થતંત્રની વાત કરીએ તો મોંધવારી અસહ્ય હોવાં છતાં, ફુગાવામાં રાહત મળી છે. જૂન મહિનામાં રીટેઈલ ફુગાવો 7.01 ટકા હતો તે જુલાઈમાં ઘટીને 6.71 ટકા થયો છે. ગત પાંચ મહિનામાં આ સૌથી નીચી સપાટીએ હોવાં છતાં રિઝર્વ બેન્કના 6 ટકાના અપેક્ષિત દર કરતાં વધારે જ છે. ભારતીય નિકાસો વધવાની સામે આયાતમાં પણ ભારે વધારો થયો હોવાથી વેપારખાધ પણ વધી છે.
યુકેમાં જીવનનિર્વાહની વર્તમાન કટોકટીમાં આટલું અધુરું હોય તેમ યુએસના પ્રતિષ્ઠિત ફાઈનાન્સિયલ સર્વિસીસ ગ્રૂપ અને બેન્ક સિટી દ્વારા આગાહી કરવામાં આવી છે કે વર્ષ 2023ના પૂર્વાર્ધ એટલે કે પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ યુકેમાં ફુગાવો- ગ્રાહક ભાવાંક વધીને 18 ટકાના આંકડે અને રીટેઈલ પ્રાઈસીસ ઈન્ડેક્સનો ફુગાવો 21 ટકાએ પહોંચી જશે. ગેસ અને ઈલેક્ટ્રિસિટીની કિંમતોમાં અનુક્રમે 25 ટકા અને 7 ટકાનો ઉછાળો આવ્યાના પગલે સિટી બેન્ક દ્વારા આગાહીમાં કરાયેલું અપડેશન ખરેખર ચિંતાજનક છે. જુલાઈ મહિનામાં ફુગાવાનો દર 40 વર્ષમાં પ્રથમ વખત બે આંકડે એટલે કે 10.1 ટકાએ પહોંચ્યો છે જે યુકેના રાજકારણીઓના અંદાજ કરતા પણ વધુ ઝડપથી વધ્યો છે.
ફ્યૂલ અને અનાજની વધતી જતી કિંમતોની અસરના સંદર્ભે ફુગાવા સંબંધિત અન્ય આગાહીઓ કરતાં સિટી બેન્કની આગાહી નોંધપાત્રપણે ઉંચી છે. ઓગસ્ટની શરૂઆતમાં જ બેન્ક ઓફ ઈંગ્લેન્ડે આ વર્ષના અંત સુધીમાં ફુગાવો 13 ટકાએ પહોંચવાનો અંદાજ જાહેર કર્યો હતો જ્યારે થિન્ક ટેન્ક રેઝોલ્યુશન ફાઉન્ડેશને 2023ની શરૂઆતમાં ફુગાવો 15 ટકાએ પહોંચી જવાની આગાહી કરી છે. ઈતિહાસ તરફ નજર નાખીએ તો યુકેમાં 1976ના વર્ષમાં ઈન્ફ્લેશન- ફુગાવો 18 ટકાએ પહોંચ્યો હતો. આ વખતે ઓઈલ પુરવઠાની કટોકટીએ વૈશ્વિક અર્થતંત્રને ખોરવી નાખ્યું હતું અને યુકેએ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી નાણાસહાય - બેઈલઆઉટ માટે હાથ લંબાવવાની ફરજ પડી હતી.
દરરોજ નવા સર્વે જાહેર થાય છે જેમાં એનર્જીની કિંમતો અપેક્ષા કરતાં વધુ ઊંચે જશે અને તેની સાથોસાથ ફુગાવો પણ વધશે તેવી ચેતવણીઓ મળતી રહે છે. યુએસ સિટી બેન્કે વધુ ચિંતા ઉપજાવે તેવી આગાહી એ પણ કરી છે કે ફ્યૂલ પ્રાઈસ મર્યાદા વધીને જાન્યુઆરીમાં 4,567 પાઉન્ડ અને એપ્રિલમાં 5,816 પાઉન્ડ થઈ જશે. યુક્રેન પર રશિયાના આક્રમણના પરિણામે યુરોપને રશિયન ગેસના સપ્લાય પર રોક લાગી ગઈ છે. આ સંજોગોમાં સરકાર VATમાં કાપ અને ગ્રીન લેવી સહિત જે રાહત આપશે તે પણ ચણામમરા સમાન જણાશે તેમાં કોઈ શંકા નથી. યુકેમાં બેકરી પ્રોડક્ટ્સ, ડેરી, મીટ, શાકભાજીના ભાવ ઉંચકાયા છે. આ ઉપરાંત પેટ ફૂડ, ટોઈલેટ રોલ, ટૂથબ્રશ, ડિઓડરન્ટના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. શિયાળામાં ગેસ અને ઈલેક્ટ્રિસિટીની તંગી ઉપરાંત, આગામી મહિનાઓમાં લોકોએ જે ભાવવધારાનો સમાનો કરવાનો આવશે તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી.
યુકેના રાજકીય પક્ષો પોતાની થિઅરીઓ તેમજ આક્ષેપ-પ્રતિઆક્ષેપના જંગને આગળ વધારી રહ્યા છે. લેબર પાર્ટીનો આક્ષેપ છે કે ઈન્ફ્લેશન વૈશ્વિક સમસ્યા છે પરંતુ, શાસક પક્ષના ગેરવહીવટના કારણે અન્ય દેશોની સરખામણીએ યુકેમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદની ચૂંટણીના બે ઉમેદવાર લિઝ ટ્રસ અને રિશિ સુનાક પણ આમાંથી બાકાત નથી. ટ્રસની યોજના ટેક્સમાં કાપ મૂકી લોકોને રાહત આપવાની છે પરંતુ, તેમાં પણ ફુગાવો વધવાનું જોખમ રહેલું છે તેવો દાવો નિષ્ણાતો કરી રહ્યા છે. સુનાક કહે છે કે ઈન્ફ્લેશન પર કાબુ મેળવ્યા પછી જ ટેક્સમાં રાહત આપવી શક્ય બનશે. 5 સપ્ટેમ્બરે દેશના વડા પ્રધાન કોણ હશે તે જાહેર થઈ જશે અને આર્થિક નિર્ણયો લેવાશે પરંતુ, ત્યાં સુધીમાં અર્થતંત્ર અને દેશની જનતા કેટલા આંચકા સહન કરી શકશે તે યક્ષપ્રશ્ન છે.


comments powered by Disqus