યોગ, કન્યા કેળવણી અને સંસ્કારનો ત્રિવેણી સંગમ કરી સ્વ વિકાસ સાથે સર્વના વિકાસમાં પ્રવૃત્ત કમુબહેન પલાણ

- જ્યોત્સના શાહ Wednesday 24th August 2022 07:47 EDT
 
 

યુ.કે.ની અગ્રગણ્ય ટ્રાવેલ કંપનીઓમાંની એક તે ગોલ્ડન ટૂર્સ. એના સહ-સ્થાપક અને ચીફ ફાયનાન્સીયલ ઓફિસર કમુબહેન પલાણ એમના પતિશ્રી શ્રી નિતિનભાઇ પલાણ MBEસાથે મળી આ કંપનીનું સુકાન સંભાળી રહ્યાં છે. હવે તો એમનો દિકરો મીકેશ પણ કંપનીનું ડાયરેક્ટર પદ શોભાવે છે. યુ.કે. અને ભારત સહિત એમની કંપનીમાં ૨૦૦ જેટલા કર્મચારીઓ કામ કરે છે. લંડનના હાર્દ સમા વિસ્તારમાં એમની ઓફિસ આવેલ છે. એમની કંપનીની બ્લ્યુ ટૂરીસ્ટ બસો પ્રવાસીઓને લંડનના જોવાલાયક સ્થળોની સૈર કરાવે છે. આવી સરસ આર્થિક સધ્ધરતા હોય તો માનવી ગુમાનમાં ફરે. પરંતુ દંભ, આડંબરને કોરાણે મૂકી દેશ-વિદેશમાં વસતાં જરૂરતમંદ માનવીઓના જીવનમાં અને ખાસ કરીને શિક્ષણથી વંચિત દિકરીઓને શિક્ષણ પૂરૂં પાડવામાં તેમજ દીન-દુ:ખિયાના દર્દને વાંચી એ દૂર કરવામાં પોતાના સમયનું દાન કરવામાં કમુ બહેન પ્રવૃત્ત છે. કમુ બહેન સ્વભાવે સરળ અને ધર્મપ્રેમી છે.
વ્યવસાયિક વ્યસ્તતા હોય તો સમાજના સુખનો વિચાર કરવાનો સમય ક્યાંથી કાઢવો એમ થાય! પરંતુ કમુબહેનના કેન્દ્રસ્થાને સમાજ સુખ છે. જન સમૂહની સુખાકારીના એ ચળવળકારી છે. ખાસ કરીને તન-મનની તંદુરસ્તી જાળવવામાં યોગની મહત્તા સમજી યોગ શિક્ષણના લાભાલાભનો સંદેશ સમાજમાં પ્રસરાવવામાં એ કાર્યરત રહે છે. તેઓ એક ક્વોલીફાઇડ યોગ શિક્ષિકા છે.
યોગ એ કમુબહેનનો પ્રિય વિષય છે. એ માટે એમની લગન છે. તેઓ, યોગ એ સ્ટ્રેચીંગ એક્સરસાઇઝ કે જુદા જુદા પોઝ કરી આકર્ષવાની એક કલા હોવાની સામાન્ય માન્યતાને રદિયો આપતાં જણાવે છે કે, હકીકતમાં અલગ-અલગ પ્રકારના યોગ વ્યક્તિ કે સમૂહની ઉમર અને પરિસ્થિતિને લક્ષમાં લઇ કરવાના હોય છે. વિવિધ મુદ્રાઓ, ચક્રો, શ્વાસોશ્વાસની પ્રક્રિયા, આરોગ્ય માટે કયા ભોજન ખાવા વગેરે વિવિધ સલાહ કમુબહેન આપે છે. યોગ એ માત્ર શારીરિક કસરત જ નથી પરંતુ અંતરના આનંદની એક સરસ અનુભૂતિ થાય છે એમ તેઓ દ્રઢપણે માને છે. યોગની જો સાચી પધ્ધતિ ના અપનાવાય તો એના ફાયદા કરતા ગેરફાયદા થવાની સંભાવના વધુ રહે છે.
તેઓ સોમથી શુક્ર દરરોજ સવારના ૭.૩૦ થી ૮.૩૦ યોગના ઝૂમ વર્ગો ચલાવે છે. એ જોઇ આપની વ્યક્તિગત કે સામૂહિક જરૂરિયાત મુજબ જે તે કલાસમાં જોડાઇ શકાય યા અલગ જૂથ કરી બીજા અનુકૂળ સમયે કરવા હોય તો એ માટે પણ કમુબહેન બાંધછોડ કરવા તૈયાર છે. વધુ માહિતી માટે સંપર્ક સાધો: 07956 377 852
માત્ર કમાણી કરી આર્થિક નફો મેળવી ભૌતિક સુખમાં રાચવાને બદલે અન્યોના સુખની સદા ખેવના રાખે છે. પોતાની શારીરિક અને આધ્યાત્મિક સુખાકારી સાથે જ બીજાને પણ એનો લાભ મળે એ માટે યોગના વર્ગો ચલાવે છે.
ઇસ્ટ આફ્રિકાના ટાન્ઝાનીયાના મ્વાન્ઝા ગામમાં એમનો જન્મ. વ્યવસાયે એકાઉન્ટન્ટ. ગોલ્ડન ટૂર્સની વહિવટીય જવાબદારી નિભાવવા સાથે જ પોતાનો સારો એવો સમય ભારતના ગરીબાઇમાં સપડાયેલા દીનજનોની સેવા કરવામાં ફાળવે છે. પલાણ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ ગરીબ કન્યાઓને શિક્ષણની સુવિધા મળે, આત્મનિર્ભર બને એ અંગેની તકો પૂરી પાડવા સાથે મેડીકલ સાધનો પહોંચાડવાનું સ્તુત્ય કાર્ય કરે છે. ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના જતન - સંવર્ધન અને પુષ્ટિ માટેની એમની સજ્જતા દાદ માગે તેવી છે. યુ.કે. અને ભારતીય ઉપખંડના અવારનવાર પ્રવાસ કરી પરોપકારના લક્ષ્યાંકની પૂર્તિ માટે મોટું દાન ફાળવી શિક્ષણની જ્યોત જગાવી રહ્યાં છે.
પલાણ દંપતિ સમાજનું ઋણ અદા કરવામાં પોતાના જીવનની સાર્થકતા માને છે. એમને બે સંતાનો છે. દિકરો મીકેશ અને દિકરી મિલી. પલાણ પરિવાર પોતાના વિશાળ વ્યવસાય સહ પરોપકારની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત છે. ધન્ય છે આવા પરિવારને!


comments powered by Disqus