વિક્રમ કે. દોરાઈસ્વામીની યુનાઈટેડ કિંગડમમાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભારતના વિદેશ મંત્રાલયે 23 ઓગસ્ટ મંગળવારે આ જાહેરાત કરી હતી. હાલમાં બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર તરીકે પદસ્થ છે. તેઓ ટૂંક સમયમાં જ લંડનમાં પદભાર ગ્રહણ કરશે. દોરાઈસ્વામી યુનાઈટેડ કિંગડમમાં ભારતના સૌથી યુવા હાઈ કમિશનરો પૈકી એક હશે.
દોરાઈસ્વામી 1992 માં ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા. એના પહેલા તેમણે એક વર્ષ પત્રકાર તરીકે કામ કર્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ઈતિહાસમાં માસ્ટર્સ ડિગ્રી લીધી છે.
1992-1993 દરમિયાન નવી દિલ્હીમાં તેમની સેવાકીય તાલીમ પછી દોરાઈસ્વામીને મે 1994માં થર્ડ સેક્રેટરી તરીકે હોંગકોંગમાં ભારતના હાઈ કમિશનમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. તેણે ચાઈનીઝ ભાષા શીખી, હોંગકોંગની ચાઈનીઝ યુનિવર્સિટીની ન્યુ એશિયા યેલ-ઈન-એશિયા ભાષા શાળામાં તે ભાષામાં વૈકલ્પિક ડિપ્લોમા લીધો. સપ્ટેમ્બર 1996માં તેમને બેઈજિંગમાં ભારતીય દૂતાવાસમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે લગભગ ચાર વર્ષ સુધી સેવા આપી હતી. 2000 માં નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયમાં પાછા આવ્યા પછી દોરાઈસ્વામીને પ્રોટોકોલના ડેપ્યુટી ચીફ (સેરેમોનિલ્સ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. બે વર્ષ પછી તેમને વડા પ્રધાન કાર્યાલયમાં મોકલવામાં આવ્યા. બાદમાં તેમણે ભારતના વડાપ્રધાનના ખાનગી સચિવ તરીકે સેવા આપી હતી.
2006માં, દોરાઈસ્વામીને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનમાં રાજકીય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ઓક્ટોબર 2009માં તેમણે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ભારતના કોન્સ્યુલ જનરલ તરીકે સેવા આપી હતી.
જુલાઈ 2011માં દોરાઈસ્વામી નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલય (MEA)માં પાછા આવ્યા, જ્યાં તેઓ સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC)ના વિભાગના વડા હતા. આ સમયગાળા દરમિયાન, તેઓ માર્ચ 2012માં નવી દિલ્હીમાં BRICSની ચોથી શિખર બેઠક માટે સંયોજક પણ હતા.
ઑક્ટોબર 2012 થી ઑક્ટોબર 2014 સુધી દોરાઈસ્વામી MEA ના અમેરિકા વિભાગના સંયુક્ત સચિવ હતા. એપ્રિલ 2015માં રિપબ્લિક ઓફ કોરિયામાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત થયા પહેલા તેઓ ઓક્ટોબર 2014માં ઉઝબેકિસ્તાનમાં ભારતના રાજદૂત બન્યા હતા. આ અસાઇનમેન્ટ પૂર્ણ કર્યા પછી, તેઓ બાંગ્લાદેશ અને મ્યાનમાર માટે વિભાગના વડા તરીકે સેવા આપતા જુલાઈ 2018માં મુખ્યાલયમાં પાછા ફર્યા હતા. એપ્રિલ 2019 માં, તેમને ઇન્ડો-પેસિફિક માટે MEA ખાતે નવા વિભાગની સ્થાપના કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2019 માં પ્રમોશન બાદ, તેમને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સમિટ માટે જવાબદાર વધારાના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હાલમાં તેઓ બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર તરીકે પદસ્થ હતા.
વિક્રમ દોરાઈસ્વામીની રુચિઓમાં વાંચન, રમતગમત, ફિટનેસ, મુસાફરી અને જાઝનો સમાવેશ થાય છે. તે ચાઈનીઝ, ફ્રેન્ચ અને કોરિયન બોલે છે. દોરાઈસ્વામીની નિમણુંક ભારતમાં તેમના સમકક્ષ યુકેના હાઇ કમિશનર એલેક્સ એલિસ સાથે મેળ ખાશે. બન્ને તેમના પુરોગામી કરતાં નાની વયના છે. આ વર્ષે મુક્ત વેપાર પૂર્ણ કરવામાં ચાવીરૂપ બનશે. દોરાઈસ્વામી એક મેહનતુ રાજદ્વારીની છાપ ધરાવે છે. દક્ષિણ કોરિયામાં ભારતીય રાજદૂત તરીકે દોરાઈસ્વામી ભારતમાં KIA મોટર્સ લાવવા અને ભારતમાં સ્વ-સંચાલિત હોવિત્ઝરના સંયુક્ત વિકાસ માટેના મુખ્ય અધિકારીઓમાંના એક હતા.
કેન્યામાં ડૉ. વીરેન્દ્ર પૉલનો વિદાય સમારંભ, રોહિતભાઈ વઢવાણા એક્ટિંગ હાઈ કમિશનર
1991 બેચના IFS અધિકારી કેન્યામાં ભારતીય હાઈ કમિશનર તરીકે ફરજ બજાવતા ડૉ. વીરેન્દ્ર કુમાર પોલની તુર્કીમાં ભારતના રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે. અંકારા જતા પહેલા ડૉ. વિરેન્દ્ર પૉલને ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર રોહિત વઢવાણાની આગેવાનીમાં અધિકારીઓએ વિદાય આપી હતી. કેન્યામાં ભારતીય હાઈ કમિશનરનો ચાર્જ રોહિતભાઈ વઢવાણા સંભાળશે.
કેન્યામાં ભારતના નવા હાઇ કમિશનર તરીકે નમગ્યા સી ખમ્પાની નિમણુંક થઇ છે. તેઓ સેપ્ટેમ્બરના મધ્યમાં પદભાર ગ્રહણ કરશે.
રોહિતભાઈ વઢવાણા આ પહેલાં યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનમાં ફર્સ્ટ સેક્રેટરી (ઈકોનોમિક્સ એન્ડ કોમર્સ વિંગ) તેમજ પ્રેસ અને ઈન્ફોર્મેશન વિભાગનો વધારાનો હવાલો સંભાળતા હતા. હાલમાં જ પ્રમોશન પછી તેમને રિપબ્લિક ઓફ કેન્યામાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર તેમજ કેન્યાના નાઈરોબીમાં જ વડુ મથક ધરાવતી સંસ્થાઓ UN એન્વિરોન્મેન્ટ એજન્સી અને UN- હેબિટાટ ખાતે ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ તરીકે ફરજ સોંપાઈ છે. હવે ડૉ. પૉલની વિદાય થતાં રોહિતભાઈ વઢવાણા એક્ટિંગ હાઈ કમિશનર તરીકે ભારતનું ગૌરવ વધારશે.

