સાત શેરનો શિરો બનાવ્યો, બાફ્યા બટેટા બપોર, ખાઇ-પીને ખાટલે સૂતા, મને ચડ્યો છે તાવ... અગિયારસ કરવી છે...!

કોકિલા પટેલ Wednesday 24th August 2022 07:39 EDT
 
 

આપણા સનાતન હિન્દુ ધર્મના વાર-તહેવારોમાં ઉપવાસનું અદકેરું મહત્વ છે. ચોમાસાના ચાર મહિના અષાઢથી તે ઠેઠ આસો સુધીના તહેવારોની ઉજવણીમાં કૈલાસ નિવાસી ભોલેબાબાનો સમગ્ર પરિવાર વન બાય વન પૃથ્વીલોક પર પધારે આસોમાં કુંવારિકાઓ અને સૌભાગ્યવંતી મહિલાઓ મા પાર્વતી સાથે ભોલેબાબાનું પૂજન કરી ધન્ય ધન્ય બને, એ પછી શ્રાવણે બમ બમ ભોલે ઉપર કાવડિયાથી માંડી કરોડો હિન્દુઓ દૂધ-જલનો રુદ્ર અભિષેક કરે, એવા વખતે ઝરમર ઝરમર શ્રાવણિયા વચ્ચે દેવકી કૂખે અવતરેલા બાલકનૈયા શ્રીકૃષ્ણનો જન્મોત્સવ "નંદ ઘેર આનંદ ભયો"ના હર્ષોલ્લાસ સાથે ઉજવાય. આપણા ધર્મ શાસ્ત્રોમાં આ ચાતુર્માસમાં ઉપવાસનો મહિમા વર્ણવ્યો છે. કેટલાક તો વર્ષના બારેય મહિનાની અગિયારસોનું ઉપવાસ (!) કરીને વ્રત કરતા હોય છે. આવા ઉપવાસીઓની વાતો સાંભળી કયારેક પ્રશ્ન થાય આપણે આ ચાતુર્માસમાં ખરેખર ઉપવાસ કરીએ છીએ?!
જો કે બાળપણથી માંડી કન્યા અવસ્થા સુધીમાં અમે પણ ઘણા ઉપવાસ અને વ્રતો કર્યાં છે. ગૌરી વ્રત ના અલૂણા એટલે કે મીઠા વગરના ઉપવાસ હોય કે પછી સોળ સોમવાર કે સાકરિયા કે ભાખરીયા સોમવાર કરીએ એટલે આપણને રાજાશાહી ઠાઠમાં લાલન-પાલન થતું... મને લાગે છે કે આપણા ઉપર સૌનું એટેનશન રહે એટલે ય કદાચ ઉપવાસ કરતા હોઇશું...!!! ઉપવાસનો મહિમા બહેનો સમજે છે એટલું કદાચ પુરુષવર્ગ ઓછો સમજતો લાગે છે. કેટલાક અગિયારસ કે પૂનમના ઉપવાસ કરતા હશે પણ એ કેવા...??! પત્ની કે ઘરનાં વડીલ બા અગિયાસર કે પૂનમના ઉપવાસે મોરિયો, શીંગોડાના લોટની કઢી, મોરિયાના લોટના આદુ-મરચાંવાળાં ઢેબરાં, સાબુદાણાની ખીચડી, રાજગરાનો શિરો, રાજગરાની પૂરી કે ભાખરી, સીંધવ મીઠું નાખીને બટેટા કે મોગા, મટોકીનું રસાદાર શાક, શીંગદાણાના લાડુ અને ફળાહાર સાથે રાતે સૂતી વેળા કેસર-બદામનું ઉકાળેલું મસ્ત દૂધ મળતું હોય તો કુટુંબનો કયો સભ્ય અગિયારસ, જન્માષ્ટમી કે પૂનમનો ઉપવાસ કરવાનું છોડે....!! મારી નજીક રહેતાં કાન્તાબા ૮૭ વર્ષનાં છે પણ ખૂબ જ સત્સંગી હોવાથી એ વર્ષની દરેક અગિયારસનો ઉપવાસ અને જન્માષ્ટમીએ ઉપવાસ કરવાનું ચૂકતાં નથી. બે દિકરા અને પુત્રવધૂઓના પરિવાર સાથે રહેતા કાન્તાબા ઉપવાસના ટાંણે સવારથી ઉપરની તમામ વાનગીઓ બનાવવા રસોડે લાગી જતાં, એમની સાથે બેઉ પુત્રવધૂઓ પણ બાની મદદે લાગી જતી. અગિયારસનો અન્નકૂટ જમવા અમને પણ એકવાર તેડ્યાં. રાત્રે મોરિયા જોડે સાબુદાણા, મોગો, મટોકી અને બટેટા એવા ચકરાવે ચડ્યા કે પેટમાં અસહ્ય વેદના ઉપડી, ગેસનું ઉત્પાદન થતાં પેટ ફૂલીને નવ મહિનાની પ્રેગનેન્સી જેવું થયું. ઓડકાર પર ઓડકાર ખવાતા રહ્યા, રાત્રે હરડે ને કાયમચૂર્ણ ફાક્યું પણ રાત આખી માથે પડી..! અમારા કાન્તાબાને તો આ ગઇ જન્માષ્ટમીએ બારેય જાતનાં ફરાળી પકવાન જમીને રાતે પેટમાં જે ઉબારો ઉપડ્યો તે રાતે ૧૧૧ ઉપર ફોન કરીને દાકતરી સલાહ લેવી પડી...! સવારે બા'ને પેટ સાફ થાય એ માટે દાકતરે "સેનાકોટ"ની ગોળી આપવી પડી..! ત્યારે બાને રાહત થઇ. એ દિવસે મોડે મોડે હું એવા તારણ પર આવી કે ઉપવાસ જો આવું ખાવા માટે જ થતા રહેશે તો એમાં આપણું આરોગ્ય ચોક્કસ ખતરાજનક નિવડે. આવા ઉપવાસમાં વજન ઘટવાની કોઇ શક્યતા જ રહેતી નથી. આપણી નવી પેઢી ઉપવાસમાં બહુ માનતી નથી પણ આરોગ્ય અને શારિરીક તંદુરસ્તી માટે ખૂબ સજાગ છે. આજની યુવા પેઢી સમજે છે કે ભોજન શરીર માટે આવશ્યક છે. એમના ભોજનમાં પૂર્વે જે આપણા વડવાઓ ખાતા એ પ્રથા પ્રવર્તે છે. એમની ડીશમાં ઘઉં કે ચોખાની જગ્યાએ કીનવાની ખીચડી, જુવારની રોટલી કે બાજરીનો રોટલો અને રાગી, બાવટાએ લીધી છે. ઘી'ને એ માન્યતા આપે છે પણ સ્ટાર્ચયુક્ત ખોરાકને પસંદ કરતા નથી.
ઉપવાસથી શરીર સારું રહે એવું નથી, ઉપવાસ કરનારા કેટલાક તુંબડા જેવા દેખાતા હોય ને ખૂબ ખાનારા સરગવાની સીંગ જેવા ફક્કડ ફીગર ધરાવતા હોય. ચાતર્માસ કે શ્રાવણ મહિનાના ઉપવાસી રહેનાર અમારા પાડોશી કાન્તાબા જેવા કેટલાક ઉપર જણાવેલા ભરપૂર રસથાળ જમીને પેટની ચરબી વધારી હોય અને મંદિરો કે સત્સંગોમાં જાય છે ત્યાં તાળીઓ પાડતાં હોય ત્યાં પેટની ચરબી ઝુલતી હોય ત્યાં મંજિરા કે તાળીઓ પાડીને પ્રભુને એમ થોડું કહેવાય કે "મારી ચરબી ઉતારો મહારાજ રે, શામળા ગિરધારી..! ભગવાન એ આત્માનો આધિકારી છે... તમારા હાથના કર્યાં હૈયે વાગે.. ..તમારા પેટ સાથે ચરબીનો સંબંધ બંધાય એમાં ગિરધારી બિચારો શું કરે...! એને તો આત્મા સાથે સંબંધ.... !
ખરેખર આપણા ધર્મશાસ્ત્રોમાં ઉપવાસનું મહાત્મ્ય સમજાવ્યું છે એનો આપણી ભૂખાવળી પ્રજાના માનસે અવળું અર્થઘટન કરી પ્રભુને પણ ઉલ્લુ બનાવવામાં બાકી રાખ્યું નથી. ખરેખર તો ચોમાસામાં પાચનશક્તિ મંદ થાય છે, ઓછી ભૂખ લાગે છે એટલે ઉપવાસ એ માંદગી સામે ઢાલ બનવા શ્રેષ્ઠ ઉપાય છે. ૧૯૩૪માં પ્રથમ એલોપેથીમાં MD થયેલા ડો. હર્બટ શેલ્ટને "ધ હાઇજેનિક સિસ્ટમ" નામના પુસ્તકમાં લખ્યું છે કે, “તેમણે ભારતના જૈન મુનિના ૧૩૨ દિવસના ઉપવાસ જોયા અને તે ઉપરથી ઉપવાસ અંગે તેમની શ્રધ્ધા વધી. ઉપવાસથી લોહીના આરોગ્યરક્ષક લાલ રક્તકણો વધે છે, મગજ વધુ એકટીવ બને છે. એનેમિયાના દર્દીને ફળોના રસ ઉપર રાખીને અને પછી ઉપવાસ કરાવીને લોહીના રક્તકણો વધાર્યા હતા.
ચાલો ડોકટર શેલ્ટનની એડવાઇઝ મુજબ અમે પણ ફળાહાર કરીને ઉપવાસી રહીશું અને લોહીના રક્તકણો વધારવા પ્રયત્ન કરીશું. સાથે સાથે ચોખા-ઘઉંને બદલે કીનવા, રાગી અને જુવાર-બાજરીને પણ આહારમાં પ્રાધાન્ય આપશું.


comments powered by Disqus