પવિત્ર શ્રાવણ મહિનામાં ભારત અને ભારત બહાર વસતા હિન્દુઓ અને સવિશેષ શિવ ભક્તો ભોળાનાથના પૂજન-અર્ચન,એક ટાણાં કે ઉપવાસ કરી શિવની ભક્તિ કરી સ્વ અને સમસ્તના કલ્યાણની ભાવના સેવી રહ્યા હશે.
શનિવાર ૬ ઓગષ્ટ'૨૨, શ્રાવણી નોમના દિવસે એજવેરમાં રહેતા શ્રી દિનેશભાઇ અને નલિનીબહેન પંડ્યાના નિવાસ સ્થાને હોમાત્મક લઘુ રૂદ્રી યજ્ઞનું આયોજનમાં હાજરી આપવાનું સૌભાગ્ય સાંપડ્યું. "ગુજરાત સમાચાર" અને "એશિયન વોઇસ"ના કસ્ટમર સર્વિસ આપતાં પૂજાબહેન રાવલ સહ અમે એમાં હાજર રહી લાભ લીધો. ભૂદેવોએ “હર હર મહાદેવ" અને મહા મૃત્યંજયના મંત્રોચ્ચાર સાથે હવન કરાવ્યું અને વાતાવરણ દિવ્ય બની ગયું. હવન બાદ દિનેશભાઇ પંડ્યાએ લખેલ પુસ્તક "Journey after death’’ની પણ જાહેરાત થઇ. લોકડાઉનમાં લોક માનસ બદલાયું છે. કોરોનાને કારણે ધર્મ પ્રત્યેની પ્રીતિ અને શ્રધ્ધા વધી ગઇ હોવાનું શાસ્ત્રીજીએ જણાવ્યું.
પંડ્યા દંપતિએ કિંગ્સબરીમાં એકાદ દાયકા સુધી સંસ્કૃત, ગુજરાતી અને સંગીત, તબલા વગેરેના વર્ગો કરી ભારતીય સંસ્કૃતિના પ્રચાર -પ્રસાર માટે પ્રયાસ કર્યો હતો. યોગાનુયોગ એ વખતે ગુજરાતી શિક્ષિકા તરીકે મેં પણ સેવા આપેલ. વર્ષો બાદ આજે પુન: મળવાનું થતાં બન્ને પક્ષે ખુશી વ્યક્ત કરી.
આ પુસ્તકમાં અંત્યેષ્ઠિ ક્રિયાઓ કઇ-કઇ અને શા માટે તેમજ એની વિધિઓ અંગે ગુજરાતી અને ઇંગ્લીશમાં માહિતી પૂરી પાડી છે. જે વર્તમાન અને ભાવિ પેઢી માટે આશીર્વાદરૂપ થઇ પડશે.
ગુજરાત સમાચાર પણ સેવા યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ કરી રહ્યા હોવાથી એના પ્રતિનિધિ તરીકે દિનેશભાઇને આ પુસ્તકના પ્રકાશન માટે અભિનંદન આપ્યાં. પુસ્તકનું પ્રકાશન એ નવોદિત બાળકના જન્મ જેવા આનંદનો અવસર છે. આ પ્રસંગે ઉપસ્થિત બ્રહ્મસમાજ નોર્થ લંડનના ચેર પારૂલબહેન જાનીએ સમાજની પ્રવૃત્તિઓમાં સૌને સામેલ થવા અને સક્રિય ભાગ લઇ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ સિંચન માટે સજાગ બનવાની વાત કરી

