એંશીના દાયકાની લોસ્ટ એન્ડ ફાઉન્ડની વિષયવસ્તુ પર આધારિત હિન્દી ફિલ્મો જેવી જ ઘટના પાકિસ્તાનમાં રહેતી એક ૭૫ વર્ષની મુમતાઝ નામની મહિલાના જીવનમાં સાચુકલા બની છે. મુમતાઝનો જન્મ પાકિસ્તાનમાં વસતાં શીખ પરિવારમાં થયો હતો. ભારતના ભાગલા વખતે ફાટી નીકળેલા હિંસક રમખાણોમાં પરિવારની હત્યા થતાં મુમતાઝ અનાથ બની ગઇ. પાકિસ્તાનના એક મુસ્લિમ પરિવારે તેને ઉછેરીને મોટી કરી હતી. જોકે તેના પાલક પિતા ઇકબાલે મરતાં પહેલાં તેને વાસ્તવિકતા જણાવી કે તેના જન્મદાતા તો કોઇ ઓર જ છે. આ પછી મુમતાઝ અને તેનો પુત્ર શાહબાઝ અસલી માતા-પિતાને શોધવાન કપરા કમે લાગ્યા. છેવટે મુમતાઝને સોશિયલ મીડિયાની મદદથી પોતાના પરિવારને શોધવામાં સફળતા મળી હતી. મુમતાઝ ગયા સપ્તાહે ૭૫ વર્ષ બાદ પાકિસ્તાનના કરતારપુર ખાતે આવેલા ગુરુદ્વાર દરબાર સાહિબ ખાતે પોતાના પરિવારજનોને મળી હતી. આ સમયે બન્ને પરિવારના સભ્યોમાં હરખના આંસુ ઉમટી પડ્યા હતા.

