ચીનની દાદાગીરી સામે ક્વાડ રાષ્ટ્રો એક

Wednesday 25th May 2022 06:09 EDT
 

જાપાનના ટોક્યોમાં QUAD દેશોની મહત્ત્વપૂર્ણ શિખર પરિષદમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારતે એકસંપ થઈ ઈન્ડો-પાસિફિક ક્ષેત્રમાં ચીનની દાદાગીરી અને ચંચૂપાતનો જડબાતોડ જવાબ આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. શિખર પરિષદમાં હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષાની ચિંતા, સ્વાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર નક્કર પ્રયાસોનું માળખું રજૂ કરાયું છે. મહત્ત્વની અન્ય બાબત એ પણ રહી છે કે યુક્રેન પર આક્રમણ કરનારા રશિયા સાથે ભારતના સંબંધો વિશે વિશેષ ટીપ્પણીઓ કે નારાજગી વ્યક્ત કરવામાં આવી નથી. જોકે, રશિયા-યુક્રેન યુદ્ધ, આતંકવાદ સહિતના મુદ્દાઓ પર ચર્ચા અવશ્ય થઈ હતી.
વિશ્વમાં ચીનનું કદ વધવાની સાથે દક્ષિણ ચીન સમુદ્ર અને હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં તેની દાદાગીરી પણ વધી રહી છે. ચીન અને ક્વાડના સભ્ય દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધ છે. ચીને ઈન્ડો-પાસિફિક ક્ષેત્ર અને દક્ષિણ-ચીન સમુદ્રમાં તેની આજુબાજુના દરેક દેશો સાથે સરહદના મુદ્દા સળગતા રાખ્યા છે ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના પ્રમુખ જો બાઈડેન, જાપાનના વડા પ્રધાન ફૂમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા લેબર વડા પ્રધાન એન્થોની આલ્બનીઝે ઈન્ડો-પાસિફિક ક્ષેત્રના વિકાસ અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સાથે નેતાગણે સમુદ્રી પરિવહન માટે આંતરરાષ્ટ્રીય નિયમોના પાલન, પૂર્વીય તથા દક્ષિણ ચીન સમુદ્રમાં અવરજવરની આઝાદી અને હવાઈ ક્ષેત્રમાં પરિવહનની સ્વતંત્રતા માટે કટિબ્ધતા વ્યક્ત કરી છે. ચાર દેશોના નેતાઓના સંયુક્ત નિવેદનમાં પણ ક્ષેત્રીય સુરક્ષાની ચિંતાથી માંડી સ્વાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા અને ભવિષ્યની ટેક્નોલોજી તેમજ નાણાકીય સંસાધનોની વ્યવસ્થા સુધીના અનેક મુદ્દાઓ પર નક્કર પ્રયાસોનું માળખું રજૂ કરાયું છે. ટાપુ દેશો સાથે પણ ભાગીદારી મજબૂત બનાવી ચીને સોલોમન ટાપુ સાથે સૈન્ય સમજૂતીનું પગલું લીધું છે તેવો માર્ગ ક્વાડ દેશોએ આતંકવાદને પોષનારા પાકિસ્તાનને પણ આકરો સંદેશ આપ્યો છે. સંયુક્ત નિવેદનમાં આતંકવાદની ટીકા કરવા ઉપરાંત, ૨૬ નવેમ્બરના મુંબઈ હુમલા તેમજ પઠાણકોટ હુમલાની ઝાટકણી કાઢી સરહદ પારના આતંકવાદ વિરુદ્ધ સાથે મળીને કાર્યવાહી કરવાનો નિર્ધાર પણ જાહેર કરાયો છે.
ચીન પોતાની આર્થિક તાકાતથી મજબૂર દેશોને ભીંસમાં લેવાનો કારસો રચે છે ત્યારે ‘શઠં પ્રતિ શાઠ્યમ્’ ની નીતિ અનુસાર ક્વોડ સમિટ પહેલાં ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF)ની મંત્રણામાં જાપાન, અમેરિકા અને ભારત સહિત 13 દેશોએ ભાગ લીધો હતો. ઈન્ડો-પેસિફિક-ઈકોનોમિક ફ્રેમવર્ક થકી વ્યાપારી નીતિઓ, સપ્લાઈ ચેઈન, ઈન્ફ્રાસ્ટ્રકચર અને કાર્બન ઉત્સર્જન, ઉપરાંત, ટેક્સ અને એન્ટી-કરપ્શન સહિતની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરાવાની યોજના છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ દ્વારા અમેરિકા ફરીથી જાપાન, ભારત અને દક્ષિણ કોરિયા જેવા મિત્ર દેશોમાં પ્રતિષ્ઠા ફરી મજબૂત કરવા માંગે છે. વાસ્તવમાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં ટ્રાન્સ પાસિફિક પાર્ટનરશિપ પાછી ખેંચાયા પછી અમેરિકાના એશિયાઈ દેશો સાથે તાલમેલ ઘટી ગયો હતો. બીજી તરફ, ચીનના સતત આક્રમક વલણથી અને તેની ‘ઈકોનોમિક વોર’થી અમેરિકાને ચિંતા થાય તે સ્વાભાવિક છે. IPEF ની જાહેરાત હિંદ-પ્રશાંત વિસ્તારને વૈશ્વિક આર્થિક વિકાસનુ એન્જિન બનાવવાની સામૂહિક ઈચ્છાની અભિવ્યક્તિ અને આર્થિક પડકારો સામે ઉકેલ મેળવવા રચનાત્મક સમાધાન શોધવાનું કાર્ય છે.
વડા પ્રધાન મોદીએ ક્વાડ સમિટમાં કહ્યું છે કે મિત્રો વચ્ચે હોવું સૌભાગ્યની વાત છે.ક્વાડ હિંદ-પ્રશાંત ક્ષેત્ર માટે રચનાત્મક એજન્ડાની સાથે આગળ વધી રહ્યું છે જે, જે વૈશ્વિક ભલાઈની દિશામાં કામ કરનારી એક તાકાત તરીકેની છબીને મજબૂત બનાવશે. ક્વાડે ઘણા ઓછા સમયમાં વૈશ્વિક સ્તરે એક મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
આખરે ક્વાડના દેશોએ દ્વિપક્ષી મમંત્રણાઓ પણ કરી હતી જેમાં જો બાઈડેન અને નરેન્દ્ર મોદીની બેઠકનું વિશેષ મહત્ત્વ રહ્યું હતું. આ મુલાકાતમાં બાઈડેને ભારત સાથે ધરતી પરની સૌથી શ્રેષ્ઠ દોસ્તી નિભાવવા માટે અમેરિકા કટિબદ્ધ હોવાનું જણાવ્યું છે તેના અનેક સૂચિતાર્થો છે. તેમણે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારીને સાચા અર્થમાં પરસ્પર વિશ્વાસની ભાગીદારી ગણાવવા સાથે બંને દેશના સમાન હિતો અને મૂલ્યો થકી આ વિશ્વાસનુ બંધન વધારે મજબૂત થયુ હોવાનું કહ્યું છે. જોકે, તેમણે યુક્રેન-રશિયા યુદ્ધથી વૈશ્વિક અર્થતંત્રો પર પડેલી નકારાત્મક અસર કેવી દેખાઈ આવે છે. ટોક્યો સમિટમાં કોરોના મહામારી સામેના વેક્સિનયુદ્ધમાં ભારતની યશસ્વી કામગીરીની પ્રશંસા અમેરિકા અને જાપાને પણ કરી છે.


comments powered by Disqus