નડિયાદના બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયની ઋષિ કુમારીઓ શાસ્ત્રી બનવાની તૈયારીમાં

Tuesday 24th May 2022 15:49 EDT
 
 

ધાર્મિક વિધિના ક્ષેત્રમાં એટલે કે લગ્ન, મરણ, સત્યનારાયણની કથામાં અત્યાર સુધી આપણે કર્મકાંડ કરતાં બ્રહ્મદેવોને જ જોયા છે. પરંતુ હવે ઋષિકુમારીઓ પણ તમામ પ્રકારની શાસ્ત્રોક્ત વિધિ કરાવતી નજરે પડશે. નડિયાદ સ્થિત બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ઋષિકુમારીઓ શાસ્ત્રોનો અભ્યાસ કરી રહી છે. ગ્રેજ્યુએટ કક્ષાના અભ્યાસક્રમમાં હાલ ચાર યુવતીઓ અહીં શિક્ષા મેળવી રહી છે, જે આગામી દિવસોમાં શાસ્ત્રી તરીકેની પદવી મેળવશે. ત્યાર બાદ તેઓ દેશ-વિદેશમાં ધાર્મિક વિધિ-વિધાન કરી શકશે. આજે કેટલાક દેવસ્થાનોમાં સ્ત્રીને પૂજા કે શાસ્ત્રોક્ત વિધિ માટે અધિકાર આપવામાં આવતા નથી અથવા વિરોધ કરતા ભૂદેવોએ અને પુરુષપ્રધાન સમાજે પણ આમાંથી બોધપાઠ લેવાની જરૂર છે.બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતી ઋષિકુમારીઓ અંગે વાત કરતાં સંસ્થાના પ્રધાનાચાર્ય ડૉ. અમૃત ભોગાયતાએ જણાવ્યું હતું કે, આજે કોઈપણ મા-બાપ પુત્રીઓને ડૉક્ટર, વકીલ, શિક્ષક વગેરે બનાવવા માગે છે. કારણ કે, યુવતીઓ ધાર્મિક ક્ષેત્રે કારકિર્દી બનાવે એ થોડું વિપરીત લાગે. પરંતુ આપણે ઉપનિષદમાં ગાર્ગી, અરુંધતી, અદિતિ વગેરેને આજે પણ આદરપૂર્વક યાદ કરીએ જ છીએ, જે ધર્મસભાઓમાં પ્રશ્નોત્તરી કરતી તેમજ મોટા ઋષિમુનિઓ, પંડિતો, રાજાઓ સાથે પણ શાસ્ત્રાર્થ કરતી હતી.નડિયાદ સ્થિત બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના સ્થાપક પૂ. ડાહ્યાભાઈ શાસ્ત્રીજી આ પરંપરાને ગુજરાતમાં ફરી ઊભી કરવા માગે છે. જેથી ઋષિકુમારીઓને શાસ્ત્રોનું અધ્યયન કરાવી આધ્યાત્મ ક્ષેત્રે ધાર્મિક વિધિ-વિધાન ક્ષેત્રમાં સમાજને નવી દિશા મળે. જે યુવતીઓ સમાજમાં અનેક ક્ષેત્રોમાં કે જે પહેલા પુરુષ પ્રધાન હતા ત્યાં પદાર્પણ કરીને પોતાની ઓજસ્વિતા સિદ્ધ કરી ચૂકી છે. ત્યારે હવે કર્મકાંડમાં પણ યુવતીઓએ કંકુ પગલાં કર્યાં છે. આગામી દિવસોમાં આ પુત્રીઓ મંડપમાં મંત્ર-ગાન, સત્યનારાયણની કથા, ભાગવત કથા, લગ્નવિધિ અને મરણની વિધિ કરતી જોવા મળશે. એ સમય દૂર નથી તેનું ઉદાહરણ શાસ્ત્રી કક્ષામાં અભ્યાસ કરતી બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયની આ ઋષિકુમારીઓ છે.


comments powered by Disqus