વિશ્વભરના અર્થતંત્રોમાં ખળભળાટ મચેલો છે. કોરોના મહામારીના મારમાંથી બહાર આવ્યા નથી ત્યાં તો યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધે અર્થતંત્રોની તબિયત બગાડી નાખી છે. ગત વર્ષોમાં ભારતીય અર્થતંત્ર ખરાબ દશામાં જ રહ્યું છે.
ભારતમાં 1991થી ઉદારીકરણનો આરંભ થયા પછી ચડાવ અને ઉતાર જોવા મળ્યાં છે. ચીન, વધતી વસ્તી અને મહાકાય ઈન્ટરનેશનલ કોર્પોરેશનોએ દેશને ફોલી ખાવામાં કશું બાકી રાખ્યું નથી. ગઈ કાલનું ભારત વિદેશી અનાજ પર નભતું હતું આજે વિશ્વને અનાજની નિકાસ કરી શકે તેમ છે. ગત દશકામાં ભારત ભૂતકાળની નિરાશામાંથી બહાર આવ્યું છે પરંતુ, ઉત્પાદન કે મૂડીવિકાસમાં ચીન જેટલું આગળ વધી શક્યું નથી તે હકીકત છે. આમ છતાં, મહામારીમાંથી બહાર આવ્યા પછી દેશની સિકલ બદલાઈ છે. મેઈડ ઈન ઈન્ડિયાના આત્મનિર્ભરતાના મંત્રે ઘણું નવસર્જન કર્યું છે. અમેરિકા અને ચીન પછી સ્ટાર્ટ અપ્સમાં ભારતે ત્રીજુ સ્થાન હાંસલ કર્યું છે તે નાનીસૂની બીના નથી. ગત દાયકામાં સર્વિસ ઈન્ડસ્ટ્રીએ હરણફાળ ભરી છે. વિશ્વભરમાં ભારતીય આઈટી નિષ્ણાતો કે ઈજનેરો કાર્યરત છે. વિશ્વમાં સોફ્ટવેર વર્કર્સની તીવ્ર અછત છે ત્યારે પશ્ચિમી દેશોને દર વર્ષે અડધો મિલિયન નવા ઈજનેરો ભારત સિવાય કોણ પૂરા પાડી શકે તેમ છે. રિન્યુએબલ એનર્જીમાં રોકાણો વધી રહ્યા છે. સોલાર ઈન્સ્ટોલેશન્સમાં પણ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ખેતીવાડી, ફાર્માસ્યુટિકલ્સ, ટે્કનોલોજી, નવી બેન્કોના ક્ષેત્રે ભારત આગળ વધી જ રહ્યું છે.
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે સર્જાયેલી અનિશ્ચિતતાઓ વચ્ચે મોટા અર્થતંત્રો સહિત ભારત પડકારોનો સામનો કરવા માટે સજ્જ છે. મજબૂત નાણાકીય સ્થિતિ અને કોર્પોરેટના ટકાઉ ગ્રોથને કારણે વૈશ્વિક પડકારોની અસરોમાંથી ભારત ઝડપથી બહાર નીકળશે તેવો આશાવાદ ચીફ ઈકોનોમિક એડવાઈઝર વી. અનંથા નાગેશ્વરને આપ્યો છે. બેન્કિંગ સહિત અન્ય સેક્ટર્સમાં સુધારો તેમજ પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ પર ફોકસ વધ્યુ છે.આગામી વર્ષોમાં ભારત માટે 7થી 8 ટકાના દરે વિકાસ સાધવો મહત્ત્વનો બની રહેશે. જો આમ થશે તો લાખો લોકો ગરીબીની બહાર આવશે, વૈશ્વિક બિઝનેસ માટે નવા બજારો અને ઉત્પાદન કેન્દ્ર બનશે. સમગ્ર એશિયામાં આર્થિક તાકાત બની બેઠેલા ચીન સામે નવો હરીફ બનવા સાથે વિશ્વમાં સત્તાની સમતુલાને જાળવવામાં ભારત કેન્દ્રસ્થાને આવી જશે.
