સંક્ષિપ્ત સમાચાર (દેશવિદેશ)

Tuesday 24th May 2022 15:50 EDT
 

• ચીન તાઈવાન પર મોટો હુમલો કરી શકે લીક થયેલી ઓડિયો ક્લિપમાં ખુલાસોઃ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ આખી દુનિયાને હચમાવી રહ્યું છે. ત્યારે ચીન તાઈવાન પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હોવાના સનસનાટીભર્યા અહેવાલોએ આખી દુનિયાને ચિંતામાં મૂકી દીધા છે. ચીના લશ્કરીઅધિકારીઓની વાતચીતની એક ઓડિયો ક્લિપ લીક થઈ છે જેમાં ચીન તાઈવાન મોટો હુમલો કરવા સજ્જ બની રહ્યું હોવાનો ખુલાસો થયો છે. ચીને 953 શિપ અને 1.40 લાખ સૈનિકોને યુદ્ધ માટે સજ્જ કર્યા હોવાનું રહસ્ય તેમાં ખૂલ્યું છે. આ ઓડિયો ક્લિપ ચીનના માનવ અધિકાર કાર્યકર્તા જેનિફર હિંગ દ્વારા ટ્વિટ કરાઈ છે. 57 મિનિટની આ ઓડિયોક્લિપમાં LUDE મીડિયાના નામથી યૂટ્યૂબ પર પોસ્ટ કરાઈ છે. ક્વાડ સમિટ પહેલા જ તાઇવાન પર હુમલો કરશે તો ચીને માટાં પરિણામ ભોગવવાં પડશે તેવી અમેરિકાના પ્રમુખ બાઇડેને ચેતવણી આપી છે.
• સાઉદીએ પોતાના નાગરિકોના ભારત સહિત ૧૬ દેશોના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યોઃ કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે સાઉદી અરેબિયાએ પોતાના નાગરિકોની ભારત સહિત ૧૬ દેશોની યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સાઉદી સરકારે આ નિર્ણય છેલ્લાં કેટલાં સપ્તાહમાં કોરોના સંક્રમણના દૈનિક કેસોમાં ઝડપથી થયેલા વધારાને ધ્યાનમાં લઇને લીધો છે. ગલ્ફ ન્યૂઝ મુજબ સાઉદી અરબે ભારત ઉપરાંત લેબેનોન, સીરિયા, તૂર્કી, અફઘાનિસ્તાન, યમન, સોમાલિયા, ઇથિયોપિયા, કાંગો, લિબિયા, ઇન્ડોનેશિયા, વિયેતનામ, આર્મોનિયા, બેલારુસ અને વેનેઝુએલાની યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો છે. નાયબ આરોગ્યમંત્રી અબ્દુલ્લાહ અસિરીએ કહ્યું કે અમે મંકીપોક્સના શંકાસ્પદ કેસોને શોધવા અને તેના પર નજર રાખવા સક્ષમ છીએ.
• ઈન્ડોનેશિયાના ઈસ્લામી ઉપદેશકની સિંગાપોરને 9/11 જેવા હુમલાની ધમકીઃ સિંગાપોરના ન્યાય અને ગૃહપ્રધાન કે. ષણમુગમે સોમવારે જણાવ્યું હતું કે ઈન્ડોનેશિયાના એક ઈસ્લામી ઉપદેશકના સમર્થકોએ સિંગાપોરને ઈસ્લામથી ધૃણા કરનારા દેશ ગણાવ્યો છે અને 9/11ના આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરી સોશિયલ મીડિયા પર ધમકી આપી છે. ઉલ્લેખનીય છે કે ઈન્ડોનેશિયાના ઉપદેશક અબ્દુલ સોમાદ બટુબારાના સિંગાપોરમાં પ્રવેશ પર ગયા સપ્તાહે પ્રતિબંધ મૂકી દેવાયો હતો. સોમાદ અને તેમની સાથે યાત્રા કરી રહેલા અન્ય છ લોકો 16મેના રોજ મેરાહ ફેરી ટર્મિનલમાં પહોંચ્યા હતા. જોકે, તેમને સિંગાપોરમાં પ્રવેશ આપવાનો ઈનકાર કરી દેવાયો હતો અને તેમને ઈન્ડોનેશિયા પરત મોકલી દેવામાં આવ્યા હતા.
• કોરોનાકાળમાં દુનિયામાં દર 30 કલાકે એક વ્યક્તિ અબજપતિ બની - ઓક્સફામઃ સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક યોજાઈ રહી છે. બરાબર એ જ સમયે કોવિડ-19ના કટોકટી દરમિયાન દુનિયામાં દર 30 કલાકે એક નવી વ્યક્તિ અબજપતિ બની હતી અને હવે એ જ ગતિએ 10 લાખ લોકો ગરીબીની ખીણમાં ધકેલાઈ શકે છે તેવો દાવો ઓક્સફામ ઈન્ટરનેશનલે પ્રોફિટિંગ ફ્રોમ પેઈન નામનો એક અહેવાલમાં કર્યો છે. ઓક્સફામના અહેવાલ પ્રમાણે કોરોનાકાળમાં દુનિયામાં નવા 573 અબજોપતિઓ ઉમેરાયા છે એટલે કે મહામારીમાં સરેરાશ 30 કલાકમાં એક અબજપતિ ઉમેરાયો હતો. બીજી તરફ અમીરો-ગરીબો વચ્ચેની ખાઈ વધતી જાય છે. ચાલુ વર્ષે જ દર 33 કલાકમાં સરેરાશ 10 લાખ લોકો ગરીબીમાં ધકેલાઈ રહ્યા છે. ઓક્સફામના અહેવાલ મુજબ ગત દસકાની તુલનાએ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થયો છે. ખાદ્યાન્ની કિંમતોમાં અને ઊર્જાના ક્ષેત્રે ખૂબ જ તોતિંગ ભાવવધારો ઝીંકાયો છે. જેના કારણે આ ક્ષેત્રની કંપનીઓની આવકમાં દર બે દિવસે એક અબજ ડોલરનો વધારો થઈ રહ્યો છે.
• રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો વિજયઃ યૂક્રેનનું મારિયુપોલ શહેર કબજે કર્યાનો દાવોઃ યૂક્રેન સાથે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં રશિયાએ સૌથી મોટો પ્રથમ વિજય મળ્યો હોવાનો દાવો કર્યો છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે મારિયુપોલ શહેરનો કબજો કરી લીધો છે. તારાજ થઈ ચૂકેલા વ્યૂહાત્મક બંદરગાહમાં ધુમાડાના ગોટાગોટા ઊડી રહ્યા છે. શહેરના 20,000 નાગરિકો માર્યા ગયા હોવાનો ભય સેવાઈ રહ્યો છે. રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઇએ પ્રમુખ વ્લાદિમીર પુતિનને પણ જાણ કરી દીધી છે કે મારિયુપોલમાં આવેલા એઝોવસ્તલ સ્ટીલ પ્લાન્ટનો પણ સંપૂર્ણ કબજો લઈ લેવામાં આવ્યો છે. મારિયોપોલમાં યૂક્રેન જોરદાર લડત આપી રહ્યું હતું.રશિયાની સત્તાવાર સમાચાર સંસ્થાએ પણ જણાવ્યું હતું કે સોમવારથી અત્યારસુધીમાં એઝોવસ્તલ સ્ટીલ પ્લાન્ટનું રક્ષણ કરી રહેલા યૂક્રેનના 2439 સૈનિકોએ શરણાગતિ સ્વીકારી લીધી હતી. અંતિમ 500 સૈનિકોએ શરણાગતિ સ્વીકારી હતી. રશિયાએ તે તમામને યુદ્ધ કેદી બનાવી લીધા છે.
• કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં યુક્રેનની મહિલા ટોપલેસ થઈઃ રશિયન હુમલા બંધ કરવા માગઃ છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક વિચિત્ર ઘટના બની. એક યુક્રેની મહિલા ટોપલેસ થઈ. તેણે શરીર પર દુષ્કર્મ વિરુદ્ધનો સંદેશ લખીને રાખ્યો હતો, જે દેખાડવા પોતાના કપડાં ઉતારી દીધા હતા. તેની માગ હતી કે રશિયન હુમલા બંધ કરો. જોકે, ગાર્ડે તેને તાત્કાલિક પકડી લીધી હતી. તેનો વિરોધ એટલો હતો કે ઝપાઝપીમાં તે ઘાયલ થઈ હોવાના પણ અહેવાલ છે. 20 મેના રોજ જ્યોર્જ મિલરની ફિલ્મ થ્રી થાઉઝન્ડ યર્સ ઓફ લોન્ગિંગનું કાન્સમાં પ્રીમિયર ચાલી રહ્યું હતું ત્યારે યુક્રેનની મહિલા અચાનક તેના દેશના ધ્વજ સાથે ઉઘાડા શરીરે સ્ટોપ રેપિંગ અસનું પ્રદર્શન કરતાં પહોંચી ગઈ. ગાર્ડ્સની નજર પડે તે પહેલાં સૌનું ધ્યાન ખેંચાઈ ગયું હતું. નોંધનીય છે કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ટોપલેસ મહિલા અચાનક યુક્રેનમાં રશિયન યુદ્ધનો વિરોધ કરતાંઉતરી આવતા ફેસ્ટિવલમાં ઉપસ્થિત લોકો ડઘાઈ ગયા હતા.
• ઓસ્ટ્રેલિયા ચૂંટણીઃ મોરિસનનો પરાજય એન્થની આલ્બનિઝ નવા વડાપ્રધાન બનશેઃ ઓસ્ટ્રેલિયામાં સામાન્ય ચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન સ્કોટ મોરિસનના કરુણ પરાજય સાથે નવ વર્ષ જૂની ગઠબંધન સરકારનો અંત આવ્યો હતો અને લેબર પાર્ટીના એન્થની આલ્બનિઝ ઓસ્ટ્રેલિયાના 31માં વડાપ્રધાન બનશે. લેબર પાર્ટીના સિડની ખાતેના વડામથકે કાર્યકરો દ્વારા હર્ષભેર ઉજવણીના દૃશ્યો જોવા મળ્યા હતા. નોંધનીય છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ આ પક્ષ ફક્ત ચોથી વાર સત્તા પર આવી રહ્યો છે. અબજોપતિ ક્લાઈમેટ રોકાણકાર સિમોન હોલ્મ્સ દ્વારા ફંડેડ ઇન્ડિપેન્ડન્ટ્સે સિડની અને મેલબોર્નમાં ગઠબંધનને તોડી નાંખ્યું હતું. જ્યારે બ્રિસબેનમં પણ ગ્રીન્સે એક બઠક જીતી લીધી હતી. જેના પ્રાઈમરી વોટમાં 11 ટકાનો કડાકો નોંધાયો હતો. રાષ્ટ્રીય સ્તરપર લિબરલ પાર્ટીથી લેબર પાર્ટી તરફ વોટિંગનું ટુ પાર્ટી સ્વિંગ ૨.૩ ટકા નોંધાયું હતું. જેમા નવ ગઠબંધન બેઠકો ALPને સ્વિચ થઈ રહી હોવાનું દેખાય છે. જેમાં મેલબોર્નની ચિશોલ્મ અને હિગિંન્સ, દક્ષિણ ઓસ્ટ્રેલિયાની બૂથબાય, સિડનીની રેઇડ અને NSW સેન્ટ્રલ કોસ્ટ પરની રોબર્ટસન બેઠકનો સમાવેશ થાય છે.
• ચીનમાં 13 હજારથી વધુ લોકો બળજબરીથી ક્વોરેન્ટાઇનઃ ચીનમાં હાલ કોરોનાને કારણે હાહાકાર મચ્યો છે. સ્થિતિ એવી છે કે લોકોને બળજબરીપૂર્વક ક્વોરેન્ટાઈન સેન્ટર્સમાં મોકલાય છે. મુઠ્ઠીભર લોકોમાં સંક્રમણને કારણે રાતોરાત હજારો લોકોને ક્વોરેન્ટાઈન સેન્ટરમાં ખસેડાયા. મહામારી શરૂ થયા બાદથી બેઈજિંગ કોરોના હવે કેર વર્તાવી રહ્યો છે. ઓમિક્રોન વેરિયન્ટના એપ્રિલના અંતથી 1,300થી વધુ કેસ સામે આવ્યા બાદ શહેરની રેસ્ટોરન્ટ્સ, શાળા-કોલેજો અને જોવાલાયક સ્થળો અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાયા છે. તસવીરો અને સોશિયલ મીડિયા પર શેર કરાયેલી સરકારી નોટિસ મુજબ તાજેતરમાં નવા 26 કેસ મળ્યા બાદ દક્ષિણ-પૂર્વ બેઈજિંગમાં બંધ કરાયેલા નાનક્સિનયુઆનના રહેણાંક પરિસરના 13 હજારથી વધુ રહીશોને શુક્રવારે રાત્રે ક્વોરેન્ટાઈન હોટેલ્સમાં મોકલી દેવાયા.
• ભારત રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ખરીદી જનતાને રાહત આપી શક્યુંઃ ઈમરાનઃ ભારતમાં શનિવારે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડીને સામાન્ય માણસને રાહત આપતાં તેની અસર સરહદ પર પાકિસ્તાનમાં પણ થઈ. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એક વખત ભારતના આ નિર્ણયની પ્રશંસા કરીને શાહબાઝ સરકારને ઘેરી હતી. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાના નિર્ણય પછી ઈમરાન ખાને એક પછી એક ટ્વિટ કરીને ભારત સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી. ઈમરાન ખાને કહ્યું કે ભારતની વિદેશ નીતિ સ્વતંત્ર છે. તે અમેરિકાના દબાણ સામે ઝૂક્યું નહીં. તેણે રશિયા પાસેથી ક્રૂડ ખરીદીને તેના નાગરિકોને રાહત આપી છે.
• રશિયા-યૂક્રેન યુદ્ધ : ફિનલેન્ડ-સ્વીડને નાટોમાં સામેલ થવા અરજી કરીઃ ફિનલેન્ડ અને સ્વીડને નાટો સંગઠનમાં સામેલ થવા માટે અરજીઓ જમા કરાવી દીધી છે. નાટોના મહામંત્રી જેન્સ સ્ટોલેનબર્ગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે ફિનલેન્ડ અને સ્વીડને વિશ્વના સૌથી શક્તિશાળી સૈન્ય સંગઠનના સભ્ય બનવા સત્તાવાર રીતે અરજી આપી દીધી છે. તેમણે બંને દેશોએ કરેલી અરજીને આવકાર આપ્યો હતો.


comments powered by Disqus