૭૦ના દાયકામાં લંડનમાં સ્થાયી થઇ યુવાન વયે ઇન્સયોરન્સક્ષેત્રે યશસ્વી સિધ્ધિ મેળવનાર રાજેશ પટેલને "સાહસે શ્રી વર્યાં". ઇનસ્યોરન્સમાં તેઓ કોઇને ગળે પડીને કે બળજબરીથી પોલીસી વેચતા નહિ પણ ગ્રાહકને ઘરે જઇને ઇનસ્યોરન્સ પોલીસીનું મહત્વ અથવા તો પ્રાઇવેટ પેન્શનનું મૂલ્ય, એની ઉપયોગીતા વિશે સમજાવતા. ઇન્સયોરન્સના વ્યવસાય સાથે ક્રિકેટમાં ઓતપ્રોત થયેલા રાજેશ પટેલ ૧૯૭૬થી ઇન્ડિયન જીમખાના સાથે સક્રિય હતા. ઇન્ડિયન જીમખાનાના લોંગેસ્ટ સર્વિંગ ચેરમેન તરીકે તેમણે બહુમાન મેળવ્યું છે. પારકાને ક્ષણવારમાં જ પોતાના કરી લેવાની આવડત ધરાવનાર રાજેશ પટેલ છેલ્લા ૨૫ વર્ષથી જીમખાના સાથે સંકળાયેલા હતા. ઇન્ડિયન જીમખાનાના મુખ્યત્વે પંજાબી અને બિનગુજરાતી ભારતીય સભ્યો હોવા છતાં સૌ રાજેશ પટેલના રમૂજ, ઉદાર અને નિખાલસ સ્વભાવને કારણે રાજેશ પટેલને જ નેતૃત્વ માટે પસંદ કરતા હતા. રાજેશ પટેલની ચેરમેનશીપ દરમિયાન ઇન્ડિયા, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ તથા કેન્યાની યુ.કે.માં ઇન્ટરનેશનલ મેચો હોય ત્યારે પહેલાં ફ્રેન્ડલી ગેમ ઇન્ડિયન જીમખાનામાં રમાય અને એ ફ્રેન્ડલી મેચને રાજેશ પટેલ- R J. સ્પોન્સર કરતા હતા. નૂન પ્રોડકટવાળા જી.કે. નૂન તથા સુતરવાલા બ્રધર્સ હાતીમભાઇ તથા ફારૂકભાઇ સાથે પણ રાજેશભાઇને ખૂબ મૈત્રી હતી.
શ્રીમતી ઇન્દિરા ગાંધીના પૂર્વ ચેરમેન વિક્રમ કૌલ, શીલા કૌલ સાથે રાજેશ પટેલને ઘનિષ્ઠ સંબંધ. ઇન્ડિયન ક્રિકેટ ટીમ જયારે યુ.કે. આવે ત્યારે એટલી બધી કડક સુરક્ષા હોય કે કોઇને પણ નજીકથી મળવાની પરવાનગી ના હોય, કોઇપણ પ્રોગ્રામ નહિ કરવા પ્રતિબંધ હોય પરંતુ ઇન્ડિયન ક્રિકેટ એસોસિએશન (BCCI)ના પૂર્વ ચેરમેન રાજસિંહ ડુંગરપુર સાથે રાજેશભાઇને એક બાપ-દીકરા જેવો ઘનિષ્ઠ સંબંધ હોવાથી ઇન્ડિયન ક્રિકેટરોનો સન્માન સમારોહ યોજીને રાજેશ પટેલે દરેક ક્રિકેટરને સોનાની વીંટી ભેટ આપી હતી.
૧૯૮૩નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમને પૂજ્ય પ્રમુખ સ્વામીના આશીર્વાદ મેળવવા રાજેશ પટેલ નીસડન મંદિરે લઇ ગયા હતા. સ્વામિનારાયણ સત્સંગી રાજેશ પટેલને પરબ્રહ્મ પૂજ્ય પ્રમુખસ્વામીમાં અપાર શ્રધ્ધા હતી સાથે પૂજ્ય મહંત સ્વામી તેમજ BAPSના તમામ સંતગણ તેમજ સત્સંગીઓ સાથે રાજેશ પટેલને ખૂબ આત્મીયતા, સદભાવ હતો.
સત્કર્મી આત્મા:
૮૦ના દાયકામાં લંડન બરો ઓફ ઇસ્લિંગ્ટનના આર્ચવે ખાતે નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ (NAPS) દ્વારા એક ભવ્ય ચર્ચની ઇમારત ખરીદવામાં આવી હતી એ વેળાએ £૫૦૦૦નું માતબર દાન આપનાર આ ધર્મજના ખમીરવંતા પાટીદાર રાજેશ પટેલના વરદ હસ્તે NAPSપાટીદાર સમાજનું વિધિવત્ લોકાર્પણ થયું હતું. વીલો ટ્રી લાયન્સ કલબના સક્રિય સભ્ય રહીને રાજેશ પટેલે વીસેક વર્ષમાં ૫૦થી વધુ નેત્રયજ્ઞો સહિત અનેકવિધ જનસેવા કાર્યોમાં માતબર રકમની સખાવત કરી છે.
રાજેશ પટેલ ગુજરાતના મહેસાણા નજીક એકરોની જમીનમાં પથરાયેલા શંકુ ગૃપ (વોટર રિસોર્ટસ એન્ડ નેચર હેલ્થ સેન્ટર જે ઇન્ડિયાનો શ્રેષ્ઠ, આધુનિક સવલતો ધરાવતો વોટરપાર્ક છે)ના સ્પોક્સમેન તરીકે ફરજ બજાવતા- તેઓ યુ.કે અને યુરોપના બ્રાન્ડ એમ્બેસેડર હતા.
પરમ કૃપાળુ પરમાત્મા રાજેશભાઇના આત્માને પરમ શાંતિ આપે અને એમના પરિવારજનોને દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી "ગુજરાત સમાચાર-એશિયન વોઇસ' પરિવારની પ્રાર્થના.

