છેલ્લા ૩૦ વર્ષથી યુ.કે.ની ધરતી પર ૧૦૮ શ્રી હનુમાન ચાલીસા પાઠનો અખંડ યજ્ઞ રાખનાર શ્રી હનુમાનજીના પરમ ઉપાસક પૂજ્ય રામબાપા (શ્રી મગનભાઇ ભીમજીયાણી) તા.૨૮ મે ૨૦૨૨ના રોજ ૧૦૨ વર્ષ પૂરાં કરી રહ્યા છે એ શુભ પ્રસંગે બકીંગહામ પેલેસમાંથી બ્રિટનનાં મહારાણીએ એમની તસવીર સાથેનું સુંદર શુભેચ્છા સંદેશ સાથે પત્ર અને બર્થડે કાર્ડ પૂ. રામબાપાને મોકલ્યું છે. પૂ.રામબાપાએ બ્રિટનની ધરતી પર રહીને ધર્મ, સંસ્કાર અને જનસેવાનાં જે કાર્યો કર્યાં છે એની મહારાણીએ સરાહના કરી છે.
પૂ. રામબાપાના જન્મદિને દર વર્ષે ચોવીસ કલાકની અખંડ રામધૂન- હનુમાન ચાલીસા પાઠનું આયોજન થતું એમાં હજારો હરિભક્તો ભાગ લેતા પણ હજુ કોરોનાનો ભય હોવાને કારણે માત્ર જિજ્ઞાસુ મંડળ અને પરિવારજનો જ પૂ. રામબાપાનો જન્મદિન ઉજવશે. સંસારી સદગૃહસ્થ હોવા છતાં શ્રી હનુમાનજીની ભક્તિમાં લીન રહી સાધુત્વને પામનાર પૂ. રામબાપાને ભારતભરના સાધુ સમાજ તરફથી શુભેચ્છા સંદેશ મળી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે પૂ. રામબાપાને અયોધ્યાના હનુમાન ગઢીના સંત તરફથી રામમંદિર શિલાન્યાસ વખતે ખાસ આમંત્રણ પાઠવ્યું હતું. બ્રિટન સહિત દેશવિદેશમાં મંદિરો નિર્માણ કાર્યમાં અને વિના મૂલ્યે દેવ સ્વરૂપોની ભેટ આપી સનાતન ધર્મની સેવા કરનાર પૂ. રામબાપા તમે ઘણું ઘણું જીવો એવી "ગુજરાત સમાચાર" પરિવારની શુભેચ્છા.

