અમેરિકામાં માંધાતા ટેક કંપનીઓ અને થોડાં લોકોના અધિકાર હેઠળના ક્ષેત્રો સામે કડકાઈ દર્શાવવાની વાતો વચ્ચે ઈન્ટરનેટ સોફ્ટવેર જાયન્ટ બિલ ગેટ્સની કંપની માઈક્રોસોફ્ટે તાજેતરમાં વીડિયો ગેઈમનિર્માતા એક્ટિવિઝન બ્લિઝાર્ડને ૭૫ બિલિયન ડોલરમાં ખરીદીને મોટી હલચલ મચાવી દીધી છે. માઈક્રોસોફ્ટ, નિનટેન્ડો અને સોની કંપનીઓ ગેમિંગ કોન્સોલ્સના બજારમાં પ્રભુત્વ ધરાવે છે. અમેરિકી સરકાર સિલિકોન વેલીની મોટી કંપનીઓ સાથે સંઘર્ષમાં ઉતરવાના માર્ગે છે પરંતુ, લોકોને ગેઈમ્સનું ઘેલું લગાડ્યાં પછી તેમને પાછાં વાળવાનું ઘણું મુશ્કેલ છે કારણકે ગેઈમ અને જુગારમાં કોઈ જ અંતર રહ્યું નથી.
વ્યસન માત્ર શરાબ, તમાકુ કે ગાંજાનું ન હોઈ શકે. વર્તમાનમાં સોશિયલ મીડિયા અને વીડિયો ગેઈમ પણ ખરાબ વ્યસન બન્યા છે. વીડિયો ગેઈમ ઇન્ડસ્ટ્રીનું ફલક અતિ વ્યાપક છે. ૨૦૨૦ના આંકડા મુજબ વીડિયો ગેઈમ ઇન્ડસ્ટ્રીને ૧૭૦ બિલિયન ડોલરની આવક થઈ હતી જે મ્યુઝિક અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આવક કરતાં અનેકગણી છે. વિશ્વની કુલ વસ્તીમાંથી ૨.૭ બિલિયન લોકો વિડિયો ગેઈમ્સનો સ્વાદ ચાખી ચૂક્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ નવા માનસિક રોગ ‘ગેમિંગ ડિસઓર્ડર’ની ઓળખ કરી છે. વીડિયો ગેમ્સ રમનારાઓમાંથી ૪૦ ટકા ખેલાડી તેના અઠંગ બંધાણી-વ્યસની બની જાય છે અને નિદ્રા ગુમાવે છે, કજિયા-કંકાસ વધવા સાથે સામાજિક સંબંધોને અસર થાય છે તેમજ કારકિર્દી પણ તળિયે પહોંચતી હોવાનું એક સંશોધન કહે છે.
દરેક માનવીમાં જુગારની માનસિકતા ધરબાયેલી હોય છે. દેખીતા જુગારની વાત કરીએ તો અમેરિકાની જુગારનગરી લાસ વેગાસનું અર્થતંત્ર જુગાર ખેલતા લોકો પર જ નભે છે. ઘણી વખત જુગાર ખેલી નાખવાની આ માનસિકતાને સાહસ પણ કહેવાય છે પરંતુ, આ સાહસ ગણતરીપૂર્વકનો વિચાર હોય છે. તેનું વ્યસન હોતું નથી. ‘હાર્યો જુગારી બમણુ રમે’ કહેવતને આપણે મહાભારતના સત્યનિષ્ઠ પાંડવ યુધિષ્ઠિરમાં ચરિતાર્થ થયેલી અનુભવીએ છીએ. યુધિષ્ઠિરે જુગારમાં હારેલું રાજ્ય પાછું મેળવવાની ઘેલછામાં ભાઈઓ અને પત્નીને પણ હોડમાં મૂકી દીધા હતા અને આ લત આખરે મહાયુદ્ધમાં પરિણમી હતી. માનવજીવનમાં સાહસને સ્થાન હોવું જોઈએ, વ્યસન કે ઘેલછાને નહિ તે આપણે સમજી લેવાની જરૂર છે.
