દેશનાયક નેતાજી બોઝની જન્મજયંતી

Wednesday 26th January 2022 04:51 EST
 

ભારતીય રાજકારણમાં અત્યાર સુધી ઉપેક્ષિત ગણાયેલા પરંતુ, લોકહૃદયમાં અપાર ચાહના મેળવનારા મહાનુભાવોમાં એક નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણી ૨૩ જાન્યુઆરીએ કરવામાં આવી હતી. આ નિમિત્તે ઐતિહાસિક ઈન્ડિયા ગેટ પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાચું જ કહ્યું છે કે આઝાદીના અમૃત મહોત્સવના સંકલ્પરુપે ભારત પોતાની ઓળખ અને પનોતા પ્રેરક વ્યક્તિત્વોને પુનર્સ્થાપિત કરશે. દેશમાં ૨૩ જાન્યુઆરી પરાક્રમ દિવસ તરીકે ઉજવાશે.
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ‘એકતાપ્રતિમા’ સ્વરૂપે વિશ્વમાં અનેરું સ્થાન અપાવ્યા પછી હવે નેતાજીના વ્યક્તિત્વને ૨૮ ફૂટ ઊંચાઈ અને ૬ ફૂટ પહોળાઈ સાથેની ગ્રેનાઈટની વિશાળ પ્રતિમામાં કંડારાઈ રહ્યું છે. આ પ્રતિમા ભાવિ પેઢીઓને પરાક્રમ, દેશભક્તિ અને બલિદાનની પ્રેરણા આપતી રહેશે.
ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષમાં સુભાષચંદ્ર બોઝ અનોખું સ્થાન ધરાવે છે. ભારતના યુવાનોને ‘તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા’નું વચન એક માત્ર નેતાજી જ આપી શકે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવવા માટે સુભાષચંદ્રે પ્રતિષ્ઠિત સિવિલ સર્વિસ કારકિર્દીને પણ ઠોકર મારી હતી. નેતાજી બોઝ સ્વતંત્ર ભારતનો વિચાર કરીને બેસી રહ્યા ન હતા. એક સમયના કોંગ્રેસપ્રમુખ સુભાષચંદ્રને તત્કાલીન નેતાઓની મવાળવૃત્તિમાં દેશભક્તિની મજબૂત ભાવના ઓછી જણાઈ ત્યારે કોંગ્રેસને છોડવામાં તેમણે જરાય પાછીપાની કરી નહિ. નેતાજીએ સીધી લડાઈનો માર્ગ અપનાવવા આઝાદ હિંદ ફોજની રચના જેવું સાહસી પગલું ભર્યું હતું. બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધના સંઘર્ષમાં જાપાન અને જર્મનીના એડોલ્ફ હિટલરનો સાથ મેળવવાની પ્રતિબદ્ધતા દર્શાવી નેતાજીએ નાઝી જર્મની અને સાઉથઈસ્ટ એશિયાથી બ્રિટિશરો સામે સશસ્ત્ર સંગ્રામ ચલાવ્યો હતો. તેમણે ભારતીય રાષ્ટ્રવાદીઓ અને જાપાનીઝના નાનકડા સૈન્ય સાથે બર્માથી ભારત પર હુમલો પણ કર્યો હતો. પીછેહઠ કરવી પડી છતાં, હિંમત હાર્યા ન હતા. વિશ્વ યુદ્ધ પછી ૧૯૪૫માં જાપાને શરણાગતિ સ્વીકારતા નેતાજીએ રશિયાનો સાથ મેળવવા તજવીજ કરી હતી.
નેતાજીનું મૃત્યુ આજે પણ રહસ્યમય રહ્યું છે. ૧૯૪૫ની ૧૮ ઓગસ્ટે મંચુરિયાના હવાઈ પ્રવાસમાં તેઓ અદૃશ્ય થઈ ગયા અને તેમનું વિમાન તાઈવાન પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. તેઓ બચ્યા કે મોતને ભેટ્યા તે બાબતે હજુ અનુત્તર જ છે. હકીકત છે કે આજે પણ લોકો નેતાજી બોઝ અને સરદાર પટેલ વિશે એમ જ વિચારે છે કે તેઓ જીવતા રહ્યા હોત તો ભારતની સિકલ અલગ જ રહી હોત.


comments powered by Disqus