ભારતે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ અને વનડે ક્રિકેટ સીરિઝ ગુમાવી તેનો આઘાત લાગ્યો તેનાથી કદાચ વધુ આઘાત રમતચાહકોને આક્રમક અને સ્ટાઈલીશ કેપ્ટન વિરાટ કોહલીએ ભારતીય ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપી દીધું તેનાથી લાગ્યો હશે. ભારતીય ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ અને આક્રમક કેપ્ટન તરીકેની સિદ્ધિ હાંસલ કરનારા વિરાટ કોહલીએ આવો ચોંકાવનારો નિર્ણય શા માટે લીધો હશે તેના અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સાથેના સંબંધો કથળ્યા હોવાથી કોહલીએ ના-રાજીનામું ધરી દીધું હોવાનું પણ કહેવાય છે. ભારતે ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સારો દેખાવ ન કર્યો તેના કારણે કોહલી પાસેથી વનડે ટીમની કેપ્ટનશિપ છીનવી લેવાઈ હોવાનું કહેવાય છે. આથી વિરાટે વળતો ઘા મારવા સામે ટેસ્ટ મેચની કેપ્ટનશિપ છોડી દીધી હોવાનું મનાય છે. ભારત હવે ફરીથી સારા કેપ્ટનની ખોજ કરવામાં લાગી ગયું છે.
કોહલી ક્રિકેટ ઇતિહાસનો સ્ટીવ વો અને પોન્ટિંગ પછીનો સૌથી સફળ કેપ્ટન છે તેવા આંકડા પણ પ્રસારણ માધ્યમોમાં ચમક્યા છે. ગાંગુલી કે મહેન્દ્રસિંહ ધોની કરતા પણ તેને ટેસ્ટ ક્રિકેટમાં ઉંચો આદર મળ્યો છે. કોહલીએ ૨૦૧૪માં ધોની પાસેથી કેપ્ટનશિપ સંભાળી ત્યારે ભારત આઈ.સી.સી. ટેસ્ટ રેન્કિંગમાં સાતમા ક્રમે હતું. કોહલીએ સૌપ્રથમ વખત ભારતને નંબર વનનાં સ્થાને પહોંચાડયું હતું. બીજી તરફ, વિરાટ ‘સમય વર્તે સાવધાન’ સૂત્ર સાથે કેપ્ટનશિપનો ભાર ઉતારી બેટ્સમેન તરીકે સારો દેખાવ કરવા માગતો હોવાનું પણ શક્ય છે.
વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડવાનું કારણ ગમે તે હોઈ શકે છે. કોઈ પણ કેપ્ટને આક્રમકતાની સાથોસાથ અન્ય ખેલાડીઓમાં સંઘભાવના પ્રબળ બનાવી ટીમને આગળ વધારવાની રહે છે. જોકે, રોહિત શર્મા જેવા મજબૂત બેટ્સમેન સાથે કહેવાતા અણબનાવ અથવા સ્પર્ધાએ વિરાટના વ્યક્તિત્વને વામણું બનાવી દીધું હોવાનું પણ કહી શકાય. સૌરવ ગાંગુલીએ ક્રિકેટ બોર્ડનું પ્રમુખપદ સંભાળ્યુ ત્યારે ભારતીય ક્રિકેટના સારા દિવસો આવશે તેમ મનાતું હતું પરંતુ, બોર્ડ હવે અહમના ટકરાવ અને રાજકીય કાવાદાવાનો અખાડો બની ગયાનું જણાય છે. છેવટે તો જેન્ટલમેન્સ ગેમ કહેવાતી ક્રિકેટની રમતને જ સહન કરવાનું આવે છે.
