કતારનો એક કાંકરે અનેક પક્ષી મારવાનો પ્રયાસ

Wednesday 30th November 2022 05:33 EST
 

કતારમાં ફૂટબોલનો મહાકુંભ ચાલી રહ્યો છે. કતાર પહેલો આરબ દેશ છે જેને ફિફા વર્લ્ડ કપ યોજવા તક મળી છે. 2009માં કતારે વર્લ્ડ કપ યોજવા દાવેદારી કરી ત્યારે ઘણાને શંકા હતી કે આ નાનકડો રૂઢિચુસ્ત આરબ દેશ આંતરરાષ્ટ્રીય સ્તરની આટલી મોટી ટૂર્નામેન્ટનું આયોજન કરી શકશે કે કેમ. 2010માં ફિફા દ્વારા વિશ્વ કપ ટૂર્નામેન્ટ યોજવા પરવાનગી અપાયા બાદ 12 વર્ષથી કતારમાં પૂરજોશ કામગીરી ચાલતી હતી. આરબ દેશો અંગે વિશ્વમાં પ્રવર્તતી ગેરમાન્યતા દૂર કરવાના લક્ષ્યાંક સાથે કતારે આયોજનનો નિર્ણય લીધો હતો. કતારે ટૂર્નામેન્ટના આયોજન પાછળ 230 બિલિયન ડોલર ખર્ચ્યાનું મનાય છે. 32 ટીમોને રમાડવા સ્ટેડિયમો પાછળ તો 7 બિલિયન ડોલર જ ખર્ચાયા છે, બાકીના નાણાં દેશ માટે નક્કી કરાયેલા નેશનલ વિઝનનો પાયો નાખતા પ્રોજેક્ટો પાછળ ખર્ચાયાં છે. વર્લ્ડ કપના આયોજન વેળા શાસકોએ નેશનલ વિઝન તૈયાર કર્યું હતું જેમાં 2030 સુધીમાં કતારને આધુનિક સમાજ અને વિકાસકાર્યો જારી રાખતાં દેશના નાગરિકોને ઉચ્ચ જીવનધોરણ પૂરા પાડવાના લક્ષ્યાંકો નક્કી કરાયાં હતાં. વર્લ્ડકપ યોજવાની મંજૂરી મળ્યા બાદ કતારે અત્યાધુનિક ટ્રાન્સપોર્ટ નેટવર્ક, હોટલો સહિતની સુવિધા ઊભી કરી છે. પરંપરાઓની જાળવણીની સાથે સાથે વર્તમાન અને ભાવિ પેઢીઓની જરૂરત સંતોષવા અને આર્થિક તથા સામાજિક વિકાસના મૂલ્યોને પ્રાધાન્ય અપાયું હતું. ટૂર્નામેન્ટ થકી આંતરરાષ્ટ્રીય પ્રભાવ વધારી કતારે આંતરરાષ્ટ્રીય સંબંધોનું સ્તર ઊંચુ લાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
કતારને વિશ્વસ્તરે ઇમેજ સુધારવાની તાતી જરૂર હતી. પાડોશી આરબ દેશો કતારને આતંકવાદને પ્રોત્સાહન આપનાર દેશ ગણાવી બહિષ્કાર કરતાં હતાં. પરંતુ વર્લ્ડ કપના પગલે આરબ દેશોને કતાર સાથે સંબંધો સુધારવા ફરજ પાડી છે. કતાર પ્રારંભથી આયોજનને આરબ એકતાના નામે રજૂ કરી રહ્યો હતો તો આરબ અને પશ્ચિમ જગત વચ્ચેના સેતુ તરીકે પણ જોઇ રહ્યો હતો. જોકે કતારે સંબંધો સુધારવા તેની સંસ્કૃતિ, પરંપરા કે ધર્મને કોરાણે મૂક્યાં નથી. આથી જ ટૂર્નામેન્ટના પ્રારંભ પહેલાં કતાર સરકારે લીધેલા કેટલાક નિર્ણય વિવાદાસ્પદ બન્યાં હતાં. સ્ટેડિયમમાં શરાબ પર પ્રતિબંધ, સજાતીય સંબંધોની જાહેરમાં નુમાઇશ કરવા પર પ્રતિબંધ પશ્ચિમના સ્વછંદી ફૂટબોલપ્રેમીઓને માફક આવ્યા નથી. પશ્ચિમના અખબારોમાં પણ આ મામલે કતારની ઘણી ટીકા કરાઇ છે. કતારમાં માનવાધિકારના ઉલ્લંઘન અંગે પણ સવાલો ઉઠાવાઇ રહ્યાં છે. વર્લ્ડ કપ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિતના દેશોના કામદારોના મોત પર કતારના શાસકો ઢાંકપિછોડો કરી રહ્યાં છે તેની આકરી ટીકા થઇ છે. ભારતમાં મોસ્ટ વોન્ટેડ ઝાકિર નાઇક, શેખ ઓમર અબ્દુલ કાફીસ સઇદ અલ કમાલી સહિતના વિવાદાસ્પદ મુસ્લિમ પ્રચારકોને આમંત્રણ આપી કતાર વધુ એક વિવાદમાં સપડાયો છે. ભારત સરકારે ઝાકિર નાઇકને અપાયેલા આમંત્રણ સામે વિરોધ પણ નોંધાવ્યો છે. કતારે આ આયોજનમાં ઇસ્લામનો પ્રચાર કરવાની તક પણ જતી કરી નથી. સ્ટેડિયમ, હોટેલો અને વિદેશી પર્યટકો એકઠાં થતાં હોય ત્યાં ઇસ્લામનો પ્રચાર થઇ રહ્યો છે. નમાઝ માટે અજાન થાય ત્યારે મેચ અટકાવી દેવાય છે. પહેલીવાર ફિફા વર્લ્ડ કપની ટૂર્નામેન્ટમાં કુરાનની આયાતો પઢાય છે. આમ કતારે એક કાંકરે અનેક પક્ષી મારવા પ્રયાસ કર્યો છે. હવે જોવું રહ્યું કે તેમાં તેને કેટલી સફળતા મળે છે.


comments powered by Disqus