લંડન: ગૂડવિને તેના ફંડ પાર્ટનર અજય પાઠકની લંડન ખાતેના નવા સહાધ્યક્ષ તરીકે નિયુક્તિની જાહેરાત કરી છે. અજય પાઠક પાંચ વર્ષથી આ હોદ્દા પર કાર્યરત પોલ લિયોન્સનું સ્થાન લેશે. લીગલ 500માં અગ્રણી વ્યક્તિ તરીકેનું રેન્કિંગ પ્રાપ્ત કરનાર અજય પાઠક તેમના સમકક્ષ ગેમ્મા રોબર્ટ્સ સાથે મળીને ઓફિસનું નેતૃત્વ કરશે. ગેમ્મા રોબર્ટ્સે 2021માં સામન્થા લેક કોઘલેનનું સ્થાન લીધું હતું.
2017થી અત્યાર સુધીના લિયોન્સના કાર્યકાળમાં બોસ્ટન-બ્રેડ સ્થિત કંપનીની લંડન સ્થિત શાખાએ નોંધપાત્ર વિકાસ કર્યો છે. ગયા વર્ષે લંડનની શાખાએ કંપનીની વૈશ્વિક આવકના 8.2 ટકાની આવક કરી હતી. કંપનીનું ટર્નઓવર 2020માં 99.1 મિલિયન પાઉન્ડથી 63 ટકા વધીને 161.8 મિલિયન પાઉન્ડ પર પહોંચ્યું હતું.
હોદ્દો સંભાળતા અજય પાઠકે જણાવ્યું હતું કે, 2017માં હું જોડાયો ત્યારે કંપનીમાં ફક્ત 40 વકીલ કામ કરતા હતા જે સંખ્યા હવે 200ને પાર કરી ગઇ છે. અમે લાઇફ સાયન્સિઝ, ટેકનોલોજી, પ્રાઇવેટ ઇક્વિટી, રિઅલ એસ્ટેટ અને ફાઇનાન્સિયલ સર્વિસિઝ એમ પાંચ મુખ્ય ક્લાયન્ટ ઇન્ડસ્ટ્રી પર અમારું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. આ વ્યૂહરચના અમને મજબૂત બનાવશે અને વૈશ્વિક ક્લાયન્ટોને વધુ સારી સેવા આપી શકાશે.

