નવી દિલ્હી: હવાલા અને મની લોન્ડરિંગના મામલે દિલ્હીની તિહાડ જેલમાં બંધ દિલ્હી સરકારના પ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનના જેલમાં જલસાના વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયોમાં જૈન પોતાની સેલની અંદર કેટલાક લોકો સાથે મુલાકાત અને વાતચીત કરતા જોવા મળી રહ્યા છો. આ વીડિયોમાં જૈન તિહાડ જેલના સુપરિન્ટેન્ડેન્ટ અજિતકુમાર સાથે પણ વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. કુમારને આ મહિનાની શરૂઆતમાં જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર જૈનનો આ નવો વીડિયો દિલ્હી ભાજપના નેતા હરીશ ખુરાનાએ પોતાના ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. તેની કેપ્શનમાં લખ્યું હતું કે ‘લો, નવો વીડિયો પ્રામાણિક મંત્રી જૈનનો. જેલ મંત્રીના દરબારમાં રાત્રે આઠ વાગ્યે જેલ સુપરિન્ટેન્ડેન્ટની હાજરી.’ ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ તિહાડ જેલની અંદર જ સગીરાના રેપના આરોપી દ્વારા જૈનના મસાજનો વીડિયો સામે આવ્યો હતો. જે બાદ સત્તાધારી આમ આદમી પાર્ટીને ભાજપે ઘેરવાનું શરૂ કર્યું હતું. તે સમયે આપે તેને મસાજની જગ્યાએ ફિઝિયોથેરપીની સારવાર ગણાવી હતી.

