નવસારીઃ જલોલપોર તાલુકાના મરોલી કાંઠા વિસ્તારમાં આવેલા વડોલી ગામના યુવક જનક પટેલની ન્યુઝીલેન્ડ ખાતે આવેલી શોપમાં તા 23.મી નવેમ્બરના રોજ સાંજે લૂંટ કરવા આવેલા બે લુંટારુંઓ સાથે ઝપાઝપી થઇ હતી. જેમાં જનક પટેલને ચાકુથી ગંભીર ઇજા થઇ હતી. ગંભીરપણે ઘાયલ જનક પટેલને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બાદ ન્યુઝીલેન્ડમાં રહેતા ભારતીય લોકોએ રસ્તા પર આવી ન્યાયની માંગ કરી હતી. જલાલપોરના વડોલી ગામે રહેતા હર્ષવર્ધન નગીનભાઇ પટેલે માહિતી આપતા જણાવ્યું કે તેમના ભાઇ જનક કાલિદાસ ભાઇ પટેલ 6થી 7 માસ પહેલા ન્યુઝીલેન્ડ ખાતે પત્ની સાથે ગયા હતા. ત્યાં ઓકલેન્ડમાં રોસ કોટેજ નામની શોપ પત્ની સાથે ચલાવતા હતા. તા.23મીના રોજ સાંજે 8.30 વાગ્યાના સુમારે તેમની દુકાને બે અજાણ્યા લુંટારુંઓ મોઢે માસ્ક પહેરીને આવ્યા હતા. જનર પટેલે લુંટારુંઓનો સામનો કર્યો હતો. જેમાં બે લુટારુઓ પૈકી એકે જનક પટેલને ચાકુના ઘા મારી દેતા તે લોહી લુહાણ થઇ ગયા હતા. જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેની જાણ મૂળ નવસારી ગુજરાતમાં રહેતા લોકોને થતા તેમના ઓકલેન્ડ ખાતે ઘરે પહોચ્યા હતા. આ બાબતે લુંટારુઓને પકડવા અને બિનનિવાસી ભારતીયોમાં સલામતી માટે માગ ઉઠી હતી. જોકે જનક પટેલ ઉપર હુમલો કરનારાઓને સ્થાનિક પોલીસ ઝડપી લીધાની માહિતી પણ મળી છે. નોંધનીય છે કે મૂળ નવસારીમાં રહેતા ધર્મેશ પટેલની દુકાન ઓકલેન્ડમાં હોય તેઓ લગ્નમાં નવસારી આવ્યા હોય જનક પટેલને દુકાન 15 દિવસ પહેલાં ચલાવવા આપી હતી.

