ભારતીય બ્રિટિશરોની ભાવિ પેઢીઓમાં માતૃભાષા અને રાષ્ટ્રભાષા વિલુપ્ત થતી બચાવવી પડશે

Wednesday 30th November 2022 05:30 EST
 

સદીઓથી ગુજરાતીઓ વિદેશમાં વસવાટ કરે છે. પહેલાં વેપાર અર્થે વિદેશ પ્રવાસ ખેડતાં ગુજરાતીઓ ધીમે ધીમે જે તે દેશમાં સ્થાયી થવા લાગ્યાં. આજના આધુનિક યુગમાં વ્યવસાયની સાથે સાથે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા અને સારી તકોની શોધમાં ગરવા ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં વસી રહ્યાં છે. વિદેશોમાં સ્થાયી થયેલી પહેલી અને બીજી પેઢી સુધી ગુજરાતી ભાષાનું ચલણ રોજિંદા જીવનમાં જારી રહી શક્યું પરંતુ ત્રીજી પેઢીમાંથી ગુજરાતી વિલુપ્ત થઇ રહી છે. માતૃભાષા વિદેશમાં વસનારા કોઇપણ વ્યક્તિ માટે વતન સાથેના જીવંત સેતુ તરીકેની ગરજ સારે છે. બ્રિટનમાં પણ ગુજરાતી સહિતના ભારતીયોની હવે ત્રીજી-ચોથી પેઢી વસવાટ કરે છે. તાજેતરમાં જ બ્રિટનના શિક્ષણ વિભાગ દ્વારા જારી આંકડા દર્શાવે છે કે ગુજરાતી સહિતની ભારતીય ભાષાઓનું જ્ઞાન પ્રાપ્ત કરીને તેની પરીક્ષા આપનારા ભારતીયોની સંખ્યા ઘટી રહી છે. ગુજરાતીની પરીક્ષા આપનારા વિદ્યાર્થીની સંખ્યા 2015 પછી 63 ટકા ઘટી ગઇ છે. આપણે વતનની સાથે જીવંત સેતુની વાતો કરીએ છીએ પરંતુ આપણા સંતાનો અને તેમના સંતાનો વતન સાથેનો ભાષાકીય સંપર્ક ગુમાવી રહ્યાં છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા યુગાન્ડન સમુદાયે આગામી પેઢીનો વતન સાથેનો સંબંધ મજબૂત બની રહે તે માટે લેંગ્વેજ સ્કૂલની સ્થાપના કરી છે જેમાં સ્વયંસેવકો દ્વારા યુગાન્ડન મૂળના બાળકો અને યુવાઓને લુગાન્ડા ભાષાનું શિક્ષણ અપાઇ રહ્યું છે જેથી તેઓ વતનના દેશની ભાષાની ઓળખની સાથે સાથે વતનમાં રહેતા પરિવારજનો અને સમાજ સાથે સારી રીતે માતૃભાષામાં જ વાત કરી શકે.
બ્રિટનવાસી ગુજરાતી સમાજે શિક્ષણ વિભાગ દ્વારા જારી આંકડાની ગંભીરતા સમજવી પડશે. પહેલી અને બીજી પેઢીના ગુજરાતી બ્રિટિશરોએ આગામી પેઢીઓમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે સ્વયંભૂ પગલાં લઇ ગુજરાતીનું શિક્ષણ આપવું પડશે નહીંતર બ્રિટિશ ગુજરાતીઓની આગામી બે પેઢીમાં ગુજરાતી ભાષા વિલુપ્ત થઇ જાય તો નવાઇ નહીં. ‘ગુજરાત સમાચાર’ દ્વારા થોડા સમય પહેલાં ગુજરાતી ભાષાનું જ્ઞાન આપતી કોલમ શરૂ કરાઇ હતી અને તેમાં કક્કો બારાખડી સાથે શબ્દો અને વાક્યોની સંરચના અંગે માર્ગદર્શન અપાયું હતું, પરંતુ આ પ્રયાસ પૂરતો નથી. આપણા સંતાનો અને તેમના સંતાનોમાં અખબાર વાંચનની પ્રવૃત્તિ ઘણી મંદ છે. પરિવારના મોભીઓએ આગામી પેઢીઓમાં ગુજરાતીને જીવંત રાખવાના પ્રયાસ કરવા પડશે તો સાથે સાથે સમાજે પણ મહત્વની ભુમિકા ભજવવી પડશે. ગુજરાતીનું શિક્ષણ આપતા વિશેષ સેમિનાર, વર્કશોપ નવી પેઢીમાં ગુજરાતીનું જ્ઞાન વધારશે તેમાં કોઇ શંકા નથી. ગુજરાતીનું જ્ઞાન આગામી પેઢીઓને વતન ગુજરાત સાથે મજબૂત રીતે જોડી રાખશે અને તે જ એક મજબૂત જીવંત સેતુ પૂરવાર થશે. ફક્ત ગુજરાતી નહીં પરંતુ અન્ય ભારતીય ભાષાઓ પણ પેઢીઓમાંથી લુપ્ત થઇ રહી છે. હિન્દીનું તો કોઇ લેવાલ જ નથી. જીસીએસઇએસ દ્વારા લેવાતી હિન્દીની પરીક્ષામાં 2019થી 2022 સુધી એક પણ બાળક બેઠો નથી. હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. બ્રિટનમાં પંજાબી સહિત ઉત્તર ભારતીય સમુદાયની વસતી નોંધપાત્ર હોવા છતાં આ સ્થિતિ છે. માતૃભાષાની સાથે રાષ્ટ્રભાષાનું જ્ઞાન પણ આવશ્યક છે, જે ભાવિ પેઢીને ભારત સાથે જોડી રાખશે.


comments powered by Disqus