26-11-2008નોએ ગોઝારો દિવસ માત્ર મુંબઈ નહીં, આખું ભારત ક્યારેય નહીં ભૂલી શકે. પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ઇશારે આવેલા 10 આતંકીઓએ એ દિવસે ભયાનક આતંકવાદી હુમલો કર્યો અને મિનિટોમાં આખી દુનિયા બદલાઈ ગઈ. આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબા અને પાકિસ્તાનના ઇશારે દરિયાઈ માર્ગે આવેલા 10 નરાધમ આતંકવાદી મુંબઈમાં આવ્યા અને અનેક વિસ્તારોમાં ગોળીઓ વરસાવી શહેરની પ્રતિષ્ઠિત ઇમારતો અને દેશની શાન હોટેલ તાજને બાનમાં લઈ લીધી. આતંકીઓ પોતાની મસ્તીમાં અંધાધૂંધ ગોળીબાર-બોમ્બમારો કરતા રહ્યા અને મુંબઈના અનેક નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ આતંકી હુમલામાં 170 લોકોનાં મૃત્યુ થયાં. 300 કરતાં વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા. સેંકડો પરિવારોને હુમલાની એ કાળમુખી ક્ષણ ઊંડો આઘાત અને આકરો ઉઝરડો આપતી ગઈ. એના ઘા 14 વર્ષ પછી પણ ભરાયા નથી. મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મુંબઈ પોલીસના તાલીમ પામેલા સ્નાઇપર ડોગ્સે પણ દંડવત્ કરીને અંજલિ આપી હતી. માણસના દોસ્ત એવા ડોગ્સ જાણે પીડિત પરિવારોને ન કહેતા હોય – ‘અમે ય તમારી વેદના સમજીએ છીએ.’

